અકબંધ રહસ્ય: ગીરનારમાં સાધુ બાવા કુંડમાં સ્નાન કરી થઇ જાય છે અદ્રશ્ય

પુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ, રૂક્ષ્મણીજી, સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ ગીરનારની પરીક્રમા કરી હતી

પુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ, રૂક્ષ્મણીજી, સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ ગીરનારની પરીક્રમા કરી હતી

 • Share this:
  ગરવા ગીરનારની લીલી પરિક્રમા સૌરાષ્ટ્રમાં આવેલા ગરવા ગીરનારનું ખુબ ધાર્મિક મહત્વ છે. ગરવા ગીરનારની પાવનભૂમિ પર હજારો વર્ષથી સિઘ્ધ સાધુ સંતો તપસ્યા કરવા માટે આવતા હોય છે. આ પાવનભૂમિનું નયનરમ્ય સૌંદર્ય માણવા દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટી પડે છે. શિવરાત્રીનો મેળો હોય કે લીલી પરીક્રમા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો અહીંયા આવતા હોય છે.

  ત્યારે વર્ષમાં બે વખત માનવમહેરામણ વધુ જોવા મળે છે. જેમાં એક મહાશિવરાત્રીના મેળામાં અને બીજુ ગીરનારની લીલી પરીક્રમામાં. શિવરાત્રીના મેળામાં ખૂણે-ખૂણેથી સાધુ બાવાઓ અહીંયા કુંડમાં સ્નાન કરવા આવતા હોય છે. ત્યારબાદ તેઓ કયાં અદ્રશ્ય થઈ જાય છે તે રહસ્ય આજે પણ અકબંધ છે ત્યારે દિવાળી બાદ આવતા સૌથી મોટા તહેવાર એટલે કે લીલી પરીક્રમાનું પણ ખુબ મહત્વ છે.ગુજરાત ઉપરાંત નજીકના રાજયો તેમજ વિવિધ પ્રાંતના લોકો ગીરનારની સંસ્કૃતિ અને સાધુના તપને જાણવા ભારપૂર્વક આવતા હોય છે. ગીરનારની લીલી પરીક્રમામાં લગભગ દર વર્ષે ૧૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓ જોડાઈ છે. નવનાથ ચોરાસી સિઘ્ધ અને ચોસઠ જોગણી બાવનવીર અને તેમના ભૈરવોની આ ભૂમિ અનેક સિદ્ધ મહંતોની તપસ્થળી છે.

  અનેક નામી-અનામી સિઘ્ધ સંતોએ વર્ષો સુધી તપર્શ્ચ્યા કરી અને આ તપર્શ્ચ્યાના પૂણ્યનું ભાથુ જાણે આ ભૂમિને સમર્પિત કર્યું હોય તેમ ગીરનાર ક્ષેત્રની આ ભૂમિના સ્પર્શમાત્રથી આહલાદક આઘ્યાત્મિક આનંદનો અનુભવ થાય છે. ૩૬ કિલોમીટરની આ લીલી પરીક્રમાનો સિલસિલો હજારો વર્ષથી ચાલતો આવે છે. દંતકથામાં એવું પણ કહેવાયું છે કે, આ વસ્ત્ર પઠેશ્વર ક્ષેત્રમાં ભગવાન શિવે લીલા કરી માતા પાર્વતીથી સંતાકુકડી રમવા અહીંયા આવેલા ત્યારે માતાજીએ તેમને આ ક્ષેત્રમાંથી ઓળખી કાઢેલા.

