તારીખ 15મી ઓગસ્ટ, 1947ના રોજ આખુંય ભારત દેશ આઝાદીના જશ્નની તૈયારીમાં હતું, ત્યારે આ ભારત દેશને આઝાદીની સાથે સાથે ભાગલા, વિસ્થાપિતો અને રજવાડાઓનાં પ્રશ્નો પણ મળ્યાં. જેમાં હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ જેવા રજવાડાઓનો ભારત સંઘ સાથે ન જોડાવાનો નિર્ણય દેશની અખંડતા માટે વિકટ પ્રશ્ન બન્યો!
જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવા કરેલા નિર્ણયએ જૂનાગઢની આઝાદી માટે એક અન્ય સંઘર્ષને આમંત્રણ આપ્યું. એ સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજના દ્રષ્ટાન્ત પરથી જૂનાગઢની આઝાદી માટે "આરઝી હકૂમત"ની સ્થાપના કરવામાં આવી. ગાંધીજીના આ બાબત પરના શબ્દો કે, 'જૂનાગઢમાંથી પાકિસ્તાન જવું જ જોઈએ!' આરઝી હકૂમતને સંકલ્પ બળ પુરું પાડનારા બન્યાં.
શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી અને અમૃતલાલ શેઠ જેવાં અગ્રણીઓએ લોક જાગૃતિ કેળવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો. તા.25 સપ્ટેમ્બર, 1947 ના રોજ મુંબઈ માધવબાગ ખાતે સભા મળી, જેમાં નવાબે પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યાનાં આધારે જૂનાગઢના પાકિસ્તાન સાથેનાં જોડાણનો વિરોધ કરવામાં આવ્યો. આરઝી હકૂમતે સૌથી પહેલું કામ લશ્કર અને શસ્ત્રો સાથેની સેના "આઝાદ જૂનાગઢ ફૌજ"ની રચનાનું કર્યું. જે ‘લોકસેના’ તરીકે પણ ઓળખાતી હતી.
આ દરમિયાન આરઝી હકૂમત અને લોકસેનાની જરૂરિયાતો તેમજ અન્ય આવશ્યકતા માટે સરદાર પટેલે સતત માર્ગદર્શન પુરુ પાડ્યું. સ્થાનિક આગેવાનોના સહકારથી આરઝી હકૂમતે જૂનાગઢના 106 ગામો પર કબજો મેળવ્યો. આ સાથે જૂનાગઢની આઝાદી વધુ સુનિશ્ચિત થતી જતી હતી. નવાબને હવે સંજોગો પોતાના પક્ષે ન લાગતાં તા.24 ઓક્ટોબર, 1947 ના રોજ પોતાનાં પરિવાર સાથે પાકિસ્તાન જવાં રવાના થયાં.
જ્યારે દીવાન શાહનવાઝ ભુટ્ટોને પણ પોતાના ઈરાદાઓ પર પાણી ફરતું જણાયું, ત્યારે તેઓએ પણ ભારત સરકારની શરણાગતિ સ્વીકારી. આખરે તા.09 નવેમ્બર, 1947 ના રોજ વિધિવત રીતે જૂનાગઢને ભારત સાથે જોડવામાં આવ્યું. આપખુદ શાસન સામે લોકોનો સંઘર્ષ રંગ લાવ્યો.
એ દિવસે સાંજે પાંચ વાગ્યે સૈન્ય મજેવડી દરવાજામાંથી પ્રવેશ કરીને ઉપરકોટના ઐતિહાસિક કિલ્લા ઉપર ગયું, ત્યાં જઈને ભારતનો ધ્વજ લહેરાવ્યો. એ જ વખતે ગેઝેટ પ્રસિદ્ધ કરીને હિન્દી સંઘ વતી સાંજે છ વાગ્યાથી તેઓ જૂનાગઢનો કબજો લે છે, તેમ રિજિયોનલ કમિશનરે જાહેર કર્યું. શામળદાસ ગાંધી સહિતના આગેવાનોએ તિરંગાને સલામી આપી અને જૂનાગઢ પાકિસ્તાનથી આઝાદ થયું.
તા.13 નવેમ્બર, 1947 ના રોજ સરદાર પટેલે જૂનાગઢ ખાતે પ્રત્યક્ષ રીતે લોકોની ઈચ્છાની ખાતરી કરી. રાજાશાહીને બદલે લોકશાહીની સ્થાપનાનો વિશ્વાસ અપાવ્યો. જે પછી તા.20 ફેબ્રુઆરી, 1948 ના રોજ જનમત સંગ્રહ દ્વારા 99% લોકોએ ભારતમાં જોડાવા માટે સંમતિ આપી અને જૂનાગઢનાં લોકમતનો વિજય થયો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર