જુનાગઢ:જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) ગત વર્ષોની જેમ આ વર્ષે પણ પસંદગી પામેલા 15 જેટલાં વિદ્યાર્થીઓને (Students) ખેતી ક્ષેત્રના આધુનિક વિષયોની આંતરરાષ્ટ્રીય ટ્રેનિંગ (International Training) માટે જુદાજુદા દેશોમાં મોકલી રહી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ વિવિધ વિષયો પર ત્રણ મહિનાની તાલીમ મેળવીને, ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરી રાજ્ય તથા દેશના વિકાસમાં ભાગીદાર થશે. આંતરરાષ્ટ્રીય તાલીમ માટે જતાં તમામ વિદ્યાર્થીઓનો ટ્રાવેલિંગ થી માંડીને પોકેટ મની સુધીનો તમામ ખર્ચ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે.
વર્લ્ડ બેંક, આઈસીએઆર, ન્યુ દિલ્હી તેમજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના (આઈડીપી) અંતર્ગત બી.એસ.સી. (હોનર્સ) એગ્રીકલ્ચર અને બી.એસ.સી. (હોનર્સ) હોર્ટીકલ્ચરના 15 જેટલાં વિદ્યાર્થીઓને ત્રણ મહિના માટે આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગમાં મોકલવામાં આવનાર છે. આ આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગ માટે 04 વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર બાયોસલાઈન એગ્રીકલ્ચર, દુબઈ; 05 વિદ્યાર્થીઓને એશિયન ઇન્સટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, થાઈલેન્ડ; 01 વિદ્યાર્થીને હર્બુ યુનિવર્સિટી ઓફ જેરુસલેમ, ઇસરેલ તથા 05 વિદ્યાર્થીઓને યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયા, યુસી ડેવિસ અમેરિકા ખાતે મોકલવામાં આવશે.
આ આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગમાં વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્રમાં આધુનિક વિષયો જેવાકે; ગ્રીનહાઉસ ટેક્નોલોજી, કૃષિમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ, ખારાશ વાડી જમીનમાં ખેતીની નવી પદ્ધતિઓ, કૃષિક્ષેત્રમાં ખાતર અને પિયતનું આયોજન, ખેતી પાકોમાં આવતા વિવિધ જીવજંતુ તથા ફૂગને અટકાવવાના ઉપાયો, નર્સરીમાં બાગાયતી પાકોનું આયોજન જેવા વિષયો પર તાલીમ પ્રાપ્ત કરશે.
આ આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગ માટે થનાર ખર્ચ જેવાકે; વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાની ટ્રેનીંગ ફી, વિઝા, મેડીકલ ઇન્સ્યોરન્સ, આવવા તથા જવા માટે એર ટીકીટ ઉપરાંત ત્રણ મહિના દરમિયાન રહેવા અને જમવાનો વગેરે જેવો તમામ ખર્ચ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ અગાઉ પણ યુનિવર્સિટી દ્વારા આ જ પ્રકારે વર્ષ 2018-19 અને 2019-20 માં 24 વિદ્યાર્થીઓને વિવિધ આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગમાં મોકલવામાં આવેલ હતા.