  આ ભૂમિમાં વસતા સાધુ-સંતોએ ભોળાનાથ સાથે વિશેષ સમય વિતાવ્યો અને માતા અન્નપૂર્ણાએ અનેક સંતો-મહંતોની જઠરાગ્ની ઠારી. આ અલૌકિક દ્રશ્યોને જોવા ૩૩ કોટી દેવો ગીરનાર પર બિરાજમાન થયા. આ ઉપરાંત બલીરાજાના સમયથી ભગવાન વિષ્ણુના પાવન સ્વપનરૂપ વરદાન મુજબ ત્રણેય દેવો બલિરાજા સાથે સમયાનુસાર વાસ કરે છે. જેમાં દેવઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુનો સમય પુરો થતો હોય અને ભગવાન શિવનો સમય શરૂ થતો હોય એવી પણ એક લોકવાયિકા છે.આવા અનેક ધાર્મિક પ્રસંગોના ઉલ્લેખ હિન્દુ ધર્મના પુરાણોમાં છે આવા જ એક પ્રસંગનો ઉલ્લેખ કરીએ તો પુરાણોની ધાર્મિક કહાની અનુસાર શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માટે બહાનું કરી પરીક્રમા કરી હતી અને સતત પાંચ દિવસ સુધી ગીરનારના જંગલમાં વાસ કર્યો હતો.

  પુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ, રૂક્ષ્મણીજી, સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ ગીરનારની પરીક્રમા કરી હતી. કારતક સુદ અગિયારસથી પુનમ સુધી ભગવાન શ્રીકૃષ્ણને ગીરનારના જંગલમાં વાસ કરી પરીક્રમા કરેલ. ભગવાન શ્રીકૃષ્ણ અહીં બિરાજતા હતા ત્યારે હિન્દુ માન્યતા અનુસાર ૩૩ કરોડ દેવતાઓએ ભગવાનના સાનિઘ્ય માટે અહીં વસવાટ કર્યો હતો અને ત્યારથી જ ગીરનારમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ થતા અનેરું મહત્વ વઘ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણએ પરીક્રમા કર્યા બાદ આ પરીક્રમાનો સીલસીલો શરૂ થયો હોવાનું કહેવાયું છે. લીલી પરીક્રમાના રૂટની વાત કરીએ તો, ભાવિકો ભવનાથ તળેટીએ ભગવાનના દર્શન કરી આ પરીક્રમાનો પ્રારંભ કરે છે. પ્રથમ ઈટવા ઘોડીથી આ પરીક્રમા ચાલુ થાય છે. ભાવિકો આઠ કિલો મીટરની આ ઘોડી ચઢીને પ્રથમ પડાવે પહોંચે છે. આ પ્રથમ પડાવ એટલે ‘જીણાબાવાની મઢી’. જીણાબાવાની મઢી એ ભાવિકો રાતવાસો પણ કરે છે.વર્ષોથી આ જગ્યા પર લોકો આવે છે અનેક દરેક શ્રદ્ધાળુઓને અહીંયા પરીક્રમા દરમિયાન ભાવપૂર્વક જમાડવામાં આવે છે. આજે પણ અહીંના મહંત પોતાના હાથે ભંડારો બનાવીને લોકોને ભાવપૂર્વક જમાડે છે. લીલી પરીક્રમાના પ્રથમ પડાવમાં આ જગ્યાનું ખુબ જ મહત્વ છે.

  એવું પણ કહેવાય છે કે લીલી પરીક્રમાના અલગ-અલગ પડાવ પરના આ પહેલા પડાવને સતયુગ પણ કહેવાય છે. કારણકે સતયુગમાં ગીરનારની તળેટી અહીંથી શરૂ થતી અને આ જગ્યાના આધિપતિમાં મહાકાળીનો વડલો આજે પણ છે જયાં માતાજી બિરાજે છે. જીણાબાવાના હાલ અન્નક્ષેત્રો પણ અહીંયા કાર્યરત છે અને ધુણો પણ સતત ચાલુ રહે છે. સ્વયંમ સેવક તરીકે જીણાબાવાની મઢીએ સેવા આપતા ગુંજનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, જુનાગઢની અંદર દિવાળી પછીનો આવતો મોટો તહેવાર એટલે લીલી પરીક્રમા. મઢીએ તેઓ છેલ્લા પાંચ વર્ષથી સેવા આપી રહ્યા છે. લાખો લોકો તો અહીં આવે જ છે સાથે સિઘ્ધ સાધુઓ પણ કયાં સ્વરૂપ દર્શન આપે તેની પણ કોઈને કલ્પના નથી. અહીંયા ત્રિવેણી સંગમ ચાલે છે એટલે કે ભજન, ભોજન અને ભકિતનો મેળાવડો થાય છે.

