અછતનાં ઓછાયા: જામનગરનાં આ ડેમનો પાણીનો જથ્થા પીવા માટે અનામત જાહેર

News18 Gujarati
Updated: November 6, 2018, 6:05 PM IST
અછતનાં ઓછાયા: જામનગરનાં આ ડેમનો પાણીનો જથ્થા પીવા માટે અનામત જાહેર
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં આવેલા કુલ 208 જળાશયો/ડેમોમાં (નર્મદા સહિત) હાલ માત્ર  69.97 ટકા જ પાણી બચ્યુ છે.

  • Share this:
આ વર્ષે ગુજરાત રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે. આથી પીવાનાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાનાં એંધાણ છે. આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં પીવાનાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે હવે સરકારે સ્થાનિક ડેમોમાં રહેલા પીવાનાં પાણીના જથ્થાને અનામત તરીકે જાહેર કરવાની શરૂઆત કરી છે.

નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઇ યોજના પેટા-વિભાગ (જામનગર) દ્વારા ફુલઝર (કો.બા) સિંચાઇ યોજનાનાં  લાભિત ખેડુતો જોગ જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે પીવાના પાણીની અછત હોવાથી જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામ પાસે બાંધવામાં આવેલ ફુલઝર (કો.બા) જળ સંપત્તિ યોજનાના જળાશયમાં હાલ ઉપલબ્ધ રહેલા પાણીના જથ્થાને પીવાના હેતુસર પાણી પુરવઠા વિભાગની માંગ અનુસાર સરકાર દ્વારા અનામત રાખવામાં આવેલો છે.

જેથી હવે આ ડેમના પાણીનો સિંચાઇના હેતુસર ઉપયોગ કરવો બિનઅધિક્રુત છે. આથી આ સિંચાઇ યોજનાના લાભિત ખેડુતોને આ ડેમના પાણીથી સિંચાઇ માટે કોઇ આયોજન ન કરવા તથા બિનઅધિક્રુત રીતે પાણી ન ઉપાડવા અંગે તથા પાણી ચોરી ના કરવા માટે સૂચના આપવામાં આવી છે.

નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની માહિતી પ્રમાણે, રાજ્યમાં આવેલા કુલ 208 જળાશયો/ડેમોમાં (નર્મદા સહિત) હાલ માત્ર  69.97 ટકા જ પાણી બચ્યુ છે. આ તમામ ડેમોમાંથી હાલ માત્ર આઠ ડેમો જ ફુલ ભરેલા છે.

જિલ્લા પ્રમાણે પાણીની સ્થિતિ જોઇએ તો, કચ્છની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. કચ્છ જિલ્લાનાં કુલ 20 જળાશયોમાં માત્ર 14.20 ટકા જ પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 138 ડેમોમાં માત્ર 32.92 ટકા પાણીનો જથ્થો જ ઉપલબ્ધ છે. હજુ આખો શિયાળો અને ઉનાળો કાઢવાનો છે.  જેમ-જેમ દિવસો પસાર થતા જશે તેમ-તેમ પીવાનાં પાણીની સ્થિતિ વિકટ બનતી જશે અને આ પરિસ્થિતિને પહોંચી વળવું સરકાર માટે પડકાર બનશે.

 
First published: November 6, 2018, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading