દિનેશ સોલંકી, ગીર સોમનાથ: છેલ્લા 12 વર્ષથી અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોના બસ સ્ટેશનોમાં પેસેન્જરોની ભીડમાં નજર ચૂકવી પૈસા ચોરવવાના 339 જેટલા ગુનાઓ આચરનાર આંતર રાજ્ય ગેંગને વેરાવળ પોલીસે પકડી પાડી છે. આ 2 દંપતી બંટી બબલીના ફિલ્મી પાત્રોની જેમ સજોડે ચોરી-ચકારીના ગુના આચરતા હતા.
માંગરોળ તાલુકાના મકતુપુરના રહેવાસી નિકિતાબેન કોડીયાતરે 22 ઓગસ્ટના રોજ પોતાનો મોબાઇલ આઇફોન 7 પ્લસ વેસવળ બસ સ્ટેશન ખાતેથી ચોરી થયા અંગેની E-FIR કરી હતી. જેની તપાસ વેરાવળ પોલીસે શરૂ કરી હતી. નિકિતા બેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના પિયર વેરાવળ ખાતે જન્માષ્ટમીનો તહેવાર કરવા આવ્યા હતા અને તહેવાર પૂર્ણ થઇ જતા પોતાના મકતુપુર જવા નીકળ્યા હતા. આ દરમિયાન સવારે 9:30થી 10:00 વાગ્યા દરમ્યાન તેઓ બસની રાહ જોઇ રહ્યા હતા. માંગરોળ રૂટની બસમાં બેસવા માટે પેસેન્જરોની ભીડમાં બેસવા ગયેલ ત્યારે પેસેન્જરની ભીડમાંથી કોઇ અજાણ્યા શખ્સે બેગમાંથી, પર્સ જેમાં રોકડ પાંચ હજાર હતા તે અને એપલ આઇફોન 7 પ્લસ મોબાઇલ ફોન તથા અન્ય મુસાફર ઉષાબેન પ્રફુલભાઇ કાનાબારના પર્સમાંથી રોકડ 15000 સેરવી ગયા હોવાની ચોરીની ફરિયાદ કરી હતી.
ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મહિલાની ઓળખ કરી હતી અને તેમના ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે કારમાં જઇ રહેલી બન્ને મહીલાઓને તેમના પતિ સાથે ઝડપી પાડી હતી. આરોપીઓ પાસેથી ચોરી કરેલા આઇફોન તથા ચોરીમાં ગયેલ રોકડ રકમ રૂ.16000 હજાર અને આરોપીઓના જુદી જુદી કંપનીના 5 મોબાઇલ ફોન તથા ગુનામાં ઉપયોગ લેવાયેલ કાર સહિત કુલ 7,34,300નો મુદામાલ કબ્જે કર્યો હતો. પકડી પાડી આરોપી બંટી-બબલી દંપતીઓની પુછપરછ કરતા તેમણ ચોરીઓ કર્યાની કબુલાત કરતાં ચારેય આરોપીઓની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી.
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓ છેલ્લા બારેક વર્ષથી રાજ્ય વ્યાપી પીક પોકેટીંગના ગુનાઓ આચરે છે અને છેલ્લા બારેક વર્ષના સમય અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બરોડા, નડિયાદ, દાહોદ તથા વેરાવળ જેવા અલગ અલગ શહેરોના બસ સ્ટેશનોમાં પેસેન્જરોની ભીડમાં નજર ચૂકવી પૈસા સેરવી ચોરી લેવાના આશરે 339 જેટલા ગુન્હાઓ આચરી આશરે 9, લાખ 92 હજાર જેટલા રૂપિયાની ચોરી કર્યાની કબુલાત આપી હતી.