  ભગવાન દતાત્રેયની છત્રછાયામાં વર્ષોથી આ પરીક્રમા ચાલે છે જે યાત્રાળુઓ આવે છે તેમને જમવા તથા રહેવાની સુવિધાઓ આપવામાં આવે છે તથા જો કોઈ વ્યકિત આગળ ન ચાલી શકે તેમને મઢીના વાહન દ્વારા જુનાગઢ પણ પહોંચાડવામાં આવે છે. અહીંથી આગળ પરીક્રમાના રૂટની વાત કરીએ તો ‘માળવેલા ઘોડી’ આવે છે. ચઢાણમાં મુશ્કેલ અને સૌથી ઉંચી માળવેલાની આ ઘોડીથી સાડા ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને પ્રકૃતિના સૌંદર્યને માણતા માણતા ભાવિકો માળવેલા મંદિરે પહોંચે છે. જીણાબાવાની મઢીથી માળવેલાનો રસ્તો કુદરતી સૌંદર્યથી ભરપુર છે. અનેક નાના-મોટા ઝરણાઓ અનેક ગાઢ જંગલ વિસ્તારોમાં વૃક્ષોમાંથી આવતા સુર્યકિરણો આ જંગલમાં ઘણા નયનરમ્ય દ્રશ્યો સર્જે છે. પ્રકૃતિને માણતા-માણતા શ્રદ્ધાળુઓ માળવેલા ખાતે તેમનો બીજો રાતવાસો કરે છે. માળવેલામાં બીજો યુગ એટલે કે પ્રેતા યુગમાં હોય તેવું કહેવાયું છે.

  કુદરતી સૌંદર્યથી ભરપુર આ જગ્યામાં લોકો મનની શાંતી મેળવે છે. પરીક્રમા રૂટની આગળ વાત કરીએ તો, આ રૂટમાં આવતા બે ધાર્મિક સ્થળોએ પણ શ્રદ્ધાળુઓ પરીક્રમા દરમિયાન રોકાણ કરતા હોય છે. તેમાં પ્રથમ ‘સરકડીયા હનુમાનજી’નું મંદિર આવેલ છે. વર્ષો પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવેલ હતી અને આ મંદિરે લોકો ધાર્મિક દ્રષ્ટિએ આવતા હોય છે ત્યારબાદ આ રૂટમાં બીજું ધાર્મિક સ્થળ એટલે કે સુરજ કુંડ આવે છે. કહેવાય છે કે, આ સુરજ કુંડનો ઈતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે અને અહીંયા અલગ-અલગ સેવાકિય સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ભંડારો પણ ચલાવવામાં આવે છે. ત્યારબાદ ‘નાળ-પાણી’ની ઘોડી આવે છે. આ ઘોડી સૌથી આકરી અને ઉંચાઈએ આવેલ છે. ૮ કિલોમીટરની પગપાળા યાત્રા બાદ શ્રદ્ધાળુઓ ત્રીજો એટલે કે આખરી પડાવે પહોંચે છે. આ ત્રીજો પડાવ એટલે ‘બોરદેવી માતાજી’નું સ્થળ. બોરદેવીની જગ્યા એટલે જાણે વનદેવીના સાક્ષાતકાર. બોરમાંથી પ્રગટ થયેલા જગદંબા સ્વપરૂપ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ જગ્યા પર ત્રીજી રાતે રાતવાસો કરી ભવનાથ તળેટીએ પહોંચી અને દામોદર કુંડમાં સ્નાન કરી આ પરીક્રમને પૂર્ણ કરે છે.

  લીલી પરીક્રમામાં ૧૦૦થી વધારે સંસ્થાઓ દ્વારા ધાર્મિકો માટે પાણી, ચા અને અન્નક્ષેત્રની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. અલગ-અલગ પોઈન્ટ પર ભંડારો કરી અન્નક્ષેત્રો ચલાવવામાં આવે છે. આવી જ એક સંસ્થા વાઈલ્ડ લાઈફ ક્ધઝરવેશનના શિતલ સુરાણીએ જણાવ્યું હતું કે, પરીક્રમા દ્વારા લોકો દ્વારા જે પ્લાસ્ટીક બેગનો ઉપયોગ કરવામાં આવે છે.

  ત્યારે અમારી સંસ્થા દ્વારા લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરે તેવું સમજાવી તેમને કાગળ તથા કાપડની બેગનું વિતરણ કરવામાં આવે છે. જેથી કરીને વન્ય પ્રાણીઓ પ્લાસ્ટીક ન ખાય સંસ્થા દ્વારા છેલ્લા ૩ વર્ષથી આ પ્રવૃતિ કરવામાં આવે છે. આ વર્ષ પણ ૫૦ લોકોની ટીમ દ્વારા આ પ્રવૃતિ કરવામાં આવશે.ગૌરક્ષક આશ્રમના શેરનાથજી ગુરૂતિલકનાથજીએ જણાવ્યું હતું કે, કારતક સુદ અગિયારસથી શરૂ થનારી લીલી પરીક્રમા પૂર્ણીમા સુધી ચાલે છે. પૂણ્ય કમાવવા લાખોની સંખ્યામાં સાધુઓને શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. રાજા બલીનો ભકિતને કારણે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને રાજા બલિના દ્વારપાળ તરીકે ચાતુર્માસ ચોકી પહેરો કરતા હોય છે તેવું પુરાણોમાં કહેવાયું છે.

  દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન પાતાળમાંથી ઉઠી પૃથ્વી લોકમાં આગમન કરે તેવું શાસ્ત્રોકત વિધાનમાં કહેવાયું છે. ગીરનારની પરીક્રમા કરવાથી ૩૩ કરોડ દેવી-દેવતાની પરીક્રમા થાય તેવું મહાત્મય છે તથા આશ્રમમાં પણ આખા વર્ષ દરમિયાન ભકતો માટે અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે અને તેમને રહેવાની પણ સગવડતા પુરી પાડવામાં આવે છે.

  જ્ઞાતી સમાજ ટ્રસ્ટોના ઉતારા મંડળ અને અખંડ ભારત સંઘના ભાવેશ વેકરીયાએ જણાવ્યું હતું કે, આ પરીક્રમા આદી-અનાદી કાળથી યોજાતી આવી છે. વગર આમંત્રણે સ્વયંભુ લાખોની સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડે છે. તેજ રીતે સ્વયંભુ સેવાભાવી સંસ્થાઓ પણ આવે છે. અગણિત પ્રકારની સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીનું પરબ, ચાનું પરબ, દુધનું પરબ, અન્નક્ષેત્રની સુવિધા પુરી પાડવામાં આવે છે.સંસ્થાઓ તો આવે છે પરંતુ તંત્ર દ્વારા પણ વધારે સહકારની ઉપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને હાલ અન્નક્ષેત્ર કે સંસ્થાના વાહનોને હાલ અંદર જવાની પરમિશન થતી અને ચાલુ પરીક્રમાએ પણ તંત્ર દ્વારા કનડગત થતી હોય છે ત્યારે સંસ્થા દ્વારા વિનામૂલ્યે અપાતી સેવા માટે માલ-સમાન ન પહોંચે તો શ્રદ્ધાળુઓ હેરાન થતા હોય છે.

  પરંતુ તંત્ર દ્વારા કોઈપણ ધ્યાન આપવામાં નથી આવતું. રસ્તાઓ પણ તંત્ર દ્વારા ચાલી શકાય તેટલા પરીક્રમાના રૂટમાં પહોળા રાખવામાં નથી આવ્યા. કંઈ કયાંકને કયાંક તંત્ર આ પરીક્રમા બંધ થાય તેવી પેરવી કરે છે પરંતુ લોકો દર વર્ષે સ્વયંભુ વધતા જ જાય છે ત્યારે લોકોની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે અને તંત્ર સાથ-સહકાર આપે તેવી અમારી અપીલ છે.

