મુરઘી આપી સિંહની પજવણીને સેશન્સ કોર્ટે ગંભીર ગણી: બીજી વખત આરોપીના જામીન ફગાવ્યા

News18 Gujarati
Updated: September 2, 2018, 4:20 PM IST
મુરઘી આપી સિંહની પજવણીને સેશન્સ કોર્ટે ગંભીર ગણી: બીજી વખત આરોપીના જામીન ફગાવ્યા
વન્ય પ્રાણી સરંક્ષણ અધિનીયમ 1972 હેઠળ નોંધવામાં આવતા ગુનામાં કોર્ટના આ ચુકાદાને વિશેષ રીતે જોવામાં આવે છે

વન્ય પ્રાણી સરંક્ષણ અધિનીયમ 1972 હેઠળ નોંધવામાં આવતા ગુનામાં કોર્ટના આ ચુકાદાને વિશેષ રીતે જોવામાં આવે છે

  • Share this:
વિજયસિંહ પરમાર

ગીર અભ્યારણ્યમાં બાબરિયા ફોરેસ્ટ રેન્જમાં સિંહોને મુરધીઓ બતાવી ગેરકાયદેસર લાયન શો કરવાનાં કેસમાં ઉનાની સેસન્સ કોર્ટે મુખ્ય આરોપી ઇલિયાસ અદ્રેમાન હોથની બીજી જામીન પણ અરજી નામંજુર કરી દીધી છે.

કોર્ટે નોંધ્યુ કે, “આરોપી દ્વારી સિંહોની કુદરતી ટેવો અને ફુડ હેબિટને બગાડવાનો પ્રયત્ન કરેલો છે તે બાબતને હળવાશથી લઇ શકાય નહી. ગીરમાં વસતા એશિયાટીક સિંહો દુર્લભ અને અનુસૂચિત 1ના વર્ગનું પ્રાણી છે. ફરિયાદી પક્ષે રજુ કરેલી વીડિયા ક્લિપ જોતા આરોપી ઇલીયાસ દ્વારા સિંહોને મુરઘી નાંખી લલચાવવામાં આવે છે આ પ્રકારની પ્રવૃતિ સિંહોની કુદરતી શિકાર કરવાની વૃતિ, પ્રવૃતિ, પ્રકૃતિ અને તાસીરને ગંભીર પ્રતિકુળ અસર પહોંચાડે છે.”

આ કેસની વિગત એવી છે કે, બાબરિયા ફોરેસ્ટ રેન્જનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડો. રાજન જાદવ અને તેમની ટામે બાતમીના આધારે ગીર જંગલ વિસ્તારમાં આવેલા ઝાંખીયા (સેટલમેન્ટ)ના ધ્રુબક વિસ્તારમાં રેડ પાડી હતી અને સિંહોને મુરધીઓ બતાવી ગેરકાયદેસર લાયન શો કરતા આરોપીઓને પકડી પાડ્યા હતા. આ ગુનામાં મુખ્ય આરોપી આરોપી ઇલિયાસ અદ્રેમાન હોથ તથા અન્ય આરોપીઓ વિરુદ્ધ 19 મે, 2018ના રોજ વન્ય પ્રાણી સરંક્ષણ અધિનીયમ 1972ની કલમ-2(16)બી, 2(36), 9, 27, 51 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન વન વિભાગનાં અધિકારીઓને આરોપીઓનાં મોબાઇલમાંથી વીડિયો ક્લિપ્સ પણ મળી આવી હતી. જેમાં, આરોપીઓ દ્વારા સિંહોને મુરઘીઓનું પ્રલોભન આપી લાયન શો કરવામાં આવતો હોવાનું આ વીડિયો ક્લિપ્સ દ્વારા જાણવા મળ્યુ હતું. વન વિભાગ દ્વારા ઘટના સ્થળેથી આરોપીઓ પાસેથી બે મોટર-સાયકલ અને એક કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આ ગુનામાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ઇલિયાસ અન્દ્રેમાન સિવાય, ત્રણ આરોપીઓ સ્થાનિક હતા. ત્રણ આરોપીઓ અમદાવાદના રહેવાસી હતા અને એક આરોપી ભોજદે ગામમાં આવેલી હોટેલનો વેઇટર હતો. જેમાંથી, સાત આરોપીઓને સમંયાતરે કોર્ટમાંથી જામીન મળ્યા પણ મુખ્ય આરોપી હજુ જેલમાં છે.

