શિંગોડા ડેમ મામલે DCFની બદલીઓ બાદ CCF એ.પી. સિંઘની પણ બદલી

News18 Gujarati
Updated: May 31, 2018, 9:34 PM IST
શિંગોડા ડેમ મામલે DCFની બદલીઓ બાદ CCF એ.પી. સિંઘની પણ બદલી

  • Share this:

ગીર નેશનલ પાર્કમાં આવેલા શિંગોડા ડેમ ઉંડો કરવા મામલે ચાલી રહેલા વિવાદમાં સરકારે બુધવારે નાયબ વન સરંક્ષકો-રામ રતન નાલા (સાસણ) અને એચ.એન. ભાવસાર (પોરબંદર)ની બદલીઓ કર્યા બાદ આજે મુખ્ય વન સરંક્ષક (જુનાગઢ, વન્યપ્રાણી વર્તુળ) એ.પી. સિંઘની પણ બદલી કરી છે.


રામ રતન નાલાને ગાંધીનગરમાં પબ્લીસીટી અને લાયેઝનીગમાં મૂકવામાં આવ્યા છે જ્યારે એચ.એન. ભાવસારને ગાંધીનગરમાં મોનીટરીંગ અને ઇવેલ્યુએશનમાં મૂકવામાં આવ્યા છે.


એ.પી. સિંઘને બદલી કરીને ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વર્કીંગ પ્લાન) સુરત મુકવામાં આવ્યા છે. વર્કીગ પ્લાન (સુરત)ની પોસ્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટની છે પણ એ.પી. સિંઘની અહીંયા બદલી થતા આ પોસ્ટને અપગ્રેડ કરવામાં આવી છે. એ.પી.સિંઘની બદલીથી ઘણા બધા લોકોને આશ્ચર્ય થયુ છે. કેમ કે એવું માનવામાં આવતુ હતુ કે, સરકાર કદાચ તેમને પ્રમોશન આપીને બદલી કરશે. કેમ કે, તેમનું પ્રમોશન ટૂંક સમયમાં આવવાનું છે એવું મનાય છે.



આધારભુત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ગીર અભ્યારણ્ય અને તેની આસપાસ ગીર સ્ટાફને સ્થાનિક લોકો અને રાજકીય નેતાઓ સાથે સંઘર્ષો વધી રહ્યો છે. આવા સમયે સ્થાનિક સ્ટાફને ઉચ્ચ અધિકારીઓ તરફથી પુરતો સપોર્ટ મળતો નથી. આ દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓમાં, ગીરમાં કેટલીક એવી ઘટનાઓ બની જેમાં ગીરનો પાયોનો સ્ટાફ નિરાશ થઇ ગયો. આ બધી ઘટનાઓ વચ્ચે સરકારે ગીર નેશનલ પાર્કમાં આવેલા શિંગોડા ડેમને ઉંડો કરવા માટે નક્કી કર્યું પણ કેટલાક અધિકારીઓએ સરકારને વિનંતી પણ કરી હતી કે, આ પદ્ધતિથી કામ કરવું યોગ્ય નથી પણ સરકારના અધિકારીઓએ આદેશ કર્યા અને વન વિભાગને બાયપાસ કર્યું. શિંગોડા ડેમ ઉંડો કરવાની જરૂરિયાત વિશે શંકા ન હોઇ શકે પણ જે પદ્ધતિએ સરકારે આદેશો કર્યાં તેણે અધિકારીઓ અને ગીરનાં સ્ટાફને સ્તબ્ધ કરી દીધા હતા.


આ વિવાદ દરમિયાન જ , ગુજરાત સરકાર દ્વારા જળસંચય અભિયાન અંતર્ગત ગીર નેશનલ પાર્કમાં આવેલા શિંગોડા ડેમને ઉંડો કરવાની ચાલી રહેલી કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) એટલે કે જાહેર હિતની અરજી થઇ છે. હાઇકોર્ટે આ મામલે સરકારને નોટિસ પણ ઇસ્યુ કરી છે.
હાઇકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે, શિંગોડા ડેમ ગીર નેશનલ પાર્કમાં આવેલો છે અને શિંગોડા ડેમને ઉંડો કરવાની કામગીરીથી એશિયાટીક સિંહો, મગરો જેવાં વન્યપ્રાણીઓના રહેઠાણોને મોટું નુકશાન થશે. ઉપરાંત, આ કામગીરીમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ (1972)ની જોગવાઇનો ભંગ થાય છે અને આ કામગીરી કરતા પહેલા કાયદમાં જણાવેલી જરૂરી પ્રક્રિયાને અનુસરવામાં આવી નથી.

એ.પી સિંઘની જગ્યાએ ડી. ટી. વસાવડાને ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (જુનાગઢ-વન્યપ્રાણી વર્તુળ) તરીકે મુકવામાં આવ્યા છે. ડી.ટી. વસાવડા ચીફ. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ફોરેસ્ટ પ્રોટેક્શન) ગાંધીનગર ફરજ બજાવે છે.


નવા આવનારા ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડી. ટી વસાવડા (વન્યપ્રાણી વર્તુળ, જુનાગઢ) સામે ખુબ મોટા પડકારો છે. ગીરમાં સિંહો અને જંગલના રક્ષણમાં ફિલ્ડમાં ફરજ બજાવતા સ્ટાફના નૈતિક મનોબળને ઉંચો લાવવો અને કટોકટીના સમયમાં તેમને સાથ આપવો. જો આમ નહીં થાય તો ગીરમાં સ્થિતિ વધુ વણસશે.


અત્રે એ નોંધવુ જોઇએ કે, ગીરના સરંક્ષણને લઇને જાગૃત નાગરિકોએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજીઓ કરેલી છે. કેટલાક મુદ્દાઓમાં તો ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો રીટ દાખલ કરેલી છે. એક અભ્યારણ્ય બાબતે આટલા મોટા પ્રમાણમાં હાઇકોર્ટમાં રીટો થાય એ દર્શાવે છે કે, ગીરમાં સ્થિતિ કેટલી વણસી રહી છે.


અત્રેએ નોંધવું રહ્યું કે, ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે અને થોડા દિવસો પહેલા જ સુઓમોટો પિટીશન દાખલ કરી છે. છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે.

First published: May 31, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading