ચીખલ કુબા ટુરિઝમ કેસ હાઇકોર્ટમાં પેન્ડિગ, પણ સરકારે જાહેર કર્યું અમે વિકસાવીશું!

News18 Gujarati
Updated: June 21, 2018, 5:40 PM IST
ચીખલ કુબા ટુરિઝમ કેસ હાઇકોર્ટમાં પેન્ડિગ, પણ સરકારે જાહેર કર્યું અમે વિકસાવીશું!

  • Share this:
વિજયસિંહ પરમાર

ગીર અભ્યારણ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે 19 જૂનનાં રોજ એવી જાહેરાત કરી કે, ગીર-અભ્યારણ્યમાં આવેલા ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતા જસાધાર રેન્જમાં આવેલા ચીખલ-કુબા ખાતે સાસણ-ગીરની જેમ જ નવો ટૂરિઝમ ઝોન વિકસાવવામાં આવશે.

2014ના વર્ષમાં સરકારે ચીખલ-કુબા ટુરિઝમ ઝોન વિકસાવવાની જાહેરાત કરી હતી પણ ચિખલકુબા ટુરિઝમ ઝોન મામલે 2014માં ગુજરાત હાઇકોર્ટને એક અનામી વ્યક્તિએ ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે આ પત્રમાં વર્ણવેલી વિગતોને ગંભીરતાથી લઇ આ મુદ્દે સુઓ મોટો રીટ દાખલ કરી હતી. આ જાહેર હિતની અરજી (કેસ નંબર 284) હજુ પણ પેન્ડિંગ છે અને કેસ ચાલુ છે. સુઓ-મોટો રિટ પિટીશન મામલે વખતો-વખત (2014થી લઇ આજદીન સુધીમાં) હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશો-નિર્દશો અને સરકાર દ્વારા કરવામાં આવેલા જવાબો વાંચ્યા પછી એમ જણાય છે કે, ચીખલ-કુબા વિશે હાઇકોર્ટ કોઇ અંતિમ આદેશ-નિર્દેશો આપ્યાં નથી. આ કેસ પેન્ડિંગ છે.

ચીખલ-કુબા ટુરિઝમ ઝોન મામલે હાઇકોર્ટની સુઓ-મોટો રિટ શું છે?

ધારી ડિવિઝન હેઠળનાં જસાધાર રેન્જમાં આવેલા ચિખલકુબા ખાતે સરકાર જે ટુરિઝમ ઝોન વિકસાવવા માગે છે તે અંગે પત્ર લખનાર વ્યક્તિએ ચિંતા વ્યક્ત કરી હતી અને લખ્યું હતું કે, ગીર અભ્યારણ્ય વિશ્વમાં એશિયાટિક સિંહોનું છેલ્લું ઘર છે અને આ અભ્યારણ્યને માત્ર પ્રવાસન સ્થળ તરીકે ન જોવું જોઇએ. ખાસ કરીને, વન્યજીવો અને તેની રહેઠાણના ભોગે આ ટુરિઝમ ઝોન ન બનવો જોઇએ. આ સિવાય, અભ્યારણ્યમાં ટુરિઝમ ઝોનની આસપાસ વધી રહેલા ગેરકાયદે હોટેલો અને ગેસ્ટ-હાઉસોનો મામલો પણ કોર્ટના ધ્યાન પર મૂક્યો હતો. હાઇકોર્ટેએ આ વાતને ગંભીરતાથી લીધી હતી અને આ પત્રમાંથી ઉપસ્થિત થતાં મહત્વનાં મુદ્દાઓ વિશે સરકાર પાસે જવાબ રજૂ કરવા આદેશ કર્યા હતા.

આ મુખ્ય મુદ્દાઓમાં (1)હાલનાં ટુરિઝમ ઝોનમાં ગેરકાયદે બની રહેલી હોટેલો અને ગેસ્ટ-હાઉસો અને તેને લગતા નીતિ નિયમો વિશેની વિગતો રજૂ કરવી. (2) નવા (ચીખલ-કુબા ટુરિઝમ ઝોન) ટુરિઝમ ઝોન શરૂ કરતા પહેલા ટુરિઝમ ઝોન વિસ્તારની ઇકોલોજી અને હેબિટેટ પર શું અસર થશે તે વિશે જો કોઇ એન્વાર્યનમેન્ટ ઇમ્પેક્ટ અસેસેમેન્ટ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હોય તો તેની (અહેવાલના તારણો)નવી વિગતો રજૂ કરવી અને (3) પત્રમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે આ નવો ટુરિઝમ ઝોન પ્લાન થવાથી સિંહોનો કુદરતી અવર-જવર (કોરિડોર) બંધ થશે. અભ્યારણ્યમાં રહેલા સિંહો રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી તરફ જવા અને ત્યાંથી પાછા આવવા માટે આ (પ્રસ્તાવિત ચીખલકુબા ઝોનનો વિસ્તાર) વિસ્તારનો કોરિડોર તરીકે ઉપયોગ કરે છે. આ વિશે પણ જવાબ રજૂ કરવો અને (4) ચિખલ-કુબા ટુરિઝમ ઝોનનો પ્રસ્તાવ કયા તબક્કે છે તેનો અહેવાલ પણ રજૂ કરવો.
Loading...ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (જૂનાગઢ) શું કહે છે?

ન્યૂઝ18 ગુજરાતીએ ગુજરાત હાઇકોર્ટના ચીખલ-કુબા ટુરિઝમ ઝોન વિશે માહિતી મેળવવા માટે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ-સીસીએફ (જુનાગઢ, વન્ય-પ્રાણી વર્તૃળ) ડી.ટી. વસાવડાનો સંપર્ક કર્યો.

સીસીએફ ડી.ટી વસાવડાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, “ચીખલકુબા ટુરિઝમ ઝોન મામલે જરૂર પડશે તો અમે હાઇકોર્ટની પરવાનગી લઇશું. આ કેસનું લિગલ સ્ટેટસ શું છે એ વિશેની વિગતો મેળવીશું અને પછી જ આગળ વધીશું.”

ગીર અભ્યારણ્ય કેટ-કેટલું ભારણ સહન કરશે ?

ગીર અભ્યારણ્યમાં વાઇલ્ડ ટુરિઝમ અને વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ વચ્ચેનો સંઘર્ષ ચિંતાનો વિષય બન્યો છે. ગીર અભ્યારણ્યમાંથી પુન:વસન કરેલા ઘણા માલધારી પરિવારો અભ્યારણ્યમાં પાછા આવી ગયા છે. અભ્યારણ્યમાંથી પસાર થતાં રસ્તાઓ પર વાહનોની સંખ્યામાં જબરદસ્ત વધારો થઇ રહ્યો છે. સિંહો તેમના ઘરમાં પણ અભય બનીને રહી શકતા નથી અને આ અભ્યારણ્યમાં જુદા-જુદા પ્રકારનું ભારણ ઘટાડવાને બદલે સરકાર ભારણ વધારી રહી છે.

આંબરડી સફારી પાર્ક શરૂ કરવા માટે સરકારે એવી દલીલ કરી હતી કે, દેવળીયા સફારી પાર્ક અને સાસણમાં પ્રવાસીઓનું ભારણ ઘટાડવા માટે આંબરડી સફારી પાર્ક બનાવવો જરૂરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા જ ધારી પાસે આંબરડી સફારી પાર્ક શરૂ કર્યો. 200 હેક્ટરનાં રિઝર્વ ફોરેસ્ટ ફરતે વંડી (ફેન્સ)વાળી દીધી અને ગીર અભ્યારણ્ય અને લીલીયા ક્રાક્ચ વચ્ચેનો સિંહોના કોરિડોરને સરકારે જ બ્લોક કરી દીધો.

જોકે, આંબરડી સફારી પાર્ક બન્યા પછી પણ પ્રવાસીઓની સંખ્યા વધ્યા જ કરે છે અને ગેરકાયદે લાયન શો પણ વધ્યા કરે છે. હવે ફરી પાછા દેવળીયા સફારી પાર્કમાં મિની બસ ઉપરાંત જિપ્સીમાં પણ પ્રવાસીઓને મંજૂરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી. સાસણ ટુરિઝમ ઝોનમાં જતા મહત્તમ એક અઠવાડિયામાં જતાં પ્રવાસીઓની સંખ્યા 4500થી વધારીને 6660ની કરવામાં આવશે. ગીરનાર અભ્યારણ્યમાં પણ સરકાર ટુરિઝમ ઝોન શરૂ કરવા માગે છે.

અભ્યારણ્યની બહાર જ્યારે સિંહોના અકુદરતી મોત વધી રહ્યા છે ત્યારે શું નવા સફારી પાર્ક અને ટુરિઝમ ઝોન બનાવવાથી ગેરકાયદે લાયન શો અટકશે? સિંહોનાં ભોગે સિંહ દર્શન કેટલુ યોગ્ય ? સિંહોના લાંબાગાળાના સંરક્ષણ મામલે આ સવાલો ફરી ઉપસ્થિત થયાં છે.
First published: June 21, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...