આ કેસની તપાસ દરમિયાન મુખ્ય આરોપી ઇલિયાસ અદ્રેમાને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) ગીર-ગઠડા), સેશન્સ કોર્ટ (ઉના- ગીર-સોમનાથ) અને ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટમાં પણ જામીન અરજીઓ કરી હતી. પણ ગુજરાત હાઇકોર્ટે પણ આરોપીને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો.આ દરમિયાન, તપાસ પૂર્ણ થતા વન વિભાગ દ્વારા 16 જુલાઇ, 2018ના રોજ ગીર-ગઢડા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આથી, આરોપી ઇલિયાસે ફરી વખત રેગ્યુલર જામીન મેળવવા માટે જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ), ગીર-ગઢડા સમક્ષ જામીન અરજી કરી હતી પણ આ કોર્ટમાં અરજી નામંજુર થતા આરોપીએ સેશન્સ કોર્ટ-ઉનામાં અરજી કરી હતી.

આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટ(ઉના)માં ન્યાયાધીશ એસ.એલ ઠક્કરની કોર્ટમાં ચાલી હતી. સેશન્સ કોર્ટ દ્વારા આ કેસને ગંભીર ગણી આરોપી બીજી વખતની જામીન અરજી પણ ફગાવી દીધી.

ફરિયાદી અને આરોપી પક્ષે દલીલો સાંભળ્યા પછી સેશન્સ કોર્ટે જામન અરજી નામંજુર કરતા નોંધ્યુ કે, “આરોપીએ જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી તે પાછી ખેંચી હતી. આમ, અરજદારને આ ગુનામાં જામીન ઉપર મુક્ત કરવાનો ગુજરાત હાઇકોર્ટ પણ ઇન્કાર કરેલો હોય તેવુ ફલિત થાય છે. વધુમાં, આરોપી વિરુદ્ધ તપાસના અંતે ચાર્જશીટ દાખલ થયેલી છે. આ અગાઉ પણ અત્રેની કોર્ટે ગુણદોષનાં આધારે જામીન નામંજુર કરી હતી. ત્યારબાદ આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા મળતા ચાર્જશીટ દાખલ થયેલી છે. તે સિવાય કોઇ નવા સંજોગો ઉપસ્થિત થયા નથી. આથી, આરોપીને આ જામીન અરજી માટે નવુ કોઇ કારણ પ્રાપ્ત થયેલુ નથી. આમ છતાં પણ, જામીન અરજી પર ગુણદોષ ઉપર ધ્યાન રાખીએ તો, આરોપી વિરુદ્ધ મુખ્યત્વે એવો આરોપ છે કે, ઝાંખીયા સેટલમેન્ટના ધ્રુબક વિસ્તારમાં નિભાવ માટે સરકાર દ્વારા આપવામાં આવેલી સેટલમેન્ટની જમીન ઉપર અન્ય આરોપીઓને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવી અને રાષ્ટ્રના અમુલ્ય વન્ય પ્રાણી સિંહોને પોલ્ટ્રી બોઇલર બ્રીડ (મરધી) દ્વારા પ્રલોભન આપી પોતાના તરફ આકર્ષી પોતે તથા પ્રવાસીઓને લાયન શો કરવાનો ગુનો આચરેલો છે. તપાસના કાગળો જોતા મુળ આરોપી ઇલિયાસ અદ્રેમાન હોથ દ્વારા પોતાની સેટલમેન્ટની જમીન ઉપર આ લાયન શો યોજવામાં આવ્યો હતો. આમ, ઇલિયાસ અદ્રેમાન આ ગુનામાં મુખ્ય આરોપી જણાય છે. આરોપી દ્વારા સિંહણોને મુરઘી બતાવી, મુરઘીનું ભક્ષણ આપી લલચાવવામા આવે છે અને તે રીતે સિંહોની કુદરતી દિનચર્યામાં અવરોધ કરેલો છે.”

કોર્ટે વધુમાં નોંધ્યુ કે, “વળી, સિંહોની કુદરતી ટેવો અને ફુડ હેબિટને બગાડવાનો પ્રયત્ન કરેલો છે તે બાબતને હળવાશથી લઇ શકાય નહી. ગીરમાં વસતા એશિયાટીક સિંહો દુર્લભ અને અનુસૂચિત 1ના વર્ગનું પ્રાણી છે. ફરિયાદી પક્ષે રજુ કરેલી વીડિયા ક્લિપ જોતા આરોપી ઇલીયાસ દ્વારા સિંહોને મુરઘી નાંખી લલચાવવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃતિ સિંહોની કુદરતી શિકાર કરવાની વૃતિ, પ્રવૃતિ, પ્રકૃતિ અને તાસીરને ગંભીર પ્રતિકુળ અસર પહોંચાડે છે. સિંહ જેવુ શિકારી પ્રાણી જીવતા ભક્ષણની ની લાલચમાં આરોપીની આજુબાજુ પાલતુ પ્રાણીની જેમ ફરતુ વીડિયો ક્લિપમાં જોવા મળે છે. તે જોતા આવી પ્રવૃતિ ભલે શિકાર કરવાના હેતુથી કરવામાં ન આવતી હોય, પરંતુ આવી પ્રવૃતિથી સિંહોના મૂળ હિંસક સ્વભાવનો અને તાસીરનો શિકાર થાય છે અને લાંબા ગાળે સિંહ પોતાની શિકારી વૃતિ ત્યજીને ગીરમાં રહેતા કે ગીરની આસપાસ રહેતા માનવ વસાહતો તરફ જવતા ભક્ષણની લાલચમાં જવા પ્રેરાય. આરોપીની પ્રવૃતિને દુરંદેશીપણાથી નિહાળીએ તો તે અતિ ગંભીર સ્વરૂપની છે. આમ, જે પ્રવૃતિ સિંહોના મુળ સ્વભાવ, તેની તાસીરને બદલતી હોય તેને ઉદારતીથી લઇ શકાય નહીં. આમ, આ ગુનો ગંભીર છે. આરોપી આ ગુનામાં મુખ્ય આરોપી છે. આરોપી ગુનાહિત ઇતિહાય ધરાવે છે. વળી, જે જગ્યાએ ગુનો બનેલો છે ત્યાંજ આરોપી કાયમી વસવાટ કરતા હોઇ ભવિષ્યમાં પણ આ પ્રકારની તેમની ગુન્હાહિત પ્રવૃતિને રોકવી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે એક પડકારરૂપ બાબત છે.”

વન્ય પ્રાણી સરંક્ષણ અધિનીયમ 1972 હેઠળ નોંધવામાં આવતા ગુનામાં કોર્ટનો આ ચુકાદાને વિશેષ રીતે જોવામાં આવે છે. આ ગુનામાં ગુનો સાબિત થાય તો સાત વર્ષ સુંધીની સજાની જોગવાઇ છે. આમ છતાં, કોર્ટે આ કેસને અત્યંત ગંભીર ગણી, સિંહોની પજવણીનાં કિસ્સામાં સેશન્સ કોર્ટ દ્વારા બે-બે વખત આરોપીની જામીન નામંજુર કરવામાં આવ્યા હોય તે એક વિશેષ ઘટના છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, બાબરિયા ફોરેસ્ટ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડો. રાજન જાદવ અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (જામવાળા) ડી.પી. વાઘેલાએ આ કેસની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

(vijaysinh.parmar@nw18.com)
First published: September 2, 2018, 2:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading