દિનેશ સોલંકી, ગીર-સોમનાથ: ગીર-સોમનાથ (Gir-Somnath)માં દોડવીર ઘનશ્યામ સુદાણી (Runner Ghanshyam Sudani) દ્વારા સોમનાથથી અયોધ્યા રામમંદિર (Ram Temple) સુધી 21 દિવસની મેરેથોન દોડની આજે શરૂઆત કરવામાં આવી છે. આ મેરેથોનમાં 1,800 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. ઘનશ્યામ સુદાણી 21 દિવસ સુધી સતત દોડીને અયોધ્યા પહોંચશે. આ માટે દોડવીર ઘનશ્યામ સુદાણી દરરોજ 90 કિલોમીટર જેટલી દોડ લગાવશે. આ એજ ઘનશ્યામ સુદાણી છે જેણે ગત 72મા પ્રજાસત્તાક દિવસ પર ફીટ ઇન્ડિયાના મેસેજ સાથે સતત 72 કિલોમીટરની દોડ લગાવી હતી. ઘનશ્યામ સુદાણી અત્યારસુધી અનેક દોડ લગાવી ચૂક્યો છે.
પોતાની મેરેથોન શરૂ કરતા પહેલા ઘનશ્યામ સુદાણીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા. જે બાદમાં પોતાની દોડની શરૂઆત કરી હતી. આજે સવારે સોમનાથ ટ્રસ્ટે લીલીઝંડી આપીને મેરેથોન દોડની શરૂઆત કરાવી હતી. રામ મંદિર નિર્માણને લઈ દેશભરમાં એકતા અને અખંડિતતા જળવાય રહે તેવા ઉમદા હેતુ સાથે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેટ યુગમાં એક તરફ જ્યાં આજના યુવાનો માત્ર મોબાઈલ અને ટેબ્લેટમાં વ્યસ્ત રહે છે ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામના ઘનશ્યામ સુદાણી 1,800 કિલોમીટરનું અંતર કાપીને 21 દિવસે અયોધ્યા પહોચશે તો ખૂબ ગૌરવની વાત છે. કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતીક એવામાં પ્રભુ શ્રી રામના મંદિર નિર્માણને લઈ દેશભરમાં એકતા અને અખંડિતતા જળવાય રહે તેવા હેતુથી આ યુવાને દેશભરમાં સંદેશ આપવા માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરીને દોડનો પ્રારંભ કર્યો હતો.
આજે સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવોએ દોડવીર યુવકનું અભિવાદન કરી લીલીઝંડી આપી મેરેથોનનો પ્રસ્થાન કરાવ્યો હતો. ઘનશ્યામ સુદાણી સાથે 21 દિવસ દરમિયાન ડૉકટર સહિત કુલ 18 લોકોની ટીમ પણ સાથે રહેશે.
કોણ છે ઘનશ્યામ સુદાણી?
ઘનશ્યામ સુદાણી મૂળ ગીરના પીપળવા ગામના વતની છે. તેને ગુજરાતના મિલ્ખાંસિંઘ કહેવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન તેણે ફીટ રહેવા માટે 42 કિલોમીટરની ચેલેન્જ લીધી હતી. એટલે કે તે દરરોજ 42 કિલોમીટર દોડતો હતો. છેલ્લા ત્રણેય વર્ષથી તે અમદાવાદ ખાતે સ્થાયી થયો છે. ઘનશ્યામ સુદાણીનું સપનું ઇન્ટરનેશનલ રનર બનવાનું છે. અમદાવાદ ખાતે ઘનશ્યામ સુદાણી સવારના સમયે દરરોજ ચારથી પાંચ કલાક દોડે છે. તે દરરોજ ચાર હજાર કેલરી બર્ન કરે છે. તેઓ ખોરાકમાં કેળા અને બાજરીના રોટલા લે છે.
કોરોના પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેમ માટે દોડવીર ઘનશ્યામ સુદાણીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામથી ગત શિક્ષક દિવસના રોજ એક મેરેથોન દોડનું આયોજન કર્યું હતું. તેમે પીપળવા ગામથી અમરેલી સુધી દોડ લગાવી હતી. ઘનશ્યામ એક ખેડૂત પરિવારનો દીકરો છે. તેની ઉછેર પણ ગામમાં જ સામાન્ય સ્થિતિમાં જ થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર