Somnath Temple Fraud Case: સોમનાથ મંદિર ટ્રસ્ટના નામે ઓનલાઇન પોતાનો નંબર મૂકીને ઠગાઈ કરતો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ટ્રસ્ટે પણ આ મામલે ઓનલાઇન જાહેરાત કરી ચેતવણી આપી છે.
દિનેશ સોલંકી, ગીર-સોમનાથઃ કરોડો લોકોના આસ્થાના પ્રતિક સમા સોમનાથ મહાદેવના નામ પર ઓનલાઇન ફ્રોડનો ખેલ ચાલુ થયો છે. કેરળનો એક વ્યક્તિ બેન્ક એકાઉન્ટ ખોલી ગૂગલ સર્ચના માધ્યમથી રૂમ બુકિંગ અથવા દાન કરનારા લોકોને એક વ્યક્તિ લૂંટતો હોવાનો ખુલાસો થયો છે.
લોકોને ફસાવવા સોમનાથના કીવર્ડ વાપર્યા
મળતી માહિતી પ્રમાણે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સસ્તા ભાવે રહેવાની સુવિધા આપાવમાં આવે છે. ત્યારે આ અતિથિગૃહના ઓનલાઇન બુકિંગ માટે ગૂગલ સર્ચ કરનારા લોકોને ફસાવવા માટે એક વ્યક્તિએ સોમનાથના કીવર્ડ્સ સાથે પોતાનો ફોન નંબર એડ કર્યો હતો. ત્યારે લોકો ગૂગલ પર સર્ચ કરે તો તે વ્યક્તિનો ફોન નંબર અને તેણે મૂકેલાં અતિથિ ગૃહનાં ફોટા દેખાય. આ વ્યક્તિ તેમની પાસેથી બેન્ક ટ્રાન્સફર અથવા યુપીઆઈ માધ્યમે રૂપિયા ઉઘરાવી લઈને છેતરપિંડી આચરતો હતો. પછી જ્યારે યાત્રિક સોમનાથ આવે ત્યારે ખબર પડે કે તેમનાં નામે તો કોઈ રૂમ જ બુક નથી થયો.
આ ઘટનાની જાણ થતાં જ સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન સહિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. સોમનાથ ટ્રસ્ટે આ મામલે ઓનલાઇન જાહેરાત કરી છે કે, ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ www.somnath.org સિવાય કોઈપણ માધ્યમને ઓનલાઈન પેમેન્ટ જમા ન કરાવે.
ગીર-સોમનાથ જિલ્લા પોલીસ વડાએ પણ સોમનાથના કરોડો યાત્રિકોને ઓનલાઇન ફ્રોડની ગંભીરતા સમજતા અંગત માર્ગદર્શન સાથે કેસને હેન્ડલ કરવામાં આવી રહ્યો છે. આ મામલે નવસારીમાંથી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. ત્યારે તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, આ વ્યક્તિએ બે વર્ષ પહેલાં નોકરી મેળવવા માટે પોતાના ડોક્યુમેન્ટ્સ કોઈને આપ્યા હતા અને કદાચ તેનો દુરુપયોગ કરીને કેરળમાંથી બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. ત્યારે ગીર-સોમનાથ પોલીસ સોમનાથ જ્યોતિર્લિંગના નામનો દુરુપયોગ કરીને ભક્તોને ચૂનો ચોપડનાર આ ઠગ ટોળકીને શોધી કાઢવા માટે અનેક સ્તરે તપાસ ચલાવી રહી છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર