આપણે કથાઓમાં એવું તો અનેકવાર સાંભળ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડે એટલે ગૌધન અને ગોપીઓ શાન-ભાન ભૂલીને દોડી આવે! પણ જૂનાગઢમાં એક એવો અનોખો સેવા રથ છે, જેને જોઈને કે તેમાં વાગતું સંગીત સાંભળીને ગૌધન અને શ્વાનો દોડતા આવે છે!
છેલ્લા ૧૩ વર્ષથી જૂનાગઢમાં સેવાકાર્ય કરનાર બાબા મિત્ર મંડળની અહીં વાત કરવાની છે. ભાગ્યે જ કોઈક જૂનાગઢવાસી બાબા મિત્ર મંડળ અને તેમના દ્વારા થતાં વિવિધ સેવાકાર્યોથી અજાણ હશે! તમે જૂનાગઢના રસ્તા પર સાંજના સમયે નીકળો એટલે ક્યાંક’ને ક્યાંક તો બાબા મિત્ર મંડળના સેવા રથના દર્શન થઈ જ જાય! વાત જીવદયા રથની કરીએ તો, તેઓ વર્ષના ૩૬૫ દિવસ પશુ-પક્ષીઓ માટે ભોજનની સામગ્રી લઈને રોજ સવારના સમયે નીકળે છે અને અબોલ પશુ-પક્ષીઓની ક્ષુધાને શાંત કરે છે.
આ ઉપરાંત બાબા મિત્ર મંડળ દ્વારા હરતું-ફરતું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જે ગરીબ, નિરાધાર, ભિક્ષુકો, પોતાની જાતે કામ કરવા માટે સક્ષમ ન હોય, માનસિક બીમાર હોય તેવા લોકોને સ્થળ પર જ જઈને વર્ષના ૩૬૫ દિવસ ભોજન આપવામાં આવે છે.