જામનગરઃ માતાજીની નવ દિવસ પુજા અર્ચના કરવાનો સમય એટલે નવરાત્રી. ગુજરાતમાં નવરાત્રી તહેવારની ભારે ધામધૂમપૂર્વક શરૂઆત થઇ ચૂકી છે. પ્રથમ દિવસે જામનગર (Jamnagar Navratri) સહિત સમગ્ર રાજ્યમાં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને (Coronavirus Jamnagar) કારણે પાર્ટીપ્લોટ ગરબાના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માત્ર શેરી ગરબાને જ મંજૂરી આપવામાં આવી છે. વર્ષો પહેલા ગામડા કે શેરી ગરબાનું આયોજન થતું આવ્યું છે. જામનગર શહેર અને જિલ્લામાં મોટી સંખ્યામાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવ દિવસ સુધી નાની નાની બાળાઓ ગરબે રમીને માતાજીની આરાધના કરશે.
જામનગર શહેરમાં જાણીતી અંબિકા ગરબી મંડળમાં (Jamnagar Ambika Garbi Manda) દરેક વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના પર્વ નિમિતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના પાંચમા નોરતે શહેરીજનો રાસ ગરબા જોવા માટે ઉમટી પડ્યા હતા. તો અંબિકા ગરબી મંડળ આયોજિત ગરબામાં તાલબધ્ધ થઈને બાળાઓ અને ખેલૈયા ગરબે રમી માતાજીની આરાધના કરી હતી.
જામનગર શહેરમાં ઠેર ઠેર નાની નાની બાળાઓના રાસ ગરબા જોઇને એવું લાગી રહ્યું હતું કે જાણે સાક્ષાત માતાજી જ ગરબે ઝૂમી રહ્યાં હોય. જામનગર શહેર રોશનીથી સજ્જ થઇને રાત્રે ઝગમગી રહ્યું હતું. તો સંગીતના તાલે ગરબે રમતી દિકરીઓ નજરે પડી રહી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે માત્ર શેરી ગરબાને જ મંજુરી આપવામાં આવી છે. સાથે જ નાઇટ કર્ફ્યુનો સમય વધારીને 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તથા શેરી ગરબામાં પણ 400 લોકોને જ મંજુરી આપવામાં આવી છે. જો કે ગત વર્ષે કોરોનાને કારણે નવરાત્રી રદ કરવામાં આવી હતી ત્યારે આ વખતે ભક્તોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે.
એવી માન્યતા છે કે મહિષાસુર નામના રાક્ષકે પૃથ્વી પર ખુબ જ ત્રાસ વરતાવ્યો હતો. લોકોની પ્રાર્થના સાંભળીને આધ્યાશક્તિ મા અંબેએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. રાક્ષસના ત્રાસમાંથી મુક્તિ મળતાં લોકો ઝૂમી ઉઠ્યા હતા અને માતાજીની આરાધના કરતાં કરતાં નૃત્યુ કરવા લાગ્યા હતા. આ નૃત્યને ગરબા તરીકે ઓળખવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે માતાજીને ગરબા ખુબ જ પસંદ છે. ગરબે રમી માતાજીની આરાધના કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને દુઃખ દુર કરે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર