Junagadh News: સરકારી બેંકના ખાનગીકરણના વિરુદ્ધમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) એ આજ રોજ તા.16મી ડિસેમ્બર અને આવતીકાલ તા.17મી ડિસેમ્બરના રોજ બે દિવસીય હળતાળ (Bank Strike) જાહેર કરી છે, ત્યારે કેન્દ્ર સરકારની આ વિચારણાનો વિરોધ કરવા દેશની તમામ સરકારી બેંકના કર્મચારીઓ બે દિવસ માટે હડતાળ (Strike) ઉપર ઉતર્યા છે, ત્યારે જૂનાગઢમાં પણ સરકારી બેંકના કર્મચારીઓ (Bank Employees) દ્વારા હડતાળને લઈને ઘાતક સૂત્રોચ્ચારો કરવામાં આવ્યાં, તેમજ જાહેરમાં દેખાવો કરવામાં આવ્યાં.
જૂનાગઢના દિવાન ચોક ખાતે આજરોજ તા.16મી ડિસેમ્બરના રોજ દેશવ્યાપી બેન્ક હડતાળના ભાગરૂપે જૂનાગઢની તમામ સરકારી બેંકના કર્મચારીઓએ હાજર રહીને હડતાળને સમર્થન આપી, સરકારી બેંકમાં ખાનગીકરણનો વિરોધ કર્યો હતો. બેન્ક કર્મચારીઓએ ભારે દેખાવો સાથે, કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સેન્ટ્રલ બેંકના કર્મચારી સંજયભાઈ કાપડીયાએ સફેદ બનીયાન ધારણ કરી, તેમાં 'બેન્ક બચાવો, દેશ બચાવો' જેવા સૂત્રો લખી સરાજાહેર દેખાવ કર્યાં.
આ વિશે વધુ વાત કરતાં સેન્ટ્રલ બેંકના કર્મચારી સંજયભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે, આંધળી-બહેરી સરકાર, જે ગરીબ લોકોનું લોહી ચૂસવા સરકારી બેંકોનું ખાનગીકરણ કરવા મથી રહી છે, તેના વિરોધમાં કર્મચારીઓ સરાજાહેર હડતાળ કરી રહ્યાં છે. ગરીબો અને સામાન્ય વર્ગના લોકો તરફ જોઈને સરકાર જે તે નિર્ણય કરે, એવું અમે ધ્યાન દોરવા ઈચ્છીએ છીએ. જો બેન્ક રહેશે, તો દેશ રહેશે, ત્યારે કર્મચારીઓ આજે ખાનગીકરણનો વિરોધ કરવા મેદાને ઉતર્યા છે.
આ સંદર્ભે ગુજરાત બેન્ક વર્ક્સ યુનિયન જૂનાગઢના જિલ્લા મંત્રી દિલીપભાઈ ટીટીયાએ જણાવ્યું કે, આ હડતાળ કર્મચારીઓના પ્રશ્નો માટે નથી, પરંતુ આ હડતાળ જાહેર જનતાના હિત માટેની છે. બેન્કને ખાનગીકરણથી બચાવવા અને દેશ બચાવવા માટે સૌ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. હડતાળના બે દિવસ દરમિયાન જનતાને થોડી મુશ્કેલીઓ પડશે, પરંતુ ઈન્ટરનેટ બેન્કિંગ અને એટીએમ મારફતે વ્યવહાર રાબેતા મુજબ રહેશે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, ખાનગીકરણ થવાથી દેશવાસીઓને ખુબજ મોટી મુશ્કેલીઓ થવાની છે. ભવિષ્યમાં બેંકના સર્વિસ ચાર્જ ખૂબ વધી જશે. સામાન્ય નાગરિકોને બેન્કમાંથી લોન લેવી મહામુસીબત બનશે. સામાન્ય માણસની મૂડી, મૂડીપતિઓના હાથમાં આવી જશે અને તેમની મૂડીની કોઈ સલામતી રહેશે નહીં. જેને લઈને બેન્ક કર્મચારીઓએ બે દિવસની હળતાળનું એલાન કર્યું છે, જો સરકાર આ ખરડો પાછો નહીં ખેંચે તો, આવનાર દિવસોમાં અચોક્કસ મુદ્દતના આંદોલન કરવામાં આવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર