'પ્રાણી કલ્યાણ' માટે કનકાઇના યજ્ઞમાં જઇ રૂપાણી ગીરજંગલનું નખ્ખોદ વાળશે!

Vijaysinh Parmar | News18 Gujarati
Updated: May 2, 2018, 1:28 PM IST
'પ્રાણી કલ્યાણ' માટે કનકાઇના યજ્ઞમાં જઇ રૂપાણી ગીરજંગલનું નખ્ખોદ વાળશે!

  • Share this:
એક તરફ કનકાઇ મંદિરમાં રાત્રિ રોકાણને લઇ ગુજરાત હાઇકોર્ટમાં જાહરે હિતની અરજી થયેલી છે અને કોર્ટે આ મુદ્દે સરકારને નોટિસ ઇશ્યૂ કરી છે ત્યારે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના અનેક આગેવાનો ગીર જંગલની મધ્યે આવેલા કનકાઇ મંદિરે યોજાનાર યજ્ઞમાં 6 મેના રોજ હાજરી આપશે. ગીર અભ્યારણ્યમાં લોકોની અવર-જવર ઓછી થાય એવા પગલાં લેવાને બદલે સરકાર ખુદ જ ગીર જંગલને ખેદાન-મેદાન કરી રહી હોય એવુ બની રહ્યું છે. કરુણતા એ છે કે, આ યજ્ઞ "પ્રાણીઓના કલ્યાણ" માટે યોજવામાં આવી રહ્યો છે. નિંમત્રણ પત્રિકામાં જે મહાનુભાવોના નામ લખ્યા છે તેમાં વિજય રૂપાણીની સાથે અમિત જેઠવા હત્યા કેસના આરોપી દિનુ બોઘા સોંલકીનો પણ સમાવેશ થાય છે.

કનકાઇ મંદિર દ્વારા જે નિમંત્રણ પત્રિકા છાપી છે તેમાં જ લખ્યુ છે કે, "આવો વડીલો,. આવા રૂડા અવસરમાં ભાગ લઇ આપણા જીવનને ધન્ય બનાવીએ. સાથે સાથે પરમકૃપાળુ કુદરતના બનાવેલા જંગલો ,પશુઓ, પ્રાણી, પશુ, પંખીને તથા અન્ય જીવનને 'નિહાળવાની ઉત્તમ તક' ઝડપી લઇએ અને પર્યાવરણને બચાવવાની જાગૃતિ અભિયાનમાં સામેલ થઇ પુર્ણ્યનું ભાથું બાંધીને ઋુષિ પરંપરા નિભાવીએ" રૂપાણીનું કનકાઇ મંદિરના યજ્ઞમાં હાજરી આપવા જવુ એ પર્યાવરણ અને ગીર પ્રેમીઓ માટે આઘાત સમાન છે.

ગીર જંગલ વિશે નિયમીત રીત પ્રશ્નો ઉઠાવતા અને રાજયની વાઇલ્ડ લાઇફ એડવાઇઝરી બોર્ડનાં પૂર્વ સભ્ય રેવતૂભા રાયજાદાએ કહ્યુ કે, વિજય રૂપાણી કનકાઇ મંદિર જઇને ખોટો મેસેજ આપી રહ્યા છે. તેમનું આ પગલુ પ્રાણીઓનું કલ્યાણ તો નહીં કરે પણ ગીર જંગલનું નખ્ખોદ વાળશે. સરકારે એવા પગલા લેવા જોઇએ કે, ગીર જંગલની અંદર ઓછામાં ઓછા લોકો જાય અને વન્ય પ્રાણી નિશ્ચિંત તઇ વિહાર કરે. પણ આ કમનસીબીએ છે કે આ સરકાર વન્ય પ્રાણીઓ અને જંગલને ખતમ કરવા બેઠી છે."

મતના રાજકારણ માટે ગીર જંગલનો ભોગ લેશો!


રસપ્રદ વાત એ છે કે, વિજય રૂપાણી "પ્રાણીઓના કલ્યાણ" માટેના યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યાં છે તે જંગલ વિસ્તાર ગીર-પશ્ચિમ વિભાગમાં પડે છે. ગુજરાત સરકાર માટે ગીરના સિંહોના સંરક્ષણ કરતાં, ગીર જંગલામાં આવેલા મંદિરોનાં ભક્તોની ચિંતા વધારે છે.

થોડા દિવસો અગાઉ ગીર (પશ્ચિમ)ના નાયબ વન સંરક્ષક (ના.વ.સ) પ્રદિપ સિંઘની બદલી કરવામાં આવી હતી. પણ સરકારે આ જગ્યાએ અન્ય કોઇ અધિકારીની આજદિન સુંધી નિમણૂંક કરવામાં આવી નથી.રાજ્યની વાઇલ્ડલાઇફ એડવાઇરી બોર્ડના સભ્ય ભુષણ પંડ્યાએ કહ્યુ કે, કોઇ મંદિર યજ્ઞ કરે તેમાં કોઇને વાંધો ન હોઇ શકે પણ એ ગીર જંગલમાં ન થવો જોઇએ. જંગલની બહાર કરે તો કોઇને વાંધો ન હોય. બીજુ કે, અત્યાર સુંધી કોઇ મુખ્યમંત્રી કનકાઇ મંદિરે ગયા હોય તેવુ મને યાદ નથી. કનકાઇ મંદિર અને વન વિભાગ વચ્ચે સંઘર્ષ ચાલતો આવ્યો છે અને જે-તે સરકારોએ વન વિભાગની પડખે ઉભુ રહ્યુ છે. પહેલી વખત એવુ બની રહ્યુ છે કે સરકાર વન વિભાગ સાથે નથી એવા દાખલાઓ જોવા મળી રહ્યાં છે. ગુજરાત સરકાર જો વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવા માંગતી હોય તો. યજ્ઞમાં જઇ જંગલને ખલેલ પહોંચાડવા કરતા તાત્કાલિક રીતે ગીર (પશ્ચિમ)ના ના.વ.સંની જગ્યા ભરવી જોઇએ. હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં સરકાર એક પાર્ટી હોય છે. શું આ મુલાકાત આડકતરી રીતે સરકારના વલણ પર અસર ન કરે?

વન વિભાગ આ વિશે શું કહે છે?

આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ મુખ્ય વનસંરક્ષક (વન્ય પ્રાણી વતૃળ-જુનાગઢ) એ.પી. સિંઘને પુછ્યુ કે, કનકાઇ વિજય રૂપાણી આવવાના છે ? અને આટલો મોટો યજ્ઞ જંગલની અંદર કરવા માટે કોઇ પરમીશનની જરૂર પડે છે ? આ સવાલના જવાબમાં એ.પી. સિંઘે કહ્યુ કે, આવા કોઇ યજ્ઞ વિશે કે મુખ્યમંત્રીની મુલાકાત વિશે મને જાણ નથી. મારે તપાસ કરાવવી પડશે. પરમીશન વિશે પણ તેમણે કહ્યુ કે, આ વિશે જોવુ પડે."

ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે અને થોડા દિવસો પહેલા જ સુઓમોટો પિટીશન દાખલ કરી છે. છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીર માં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે.

ન્યૂઝ 18 ગુજરાતીએ અગાઉ નોંધ્યુ હતુ કે કનકાઇ મંદિરે દર્શન કરવા આવતા ભક્તો દ્વારા જંગલના નિયમોના ભંગ કરવા બદલ વન વિભાગ દ્વારા 2008-9થી 2017-18 સુંધીમાં 51થી પણ વધુ ફોરેસ્ટ ઓફેન્સ રિપોર્ટ કરવામાં આવ્યા છે. ગીર અભ્યારણ્યમાં કનકાઇ માતાજીના મંદિરે જતી-આવતી વખતે ભક્તો રસ્તામાં જંગલના નિયમોનો છડેચોક ભંગ કરે છે અને વન્યપ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. જે બાબતે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે તેમાં લોકો દ્વારા જોરજોરથી ગીતો વગાડવા, પ્લાસ્ટિક ફેંકવું, વન્યપ્રાણીઓને રંજાડ કરવી, ગેરકાયદેસર રીતે અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરવો અને પરિભ્રમણ કરવું, નદીમાં પ્લાસ્ટિક ફેંકવું, કનકાઇ પરિસરમાં ગેરકાયદેસર રીતે રાત્રિ રોકાણ કરવું, અભ્યારણ્ય વિસ્તારમાં ગાડી રોકી, નાસ્તા-પાણી કરવા, વગેરે કૃત્યોનો સમાવેશ છે.
વિજયસિંહ પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી
First published: May 2, 2018, 1:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading