ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ વર્કિંગ કમિટીની મળનારી બેઠક પહેલા જ પક્ષને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ચેરપર્સન સોનિયા ગાંધી સહિતના નેતાઓ મંગળવારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે જ જામનગર ગ્રામ્યના વધુ એક કોંગ્રેસી ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. આ પહેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચુક્યા છે.
વલ્લભ ધારવિયાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
CWCની બેઠક માટે દિલ્હીથી કોંગ્રેસના નેતાઓ ગુજરાત પહોંચી રહ્યા છે ત્યારે જ પક્ષને વધુ એક ઝટકો લાગ્યો છે. આ પહેલા જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું હતું. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ પણ રાજીનામું ધરી દીધું છે. તેમણે સોમવારે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
હું ભાજપમાં જ છું : સાણંદના ધારાસભ્ય કનુ પટેલ
બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી હતી કે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ રૂપાણી સરકારે તેમની માંગણી ન સ્વીકારતા રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે, આ અંગે ખુલાસો કરતા કનુભાઈ પટેલે કહ્યુ હતું કે, "મારા વિરોધીઓ મારા નામે દુષ્પ્રચાર કરે છે. હું ભાજપમાં જ હતો અને ભાજપમાં જ રહીશું. પક્ષ છોડવાની વાત બિલકુલ ખોટી છે."
જામજોધપુરના ધારાસભ્ય રાજીવ સાતવને મળ્યા
જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. આ વચ્ચે ચિરાગ કાલરિયા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને મળવા પહોંચ્યા છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યા બાદ રાજીવ સાતવે જામનગરના કોંગ્રેસના નેતાઓએ સાથે પણ રાજીવ સાતવે મુલાકાત કરી હતી.