Home /News /kutchh-saurastra /

સ્વામિનારાયણ મંદિર ખાતે 2500 કિલોથી વધારે સામગ્રીનાં અન્નકુટ દર્શન, Video માં દર્શન

સ્વામિનારાયણ મંદિર ખાતે 2500 કિલોથી વધારે સામગ્રીનાં અન્નકુટ દર્શન, Video માં દર્શન

Annakut

Annakut Darshan

જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરને આંગણે 2500 કિલોથી વધારે મહાપ્રસાદ સામગ્રીના અન્નકુટ દર્શન યોજાયા...

  દિવાળીના તહેવારો અનેક દેવસ્થાનોમાં ધામધૂમથી ઉજવાતાં હોય છે, એમાંય ખાસ કરીને નૂતન વર્ષના દિવસે ભગવાનને અન્નકુટ ધરાવવાની પરંપરા અનેક વર્ષોથી ચાલી આવે છે, ત્યારે જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે પણ નવા વર્ષના દિવસે નિજ મંદિરમાં ભગવાનની સમક્ષ છપ્પન ભોગ અન્નકુટ મહાપ્રસાદના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

  જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરને આંગણે આશરે 2500 કિલોગ્રામથી પણ વધારે વજન ધરાવતો અન્નકુટ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શાકભાજી, કઠોળને લઈને 51 થી પણ વધારે શાક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દાળ-ભાત, રોટલી વગેરે ભોજન સામગ્રી ધરાવવામાં આવી છે. નિજ મંદિરમાં ભગવાનને અવનવી મીઠાઈઓ, ફરસાણ સહિતનો છપ્પન ભોગ અન્નકુટ મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો. જેના દર્શન કરીને હરિભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

  સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં બિરાજતાં હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, સિધ્ધેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષે છપ્પન ભોગ અન્નકુટ ધરાવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધનજીની પૂજા કરી અને ત્યારબાદ ગોવર્ધનનાથજીને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો, એ વૈષ્ણવી પરંપરા આજે પણ જાળવી રાખવા સ્વામિનારાયણ મુખ્ય મંદિરને આંગણે ભવ્યાતિભવ્ય છપ્પન ભોગ અન્નકુટના દર્શનનું આયોજન થયું.

  આ તકે કોઠારી સ્વામીશ્રી દેવનંદનદાસજી સ્વામીએ જણાવ્યું કે, નવા વર્ષના પ્રથમ દિવસે જ્યારે ખેડૂતોના ઘરમાં નવું અનાજ આવે, ત્યારે એ અનાજ ભગવાનને પ્રથમ ધરાવવામાં આવતું હોય છે. આ અન્નકૂટમાં ભક્તોની ભાવના ભળે અને ઈશ્વરની કૃપા ભળે એટલે સિદ્ધ થતો હોય છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Junagadh news, Local News

  આગામી સમાચાર