Home /News /kutchh-saurastra /

રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ: સાહેબ,ખેડૂતો મરી રહ્યા છે, આ તાયફા છોડો!

રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ: સાહેબ,ખેડૂતો મરી રહ્યા છે, આ તાયફા છોડો!

ન્યૂઝ18 ક્રિએટિવ

રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે.

  ન્યૂઝ18 ગુજરાતી : આજે કવિ કલાપી સાંભરે છે: "કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,/ એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ? /‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,/બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં /‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;/ નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી"

  ધરા તો રસહીન નથી જ થઇ. હા 'નૃપ' જરૂર દયાહીન, સંવેદનહીન, સત્વહીન અને માનવતાહીન થયો છે. નહિતર, આ કાળો કોપ હોય ? ખેડૂતો મરી રહ્યા છે સાહેબ, આ તાયફાઓ છોડો! આજે જામનગરના વાવડી ગામે રાણો ગાગીયો મર્યો’તો થોડા દિ' અગાઉ ધારીનો અનકભાઈ હોમણો, દ્વારકા, વેજલકા અને ગુંદાળાના ખેડૂતો પણ સરકારની નીતિથી જિંદગીથી હાર્યા!

  ખેડૂતો કમોતે મરી રહ્યા છે અને આ સરકારને સરદારની પ્રતિમા, એકતાયાત્રા, રાષ્ટ્રીય એકતા દિવસ, બુલેટ ટ્રેનો, ખેલમહાકુંભો, રણોત્સવો, વાઇબ્રન્ટ નવરાત્રિઓ અને બિઝનેસ સમિટ સૂઝે છે. લાનત છે; આ સરકાર ઉપર. સુખેથી જીવતી સામાન્ય પ્રજાને ભાવવધારા, મોંઘવારી, ગેરકાયદે જમીન અધિગ્રહણ અને આરોગ્ય-શિક્ષણ-સેવાના મૂળભૂત જરૂરિયાતોના ખાનગીકરણમાં ઝોંકી દીધી !

  શિક્ષણ, આરોગ્ય સેવા સહિતની બધી જ સેવાઓમાં લગભગ છેલ્લા ક્રમે રહેલા રાજ્યને ખેડૂત આપઘાતમાં ઘણું આગળ એટલે કે ચોથા ક્રમે લાવીને મૂકી દીધું; તે આ સરકારની ઉપલબ્ધી. યાદ રહે કે, આ સરકારે જ તાજેતરમાં સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે દુષ્કાળ, પાક નિષ્ફળ જવાથી કે દેવામાં ડૂબી જવા સહિતના કારણોને લીધે ખેડૂતોનાં મોત અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા

  આ રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો 2014થી 2017 દરમિયાન 132 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. 2014થી 2016 દરમિયાન 1177 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2015ના વર્ષ કરતા વર્ષ 2016માં 35.5 ટકાનો વધારો થયો હતો. આ આંકડા એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

  આજે એટલે કે 26 ઓક્ટોબરે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામે 42 વર્ષના ખેડૂતે આપઘાત કરવાની ઘટના સામે આવી છે. પાક નિષ્ફળ જવાના મામલે રાણાભાઇ ગાગિયાએ ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા વધુ એક વખત દુઃખદ સ્થિતિના એંધાણ સામે આવ્યા છે.

  આ પૂર્વે પોરબંદરના રાણાવાવના ખેડૂતે પાક નિષ્ફળના ડરથી જીવન ટૂંકાવી લીધું હતું. વિરમ ઓડેદરા નામના 54 વર્ષીય ખેડૂતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. વિરમ ઓડેદરા રાણાવાવના મહીરા ગામના નિવાસી હતા.સાતમી ઓક્ટોબરના રોજ ગઢડાના ગુદાળા ગામ ખાતે એક ખેડૂતો પાંચ વિઘાનો પાક નિષ્ફળ જતાં આપઘાત કરી લીધો હતો.

  25મી સપ્ટેમ્બરે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી અનકભાઇ ગભરુભાઇ જેબલીયા (ઉ.35) નામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળુ આવતું હોવાથી હિંમત હારી આપઘાત કરી લીધો હોવાનું પિતરાઇ ભાઇએ પોલીસને જણાવ્યું હતું. 29મી સપ્ટેમ્બરે દ્વારકાના બેહ ગામના ખેડૂતને ડર હતો કે તેમનો પાક નિષ્ફળ જવાનો છે. આ ડરથી જ ખેડૂતે ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

  પહેલી ઓક્ટોબરે સુરેન્દ્રનગરના વેજલકા ગામના ઝરમરિયા શંકરભાઇ મનજીભાઇ નામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ખેડૂતે ભાવનગરના સિહોર જઇને સંબંધીના ખેતરમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જયારે સાતમી ઓક્ટોબરે ગઢડાના ગુદાળા ગામના એક ખેડૂતે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળના કારણમાં ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ જતા અંતિમ પગલું લીધાનું સામે આવ્યું હતું.

  આ અભાગિયા ખેડૂતો અને તેમના સ્વજનોના હૃદયમાંથી નીકળતી તીણી હાય શું આ સરકારને શાંતિથી રાજ કરવા દેશે ?!
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Crop, આત્મહત્યા, ખેડૂત, જામનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन