સંજય વાઘેલા, જામનગર: જેમ જેમ ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election) નજીક આવી રહી છે તેમ તેમ ગામડાઓમાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. વિધાનસભા કે લોકસભા કરતાં સ્થાનિક રાજકારણમાં ભારે રસાકસીભર્યો માહોલ જોવા મળતો હોય છે. ખાસ કરીને ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ગામે ગામે મીટિંગો અને ખાટલા બેઠકો થતી હોય છે અને સરપંચ બનવા માટે એડીચોટીનું જોર પણ લગાવવામાં આવતું હોય છે. રાજકીય પક્ષો પણ અંદરખાને ગ્રામપંચાયતની ચૂંટણીમાં રસ દાખવતા હોય છે, કારણ કે ગુજરાતમાં ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી આવી રહી છે. વાત કરીએ જામનગર જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતની તો તમામ ઉમેદવારોએ ફોમ ભરી દીધા છે, ફોર્મની ચકાસણી પણ થઇ ચૂંકી છે. જામનગરમાં અનેક એવા ગામો છે જ્યાં સમરસ છે એટલે કે ચૂંટણી નહીં ગ્રામજનોએ એકતા દાખવી છે, તો અનેક એવા ગામો છે જ્યાં ત્રીપાંખીયો અને બે પાંખીયો જંગ જરૂર જામશે.
વાત કરીએ જામનગર જિલ્લાની તો આ વખતે 161 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1900 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જેમાં સરપંચ પદ માટે 295 અને સભ્યપદ માટે 1605 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવશે. કુલ 2363માંથી 2343 ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા હતાં. તથા 330 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે.
ગ્રામ્ય મતદારોને મનાવવા અને ગામનો ધણી થવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ માટે ભજીયા પાર્ટી, ખાટલા બેઠકો મોટાપ્રમાણમાં યોજવામાં આવી રહી છે. હાલ ઠંડીની સીઝન છે પરંતુ સ્થાનિક રાજકારણને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગરમાવો દેખાઇ રહ્યો છે. રાજકીય પક્ષો પણ અંદરખાને ગ્રામ પંચાયતની આ ચૂંટણી પર મીઠી નજર માંડીને બેઠા છે અને શક્ય એટલી મદદ પણ કરી રહ્યાં છે. આ ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં આગામી 19 ડીસેમ્બરના મતદાન યોજાશે. કુલ 162 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે કુલ 526 અને સભ્યપદ માટે 2368 ફોર્મ ભરાયા હતાં.
ફોર્મ ચકાસણીના અંતે સરપંચ પદ માટે 4 અને સભ્યપદ માટે 25 ફોર્મ અમાન્ય રહ્યા હતાં. જયારે સરપંચ પદ માટે માન્ય 522 ફોર્મમાંથી 184 અને સભ્યપદ માટે માન્ય 2343 માંથી 146 ફોર્મ પરત ખેંચાયા હતાં. જયારે જિલ્લાની 34 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ એટલે કે સમરસ થઇ છે. આથી જિલ્લાની 161 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે 295 અને સભ્ય પદ માટે 1605 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર