કિંજલ કારસરીયા, જામનગર : ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ.)ના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ પાર્થિવ પટેલની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ અંગે ખાસ નિવેદન આપવામાં આવ્યુ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પાર્થિવ પટેલની કાર્યપધ્ધતિને લઈને ગર્વ અનુભવે છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને સ્થાનિક ક્રિકેટમાં જી.સી.એ.ને પ્રસિદ્ધિ અપાવી છે. પાર્થિવ પટેલે ભારત માટે 25 ટેસ્ટ, 38 વન-ડે ઇન્ટરનેશનલ અને કેટલીક ટી-20 રમી છે અને 2002માં ભારતના ઈંગ્લેન્ડના પ્રવાસમાં ટેસ્ટમાં પદાર્પણ કરીને ભારતના સૌથી નાની વયના ટેસ્ટ વિકેટકીપર બનવાનું બહુમાન મેળવ્યું હતું.
પાર્થિવ પટેલની કપ્તાનીમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન એટલે કે જી.સી.એ.ની ટીમે 60 વર્ષ પછી પ્રથમ વખત રણજી ટ્રોફી જીતી હતી. સ્થાનિક ક્રિકેટમાં જી.સી.એ.ની ટીમે વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વિજય મેળવ્યો ત્યારે તેમણે ટીમનું નેતૃત્વ કર્યું હતું.
તેમણે કહ્યું કે, ક્રિકેટના વિકાસ અને વૃદ્ધિમાં તેમના પ્રદાનની નોંધ લઈએ છીએ અને પ્રશંસા કરીએ છીએ અને તેઓ ભવિષ્યના આયોજનમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. તેમ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન ના ઉપપ્રમુખ ધનરાજ નથવાણી નિવેદન આપતા જણાવ્યું છે.
ઈઝરાયલ વૈજ્ઞાનિકનો Big દાવો, મંગળ ગ્રહ પર હાજર છે એલિયન્સ, ટ્રમ્પ પણ જાણે છે આ સત્ય
ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે (Parthiv Patel) બુધવાર (9 ડિસેમ્બર)ના રોજ પોતાની 18 વર્ષની ક્રિકેટની કારકિર્દીમાંથી સંન્યાસ લીધો છે. પાર્થિવે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે તે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. 35 વર્ષના પાર્થિવે ભારત માટે 25 ટેસ્ટ, 38 વન-ડે અને બે ટી-20 ઇન્ટરનેશનલ રમી છે. ઘરેલું ક્રિકેટમાં ગુજરાત માટે રમતા પાર્થિવે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. સંન્યાસની જાહેરાત સાથે કરેલા ટ્વીટમાં પાર્થિવ પટેલે બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે પાર્થિવ પટેલે સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
પાર્થિવ પટેલે વર્ષ 2002માં ભારતીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો વિકેટકીપર પણ બન્યો હતો. પાર્થિવે 17 વર્ષ અને 153 દિવસમાં ડેબ્યૂ કર્યું હતું. પાર્થિવે ટેસ્ટ ક્રિકેટમાં 31.13ની સરેરાશથી 934 રન બનાવ્યા છે. જ્યારે, વન-ડેમાં 23.7ની સરેરાશથી 736 રન બનાવ્યા છે. પાર્થિવની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ખૂબ સારી રહી હતી, પરંતુ 2004માં દિનેશ કાર્તિક અને મહેન્દ્રસિંહ ધોનાના ઉદય બાદ તેણે પોતાનું સ્થાન ગુમાવી દીધું હતું.