  પરીક્રમા કરવા લોકો ખૂણે-ખૂણેથી અહિંયા આવતા હોય છે ત્યારે આવું જ એક તળાજા તાલુકાના યશ્વી ગામથી આવેલા ભમર લાખાભાઈએ જણાવ્યું હતું કે, તેઓ ૧૧મી પરીક્રમા કરવા માટે આવેલા છે. આ પરીક્રમાની અંદર ખુબ આનંદ આવે છે. બાળકો સાથે જ અમે આ પરીક્રમામાં જોડાતા હોય છીએ. આ ભૂમિ તો સિઘ્ધ ભૂમિ કહેવાય છે. અનેક લોકો સ્વયંસેવક તરીકે પણ અહીંયા સેવા આપતા હોય છે.

  ત્યારે અમરેલી જીલ્લાના ચલાલા ગામથી આવેલા સંઘના એક બહેને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૧૭ વર્ષથી આ પરીક્રમામાં આવે છે અને અહિંયા આવતા લોકોને જરૂરીયાત મુજબ વસ્તુઓ પુરી પાડી સેવાનો લાભ આપે છે. પ્રકૃતિના સૌંદર્યમાં આવીને મન શાંતી અનુભવે છે અને ૪ દિવસ અહીંયા ખુબ મજા આવે છે. આ લીલી પરીક્રમાનું અને મહત્વ રહેલું છે. આ સંતોની પાવન ભૂમી પર હજારો લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને ૩૬ કિલોમીટરની આ લીલી પરીક્રમામાં સહુ જોડાય છે.  પરિક્રમા સુધી પહોચવા માટે
  જૂનાગઢની આજુબાજુના જીલ્લામાં રહેતા લોકો માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત અનેક પ્રાઈવેટ વાહનો દ્વારા જૂનાગઢ સુધી પહોચી શકાય છે. જયારે ઘણા યાત્રાળુઓ ટ્રેનમાં જૂનાગઢ સુધી પહોચી શકે છે.

  પરિક્રમા રૂટ પર આવતા ત્રણ પર્વતો પર યાત્રીકોની સુવિધા માટે બનાવાયા પગથીયા: બી. કે. ખટાણાવન વિભાગ દ્વારા આ પરીક્રમાના રૂટ પર ભકતોની સગવળતા માટે ટીમ તૈનાત કરવામાં આવે છે. વધુમાં મદદનીશ વન સંરક્ષક બી.કે.ખટાણા એ જણાવ્યું હતુ કે ધાર્મિક દ્રષ્ટીએ આ પરિક્રમાનું ખૂબ મહત્વ રહેલું છે. ત્યારે વન વિભાગ દ્વારા આ પરીક્રમા રૂટમાં આવતા ૩ પર્વતો પર પગથીયા કરી યાત્રીકોને અડચણ ન પહે તે માટે ધ્યાન રાખવામાં આવ્યું છે.

  આ ઉપરાંત લોકો રાત્રી રોકાણ પર કરતા હોવાથી પીજીવીસીએલના સહયોગથી લાઈટોની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની પાણીની તકલીફ ભાવિકોને ન પડે તે માટે વન વિભાગ અને પાણી પૂરવઠા વિભાગ દ્વારા પરિક્રમાના જુદા જુદા પોઈન્ટ પર પાણીના ટાંકાઓ મૂકવામાં આવ્યા છે.

