જામનગર: કસ્ટમ વિભાગમાંથી જ એક કરોડથી વધુની કિંમતનું સોનું ગાયબ!

જામનગર: કસ્ટમ વિભાગમાંથી જ એક કરોડથી વધુની કિંમતનું સોનું ગાયબ!
પ્રતીકાત્મક તસવીર

2001માં ભૂકંપ બાદ ભુજ કસ્ટમ વિભાગનું સોનું જામનગર કસ્ટમ વિભાગ ખાતે રાખવામાં આવ્યું હતું.

  • Share this:
    જામનગર: જામનગરમાં કસ્ટમ વિભાગ (Jamnagar Custom Department)ની ઓફિસમાંથી જ એક કરોડથી વધારે રૂપિયાની કિંમતનું સોનું (Gold) ગાયબ થઈ ગયું છે. જે સોનું ગાયબ થયું છે તે કચ્છ કસ્ટમ ડિવિઝનનું સોનું છે. મળતી માહિતી પ્રમાણે કચ્છમાં ભૂકંપ બાદ ભુજ કસ્ટમ વિભાગ (Bhuj custom Department)નું સોનું જામનગર કસ્ટમ ઓફિસમાં ખસેડવામાં આવ્યું હતું. 2016ના વર્ષમાં સોનું પરત કરતી વખતે સોનું ઓછું હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે ઓફિસના કર્મચારી તરફ જ શંકાની સોય તાકવામાં આવી છે. આ મામલે ચાર વર્ષ બાદ કસ્ટમ વિભાગે જામનગર શહેર બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ આપી છે.

    મળતી માહિતી પ્રમાણે ભુજ કસ્ટમ વિભાગ તરફથી વિવિધ દરોડાં દરમિયાન કબજે લેવામાં આવેલું સોનું વર્ષ 2001ના ભયાનક ધરતીકંપ બાદ જામનગર કસ્ટમ વિભાગ ખાતે મોકલવામાં આવ્યું હતું. વર્ષ 2016માં જ્યારે સોનું પરત કરવામાં આવ્યું ત્યારે 2156.722 ગ્રામ સોનું ઓછું નીકળ્યું હતું. આ સોનાની કિંમત આશરે 1.10 કરોડ રૂપિયા થાય છે. આ મામલે ફરિયાદ થતાં હવે પોલીસે સરકારી માલિકીમાં રહેલા સોનાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.



    આ પણ વાંચો: 

    આ મામલે સામે આવેલી વિગત પ્રમાણે ભુજના કસ્ટમ વિભાગ તરફથી 1982થી1986ના વર્ષ દરમિયાન અલગ અલગ દરોડાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સોનાના સેમ્પલો કબજે લેવામાં આવ્યા હતા. આ તમામ સોનું ભુજ કસ્ટમ વિભાગ ખાતે જ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન 26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો.

    આ દરમિયાન કસ્ટમ વિભાગનું બિલ્ડિંગ પણ જર્જરિત થયું હતું. આથી કસ્ટમ વિભાગની અંદર રહેલું સોનું જામનગર કસ્ટમ વિભાગ ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 2016ના વર્ષ સુધી આ સોનું અહીં જ રહ્યું હતું. જોકે, 2016માં જ્યારે આ સોનું પરત આપવાનું થયું ત્યારે કુલ સોનામાંથી બે કિલોગ્રામ કરતા વધારે કિંમતનું સોનું ઓછું હતું.

    આ પણ જુઓ-

    એવી પણ માહિતી છે કે ચાર વર્ષ પહેલા ગાયબ થયેલા સોના બાબતે બંને કસ્ટમ ઓફિસ એેટલે કે જામનગર કસ્ટમ ઓફિસ અને ભુજ કસ્ટમ ઓફિસ વચ્ચે પત્રવ્યવહાર પણ થયો હતો. આ મામલે સોનું ન મળી આવતા આખરે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કસ્ટમ વિભાગમાં રાખવામાં આવેલું સોનું ગાયબ થવા પાછળ ઓફિસની અંદરના જ કોઈ વ્યક્તિનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે. જોકે, પોલીસ તપાસ બાદ જ સોનું કોણે અને ક્યારે ગાયબ થયું હતું તે જાણી શકાશે. હાલ આ મામલો ટોક ઑફ ધ ટાઉન બન્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:December 18, 2020, 13:13 pm