Home /News /kutchh-saurastra /જૂનાગઢ: 60 વર્ષનાં દાદા માત્ર 10 રૂપિયામાં કરાવે છે ગરમાગરમ નાસ્તો, પરિવારનું ગુજરાન ચલાવવા કરે છે કામ

જૂનાગઢ: 60 વર્ષનાં દાદા માત્ર 10 રૂપિયામાં કરાવે છે ગરમાગરમ નાસ્તો, પરિવારનું ગુજરાન ચલાવવા કરે છે કામ

Rajeshbhai

Rajeshbhai Food Wander

જીવનમાં આવેલી અનેક મુસીબતો સામે અડીખમ ઊભેલાં 60 વર્ષના દાદા આજે માત્ર 10 રૂપિયામાં ગરમાગરમ નાસ્તો કરાવી, જૂનાગઢવાસીઓના દિલ જીતી રહ્યા?

    કહેવત છે ને કે,'સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય!' એ કહેવતને સાચી કરી રહ્યાં છે, જૂનાગઢના 60 વર્ષીય રાજેશભાઈ. જૂનાગઢ શહેરના (Junagadh News) એમ.જી.રોડ અને માંગનાથ રોડ પર માત્ર ₹10 જેવી નજીવી કિંમતે ગરમાગરમ નાસ્તો ખવડાવી લોકોના દિલ જીતી (Small Business) રહેલાં રાજેશભાઈએ જિંદગીભર કરેલો પરિશ્રમ આજે ફળી રહ્યો હોય, એવું લાગી રહ્યું છે.

    રાજેશભાઈ છેલ્લાં 30 વર્ષથી જૂનાગઢમાં રહે છે, ફાસ્ટફૂડના બિઝનેસ (Fastfood Business) પહેલાં તેઓને પાનના વ્યવસાય સાથે જોડાયેલા હતા, પણ ઓલું કહેવાય ને કે, જિંદગી નામની ફિલ્મમાં મુશ્કેલી ભર્યા રોલ બેસ્ટ એક્ટરને જ આપવામાં આવે છે! એવુંજ કઈંક રાજેશભાઈ સાથે પણ થયું. તેમના જીવનમાં ઉંમરને કારણે બીમારી આવી, અનેક પારિવારિક સમસ્યા ઉભી થઈ, વ્યવસાય ગુમાવ્યો, તેમ છતાં તેઓએ જીવનમાં હાર ન માની!

    હાલમાં રાજેશભાઈ જૂનાગઢ શહેરના એમ.જી.રોડ અને માંગનાથ રોડ ઉપર પગપાળા ચાલીને લોકોને ગરમાગરમ સમોસા, ઘૂઘરા, પકોડા અને સેન્ડવીચ જેવો નાસ્તો કરાવે છે, એ પણ માત્ર 10 રૂપિયામાં! દર કલાકે તેઓ ગરમાગરમ પ્રોડક્ટ લાવે છે અને લોકોને એકદમ ફ્રેશ નાસ્તો ખવડાવીને લોકોનું દિલ જીતી રહ્યાં છે. આજે સોશિયલ મીડિયા રાજેશભાઈ માટે એક મહત્વનો વણાંક બન્યું છે!

    વર્તમાન સમયમાં ભાગ્યે જ કોઈ યુવાન એવાં હશે, જે સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હોય! ત્યારે જૂનાગઢના કેટલાક સેવાભાવી યુવાનોએ રાજેશભાઈના આ બિઝનેસને સોશિયલ મીડિયામાં એટલો બધો ફેલાવ્યો છે કે, જૂનાગઢની છેવાડે વસતા લોકો પણ રાજેશભાઈને શોધતા શોધતા અહીં છેક ગરમાગરમ નાસ્તો કરવા માટે અને રાજેશભાઈને બનતી મદદ કરવા માટે આવે છે. જેને કારણે રાજેશભાઈનો બિઝનેસ પણ ધીમેધીમે વેગ પકડી રહ્યો છે, ત્યારે સામે રાજેશભાઈનો વિનમ્ર સ્વભાવ અને તેમની પાસે આવતાં ગ્રાહકોને માત્ર ₹10 માં ગરમાગરમ નાસ્તો કરાવી સૌનું દિલ જીતી રહ્યાં છે.

    મુલાકાતના અંતે રાજેશભાઈએ જણાવ્યું કે, હાલમાં તેઓની ઉંમર 60 વર્ષની છે, અત્યાર સુધીમાં તેણે અગાઉ કરેલા બિઝનેસમાં ખુબજ ઉતાર-ચડાવ આવ્યાં, બીમારી આવી, અનેક ફેમિલી પ્રોબ્લેમ્સ પણ ઉભા થયાં! તેમ છતાં તેઓએ કદી હાર નથી માની. અલબત્ત તેઓએ એવું પણ કહ્યું કે, રોજગારી મેળવવા માટે કોઈપણ બિઝનેસ નાનો નથી ગણાતો. જો પરિશ્રમ કરીશું, લોકોને સારી વસ્તુ કે સેવા આપીશું તો, લોકો પણ અવશ્યથી તેની નોંધ લઈ આપણી મદદ કરશે અને આપણે કરેલાં કામનું સારું ફળ પણ અવશ્યથી મળશે.

    આમ, રાજેશભાઈને જિંદગી નામની ફિલ્મમાં મળેલાં મુશ્કેલી અને સંઘર્ષ ભરેલાં રોલને પણ તેઓએ ધીરજ અને પરિશ્રમથી નિભાવી જાણ્યો!
    Published by:Margi Pandya
    First published:

    Tags: Fast food business, Junagadh news, Trending news, Viral news

    विज्ञापन
    विज्ञापन