  રૂટ દરમિયાન કાંઈ પણ ઘટના બને તો વોકી ટોકી દ્વારા તરત જ જાણ કરી ફર્સ્ટ એડની સુવિધા અને જરૂર પડયે એમ્યુલન્સ પુરી પાડવામાં આવે છે. ૧૫૦ જેટલા વન વિભાગની ટીમ સતત ૪ દિવસ પરિક્રમાના રૂટમાં તૈનાત રહે છે. ખાસ સ્વચ્છતા માટે પણ સૂચનો અને ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે. તદઉપરાંત કોઈ પ્લાસ્ટીકની વસ્તુઓ ન લઈ જાય તે માટે સૂચના, જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે. છતા પણ જો કોઈ વ્યકિત પ્લાસ્ટીક લઈ જાયતો તેમના પર દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

  લીલી પરિક્રમાની ઘોડીઓ વિશે
  પરિક્રમાના રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે. ઘોડી એટલે પર્વતોની વચ્ચે પસાર થઈ રહેલી બળદના ખૂંધ જેવી રચના જેમાં પહેલા ચઢાણ ચઢવાનું અને પછી ચઢાણ ઉતરવાનું

  * ઈંટવા ઘોડી:- જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટ તથા ઝીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે.

  * માળવેલા ઘોડી:- જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે.

  * નાળ-પાણીની ઘોડી:- આ ઘોડી સૌથી આકરી અને ઘણી ઉંચાઈએ આવેલ છે.

  જીણાબાવાએ ચલમમાં દર્શન દેતા મઢી બની તીર્થધામ
  મહંત બલરામપૂરી ગુરૂ રતનપૂરીએ જીણાબાવાના ઈતિહાસ વિશે વાત કરતા જણાવ્યું કે, આ જગ્યા હજારો વર્ષોથી અહીયા આવેલ છે. વર્ષો પહેલા જીણાબાવા આ સ્થળ પર સમાધી કરતા હતા ત્યારે તે સમયે જીણાબાવા પાસે ઘણા સિધ્ધ પુરુષો પણ આવતા હતા આવા જ એક સમયે રાત્રી દરમિયાન બધા સંતો અને જીણાબાવા વચ્ચે પોતાની સિધ્ધી માટે વાત કરતા હતા અને તે સમયે એક સંતે જીણાબાવાને સિધ્ધી વિશે પૂછયું હતુ ત્યારે જીણાબાવા જે ચલમ પીતા હતા તે ચલમ બધાને દેખાડી ને પૂછયું કે આ ચલમમાં કંઈ જ નથી અને ત્યારબાદ એ ચલમમાંથી જ જીણાબાવાએ પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યા હતા અને ત્યારબાદ જીણાબાવાની આ જગ્યા સુપ્રસિધ્ધ થઈ હતી.

  પરિક્રમામાં ચાલતા અન્નક્ષેત્રો અને આરોગ્ય કેન્દ્રો
  લીલી પરિક્રમા દરમ્યાન ઘણા લોકો કે ટ્રસ્ટો પોતાની નિસ્વાર્થ સેવા આપવા માટે પરિક્રમાના આ કઠીન માર્ગ પર અન્નક્ષેત્રોના પંડાલ ઉભા કરે છે. ત્યા આવતા પરિક્રમાર્થીઓને ભાવતા ભોજન પીરસાય છે. અને પૂરા આગ્રહ સાથે જમાડવામાં આવે છે. પરિક્રમાના માર્ગ પર ઠેક ઠેકાણે ભજન મંડળીઓ રાત્રી દરમિયાન સંતવાણી અને ભજન પીરસાય છે. આ ઉપરાંત પરિક્રમાના પડાવો પર યાત્રીકોના આરોગ્યની કાળજી માટે કામ ચલાઉ આરોગ્ય કેન્દ્ર ઉભા કરાય છે.

  માળવેલામાં બિરાજે છે જગદંબા સ્વરૂપે મહાકાળી
  માળવેલાની વાત કરીએ તો એવું કહેવાય છે કે ઋષી માર્કડની તપસ્થળી ત્રેતા યુગમાં ગીરનારની તળેટી તરીખે ઓળખાતા આ વિસ્તારાના આધિસ્થતા દેવ અને રક્ષક જગદંબા સ્વરૂપ મહાકાળી માતાજી આ સ્થળે બિરાજે છે. પરિક્રમાના બીજા પડાવ તરીકેનું આ સ્થળ કુદરતી સૌદર્યથી લથપથ છે.
  Published by:kiran mehta
  First published: