દેવભૂમિ દ્વારકા: PM મોદીના ખાસ મિત્રો પૈકીના એક એવા હરિભાઈ આધુનિકનું રાજકોટ ખાતે નિધન

દેવભૂમિ દ્વારકા: PM મોદીના ખાસ મિત્રો પૈકીના એક એવા હરિભાઈ આધુનિકનું રાજકોટ ખાતે નિધન
ફાઈલ તસવીર.

હરિભાઈ આધુનિક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને જનસંઘ વખતથી ભાજપ (BJP) સાથે સંકળાયેલા હતા.

  • Share this:
    કિંજલ કારસરીયા, જામનગર: હાલારના દ્વારકામાં વસતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ખાસ મિત્રોમાંના એક એવા હરિભાઈ આધુનિક (Haribhai Adhunik)નું અવસાન થયું છે. હરિભાઈ આધુનિક વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને જનસંઘ વખતથી ભાજપ (BJP) સાથે સંકળાયેલા હતા. ખૂબ જ સરળ અને સાદગીભર્યું જીવન જીવતા હરિભાઈ આધુનિક વડાપ્રધાન મોદીના પ્રથમ હરોળના મિત્ર ગણાય છે. વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને ભારતના વડાપ્રધાન બન્યા બાદ પણ દ્વારકા આવતા હતા ત્યારે તેઓ પોતાના કાફલાને અટકાવી તમામ પ્રોટોકોલ સાઈડમાં મૂકી હરિભાઈ આધુનિકને મળવા અચૂક દોડી જતા હતા.

    દ્વારકા ભાજપના પાયાના કાર્યકર્તા ગણાતા હરિભાઈ આધુનિક જનસંઘ સમયે જેલમાં પણ ગયા હતા. ગુજરાતમાં વિધાનસભા, લોકસભા, નગરપાલિકા કે પછી તાલુકા પંચાયતની ચૂંટણી સમયે હરિભાઈ આધુનિક હાથમાં થેલો લઈને દુકાને દુકાને અને ઘરે ઘરે પહોંચીને દ્વારકાધીશનો પ્રસાદ આપી ભાજપને મત આપવા માટે અપીલ કરતા હતા.





    અત્યંત સરળ અને સાદગીભર્યા સ્વભાવના હરિભાઈ આઘુનિક ભાજપ કાર્યકર્તા તરીકે રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે દ્વારકા આવતા હતા ત્યારે અચૂક હરિભાઈ આધુનિકને મળતા હતા. એટલું જ નહીં, તેમની સભામાં હરિભાઈનો ઉલ્લેખ પણ કરતા હતા. હરિભાઈ આઘુનિક દ્વારકા દેવસ્થાન સમિતિમાં છેલ્લા 20 વર્ષથી સદસ્ય તરીકે સેવા આપતા હતા. તેઓનું રાજકોટ ખાતે માંદગીમાં અવસાન થવાના સમાચારથી દ્વારકા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

    હરિભાઈ આધુનિકને રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણીની શ્રદ્ધાંજલિ:

    રાજ્ય સભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ દ્વારકાના વયોવૃદ્ધ કૃષ્ણ ભક્ત તથા દ્વારકા દેવસ્થાન સમિતિના વરિષ્ઠ સભ્ય હરિભાઈ આધુનિકના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. એક શોક સંદેશામાં પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું કે, "હરિભાઈ આધુનિક દ્વારકાના વિકાસ માટે થતા સંન્નિષ્ઠ પ્રયાસોમાં હંમેશા સક્રિય અને સહભાગી રહ્યા. તેઓ પોતાના સૌમ્ય અને મૃદુ સ્વભાવ તથા રચનાત્મક અભિગમને લીધે સર્વપ્રિય રહ્યા હતા. તેમના અવસાન બદલ હું મારી આદરાંજલિ અર્પિત કરું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શ્રીજી ચરણોમાં પરમ પદ પ્રાપ્ત થાય તથા તેમનાં સ્વજનોને સાંત્વના પ્રાપ્ત થાય. જય દ્વારકાધીશ."
    Published by:Vinod Zankhaliya
    First published:February 10, 2021, 13:31 pm

    ટૉપ ન્યૂઝ