જામનગર: ચૂંટણી પૂર્વે જ પોસ્ટલ બેલેટથી મતદાન મામલે ઉહાપોહ, હોમગાર્ડના 400 બેલેટ મત રદ કરાયા

જામનગર: ચૂંટણી પૂર્વે જ પોસ્ટલ બેલેટથી મતદાન મામલે ઉહાપોહ, હોમગાર્ડના 400 બેલેટ મત રદ કરાયા
કૉંગ્રેસ અને અન્ય પાર્ટીઓના વિરોધ બાદ તંત્ર દોડતું થયું.

Gujarat Local body polls: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી (JMN Election) પૂર્વે ચૂંટણી ફરજ પર જનારા હોમગાર્ડના જવાનો માટેનું પોસ્ટલ બેલેટ (Postal Voting) મતદાન માટે હોમગાર્ડ યુનિટમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં એક પક્ષ તરફી મતદાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હોબાળો મચાવ્યો હતો.

  • Share this:
    કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટ (Postal Voting)થી મતદાન પ્રક્રિયા થઇ હતી. આ મામલે કૉંગ્રેસ (Congress) સહિતના અન્ય પાર્ટીના ઉમેદવારો અને સમર્થકો દ્વારા ફેસેલિટી સેન્ટર ન હોવા છતાં પણ મતદાન પ્રક્રિયા થતાં વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઇને હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ મામલો કલેક્ટર કચેરી (Collector office)એ પહોંચ્યો હતો. અંતે કલેક્ટરે આ સમગ્ર પ્રક્રિયામાં તમામ બેલેટ પેપરથી થયેલું મતદાન રદ કર્યું છે.

    જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી (JMN Election) પૂર્વે ચૂંટણી ફરજ પર જનારા હોમગાર્ડના જવાનો માટેનું પોસ્ટલ બેલેટથી મતદાન માટે હોમગાર્ડ યુનિટમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં એક પક્ષ તરફી મતદાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હોબાળો મચાવ્યો હતો. આ હોબળાને પગલે તંત્ર પણ દોડતું થયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પણ ભાજપ સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ સાથે અધિકારીઓની મિલીભગતથી આ પ્રકારની બેલેટ પેપરથી ચૂંટણી યોજી ભાજપને ફાયદો કરાવવા કારસો રચાયો છે. આ અંગે જવાબદારો સામે પગલા લેવા તેમજ એફઆઇઆર કરવા પણ માગણી કરી છે.



    આ પણ વાંચો: સુરત: મકાન ખાલી કરાવવા બાબતે દેરાણીએ જેઠાણીને બચકું ભરી લીધું, મામલો પોલીસ મથકે પહોંચ્યો

    જામનગરમાં હોમગાર્ડના જવાનો દ્વારા કરાયેલા પોસ્ટલ બેલેટ વહીવટી તંત્ર દ્વારા તાબડતોબ કબજે કરી લેવામાં આવ્યા હતા. આ મામલે હોમગાર્ડ ઓફિસર સહિતના ખુલાસાઓ માંગવામાં આવ્યા છે. કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ આ સમગ્ર મુદ્દે તપાસના આદેશો પણ આપ્યા છે. સાથે જ તેમણે તાત્કાલિક બેલેટ પેપરો રદ કરવાનો નિર્ણય લીધો છે.

    આ પણ વાંચો: બનાસકાંઠા: ગુજરાત-રાજસ્થાન સરહદે ચરસની હેરાફેરીનો પર્દાફાશ, બે કિલો ચરસ સાથે હરિયાણાનો યુવક ઝડપાયો

    જામનગરના હોમગાર્ડ યુનિટમાં જ બુધવારે ચૂંટણીની ફરજમાં રોકાનારા હોમગાર્ડના સભ્યો માટે બુધવારે પોસ્ટલ બેલેટ વિતરણ કરવાના હતા. જોકે, ફેસિલિટી સેન્ટર ન હોવા છતાં મતદાન યોજવામાં આવ્યું હતું. આ વાતથી ઉહાપોહ થયો હતો. લાલ બંગલા નજીક આવેલી કચેરીએથી હોમગાર્ડના સભ્યોને પોસ્ટલ બેલેટ સાથે એક તરફી મતદાન કરાવવામાં આવી રહ્યું છે, તેવા આક્ષેપ સાથે કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર કૉંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી અને અસ્લમ ખીલજી તેમજ અન્ય અગ્રણીઓ, કાર્યકર્તાઓ, ઉમેદવારો ઉપરાંત આમ આદમી પાર્ટીના કરશન કરમુર પણ  હોમગાર્ડ ઓફિસે દોડી ગયા હતા.


    મતદાન કરાવવામાં પક્ષપાત રાખવામાં આવી રહ્યો હોવાની રજૂઆત કરતાં આખરે વહીવટી તંત્ર દોડતું થયું હતું. જે બાદમાં બેલેટ પેપર કબજે કરી લેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે જિલ્લા કલેકટર દ્વારા હોમગાર્ડ અધિકારી અને કર્મચારીઓનો ખુલાસાઓ માંગવામાં આવ્યા છે. જામનગરમાં જિલ્લા કલેકટર રવિશંકર તરફથી તમામ 400 જેટલા બેલેટ મત રદ કરવામાં આવ્યા છે. આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ફક્ત બેલેટ વિતરણ કરવાના હતા. પરંતુ આ કેસમાં સીધુ મતદાન કરાવી દેવાયું હતું. આ વાતને લઈને જામનગરમાં ચૂંટણી પૂર્વે પ્રથમ તબક્કે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયામાં જ ઉહાપોહ થયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:February 18, 2021, 10:02 am

    ટૉપ ન્યૂઝ