Home /News /kutchh-saurastra /

જુનાગઢ: જિલ્લા પંચાયત પાસે કૈંક આવા હેતુથી મહિલા સંચાલિત અમૂલ પાર્લર શરૂ કરાયું, જુઓ વિડીયો..

જુનાગઢ: જિલ્લા પંચાયત પાસે કૈંક આવા હેતુથી મહિલા સંચાલિત અમૂલ પાર્લર શરૂ કરાયું, જુઓ વિડીયો..

Amul

Amul Parlor

મુખ્યમંત્રી મહિલા ઉતકર્ષ યોજના અંતર્ગત હાલમાં સ્વસહાય જૂથની બહેનોને એક લાખ રૂપિયાની લૉન આપવામાં આવી છે, તે લૉનનો તે મહિલાઓ કોઈપણ બિઝનેસમાં ઉપયોગ કરી શકે

    સુમિત જાની, જુનાગઢ: મહિલાઓ પણ પુરુષ સમોવડી (Women Empowerment) બને અને પોતાની એક અલગ ઓળખ ઉભી કરે અને પગભર થાય તેવા હેતુથી સરકાર દ્વારા અનેક પ્રયત્નો થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી મહિલા ઉતકર્ષ યોજના (mukhyamantri mahila utkarsh yojana) અંતર્ગત હાલમાં સ્વસહાય જૂથની બહેનોને એક લાખ રૂપિયાની લૉન આપવામાં આવી છે, તે લૉનનો તે મહિલાઓ કોઈપણ બિઝનેસમાં ઉપયોગ કરી શકે અને તેના થકી આવક મેળવી શકે તેવા હેતુથી જૂનાગઢ જિલ્લા પંચાયત (Junagadh Jilla Panchayat) કેમ્પસમાં એક અમુલ પાર્લર (Amul Parlor)ની સ્થાપના કરવામાં આવી છે.

    મહિલાઓના વિકાસ માટે સખીમંડળના બહેનો દ્વારા આવું કોઈ પાર્લર શરૂ કરવામાં આવે તો, બીજા બહેનોને પણ આર્થિક રીતે પગભર થવામાં પ્રેરણા મળે તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓને તથા નજીક વિસ્તારના રહેવાસીઓને તેનો લાભ મળી રહે તે માટે જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં સખીમંડળ સંચાલિત અમુલ પાર્લર શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો.

    અમુલ પાર્લર અંગે જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા દ્વારા વિચારણા કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને સુચના આપતા સખીમંડળ અને અમુલ કંપનીનો સંપર્ક કરી સખીમંડળ સંચાલિત અમુલ પાર્લર જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં શરૂ કરવામાં આવેલ છે.

    જૂનાગઢ જિલ્લા પંચાયતના કેમ્પસમાં જિલ્લા પંચાયત, કલેક્ટર ઓફીસ, એસ.પી.ઓફીસ સ્થિત છે, આ ઉપરાંત શહેરના એક મહત્વના વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ આ પાર્લરથી અનેક લોકોને તેનો લાભ મળવાનો છે, જેના થકી સ્વસહાય જૂથની બહેનો રોજગારી મેળવશે અને પગભર થશે.

    આ અમુલ પાર્લરનું તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડો.રાજુલબેન દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. આ તકે ડો.રાજુલબેન દેસાઈ દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાના પ્રયત્નો માટે જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નિયામક આર.જે.જાડેજા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયાની કામગીરીની સરાહના કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડી.એલ.એમ. કિરણભાઈ વ્યાસે જહેમત ઉઠાવી હતી.
    First published:

    Tags: Junagadh news, જુનાગઢ

    આગામી સમાચાર