Junagadh News: 'મન હોય તો ગિરનાર ચડાય!' આ સૂત્રના આપનાર વિપુલભાઈનું (Vipulbhai Bokarvadiya) સાહસ જોઈને ભલભલા અચરજમાં મુકાય જાય છે! શરીરથી એકદમ સ્વસ્થ હોવા છતાંય કેટલાંક લોકો ગિરનાર (Girnar) ચડીને જવાનું પસંદ નથી કરતાં, ત્યારે તેની સામે રાજકોટના વિપુલભાઈ એક એવાં વ્યક્તિ છે, જેઓને બંને પગ ન હોવા છતાં (Handicap) આજે સાતમી વખત ગિરનાર સર કરીને અશક્ય વાતને શક્ય બનાવી દીધી છે. (Motivational Story)
વિપુલભાઈનો પરિચય:
વિપુલભાઈ બોકરવાડિયાનું મૂળ વતન રાજકોટના બાબરા પાસે આવેલું ચાવંડ ગામ છે. તેઓ છેલ્લાં દસેક વર્ષથી રાજકોટમાં સ્થાયી થયાં છે. હાલ 40 વર્ષીય વિપુલભાઈ વ્યવસાયે વેબ-ડિઝાઇનિંગનું કામ કરી રહ્યાં છે. વિપુલભાઈ જ્યારે બે વર્ષના હતાં, ત્યારે તેઓ પોલિયોગ્રસ્ત થયાં અને તેઓને બંને પગે ખોડ રહી ગઈ, જે પછી તેઓ ચાલવાનું તો શું, પણ પોતાની જાતે ઊભાં પણ ન્હોતાં થઈ શકતાં!
વિપુલભાઈને ગિરનાર સર કરવાની પ્રેરણા ક્યાંથી મળી?
ગિરનારી મહારાજ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાએ વિપુલભાઈના મનને પગ અને મજબૂત મનોબળ આપ્યાં. જેના થકી વિપુલભાઈ વર્ષ 2012 માં સૌપ્રથમ વખત ગિરનાર સર કરવા માટે આવ્યાં. જે પછી વર્ષ 2016, 2017, 2018, 2019 અને 2020 એમ દર વર્ષે ગિરનાર સર કરતાં ગયાં. તેઓ ડોળી કે ઘોડીનો ઉપયોગ કરતાં નથી, પરંતુ પોતાના હાથના ટેકે બેઠાં-બેઠાં ગિરનારના પગથિયાં ચડે છે.
વિપુલભાઈએ અગાઉ છ વખત ગિરનાર સર કર્યો છે, જેમાં તેઓએ બે વખત 9999 પગથિયાં ચડીને છેક દત્તાત્રેય ટૂંક સુધી પહોંચ્યા હતાં, જ્યારે ચાર વખત 5500 જેટલા પગથિયાં ચડીને અંબાજી ટૂંક સુધી જઈ, પરત ફર્યા હતાં. વિપુલભાઈ જો દત્તાત્રેય ટૂંક સુધી જાય તો, તેઓએ અંદાજે 20 કલાક જેટલો સમય લાગે છે, જ્યારે અંબાજી દર્શન કરીને પરત થઈ જાય તો, 15 કલાક જેટલો સમય જાય છે. વિપુલભાઈએ સાતમી વખત ગિરનાર સર કરવા આવ્યાં છે, ત્યારે તેઓએ અંબાજી ટૂંક સુધી પહોંચી, પરત ફર્યા છે.
વિપુલભાઈ તેઓના મિત્રો માટે પ્રેરણારૂપ બન્યાં.:
વિપુલભાઈએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, તેઓએ જ્યારે પહેલી વખત ગિરનાર સર કર્યો ત્યારે તેઓની સાથે માત્ર પાંચ-સાત મિત્રો જોડાયા હતાં, જે પછી અનેક મિત્રોએ તેમને ગિરનાર ચડતાં જોઈ, તેમાંથી પ્રેરણા લઈ દર વર્ષે તેઓની સાથે ગિરનાર ચડવા આવવાનું પ્રયાણ કર્યું. વિપુલભાઈ જ્યારે સાતમી વખત ગિરનાર સર કરવા આવ્યાં, ત્યારે તેઓની સાથે 60 જેટલાં મિત્રો જોડાયાં છે. વિપુલભાઈના કહેવા મુજબ; તેઓના મિત્રોના સાથ-શકારને કારણે જ તેઓને જુસ્સો અને સાહસ મળે છે, જેથી તેઓ આસાનીથી ગિરનાર સર કરી શકે છે.
'જય ગિરનારી માનવસેવા ગ્રુપ' દ્વારા થઈ રહી છે અનેક સેવા પ્રવૃત્તિ:
વિપુલભાઈ સહિત તેમના 80 જેટલાં મિત્રોનું રાજકોટ ખાતે એક સેવાભાવી ગ્રુપ કાર્યરત છે, જેનું નામ છે 'જય ગિરનારી માનવસેવા ગ્રુપ'. જેઓ દર મહિને ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન કરાવે છે. આ ઉપરાંત તેઓ મેડિકલ સહાય, બટુક ભોજન, આર્થિક સહાય, અનાથ બહેનોને સિલાઈ મશીન વિતરણ વગેરે જેવી સેવા પ્રવૃત્તિ છેલ્લાં 3 વર્ષથી કરી રહ્યાં છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર