Home /News /kutchh-saurastra /હું પાર્ટી સાથે જ છું, કોઈ અસંતોષ નથી: ભાજપમાં જવાની અટકળો પર લલિત વસોયાનો ખુલાસો
હું પાર્ટી સાથે જ છું, કોઈ અસંતોષ નથી: ભાજપમાં જવાની અટકળો પર લલિત વસોયાનો ખુલાસો
લલિત વસોયા (ફાઇલ તસવીર)
MLA Lalit Vasoya: "2022ની ચૂંટણીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસ પાર્ટી આક્રમતતાથી ભારતીય જનતા પાર્ટી સામે લડશે. 2017 કરતા પણ સારું પરિણામ આવે તે માટે અમારા કાર્યકરો મહેનત કરી રહ્યા છે."
ગીર-સોમનાથ: ગુજરાત કૉંગ્રેસ (Gujarat Congress) આજે સોમનાથ મંદિર (Somnath Temple)થી આગામી 2022 વિધાનસભાની ચૂંટણી (Gujarat 2022 election)ને લઈને શંખનાદ કાર્યક્રમ યોજી રહી છે. જેમાં વેરાવળથી સોમનાથ સુધીની રેલીનું આયોજન કરાયું છે. આ ઉપરાંત આજે સૌરાષ્ટ્ર ઝોન (Saurashtra Zone)ની બેઠક મળી છે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો અને નેતાઓ જોડાયા છે. જોકે, કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના 21માંથી 19 ધારાસભ્યો હાજર છે. કાર્યક્રમમાં પ્રતાપ દુધાત (Pratap Dudhat) અને અમરરિશ ડેર (Amrish Der) ગેરહાજર રહ્યા છે. આ પ્રસંગે ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya)એ પ્રતિક્રિયા આપતા ભાજપમાં જવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. આ સાથે જ લલિત વસોયાએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી સૌરાષ્ટ્રમાં સારો દેખાવ કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્તિ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં જઈ રહ્યા છે તેવી અટકળો વહેતી થઈ છે.
લલિત વસોયાનું નિવેદન
ભાજપમાં જવાની અટકળો પર બોલતા કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યુ હતુ કે, "2017માં ધારાસભાની ચૂંટણી જીત્યો ત્યારથી મારા કોઈને કોઈ હિતેચ્છુ મિત્રો ચૂંટણી આવે ત્યારે આવી અટકળો લગાવતા રહે છે. મીડિયા પણ આ વાતને ચલાવતું હોય છે. હું બે દિવસથી સૌરાષ્ટ્ર ઝોનની બેઠકની વ્યવસ્થામાં રોકાયેલો છું. હું પાર્ટીની નેતાગીરી સાથે છું. મને પાર્ટીથી કોઈ પણ પ્રકારનો અસંતોષ નથી. કોઈ મિત્રો આવી વાત ચગાવતા હોય છે."
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સાથે વીડિયો અને ફોટો વાયરલ થવા મામલે લલિત વસોયાએ જણાવ્યુ હતુ કે, "ગુજરાતના ભૂતપૂર્વ અથવા વર્તમાન મુખ્યમંત્રી કે પછી કોઈ મંત્રી સાથે કાર્યક્રમમાં સ્ટેજ પર હોવું અને તેની તસવીરો વાયરલ થવી સામાન્ય વાત છે. રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં દરેક પક્ષના લોકો આવતા હોય છે. આ તસવીરો સ્ટેટસ તરીકે મૂકવી તેમાં કંઈ ખોટું નથી."
2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે લલિત વસોયાએ જણાવ્યુ હતુ કે, "2022ની ચૂંટણીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસ પાર્ટી આક્રમતતાથી ભારતીય જનતા પાર્ટી સામે લડશે. 2017 કરતા પણ સારું પરિણામ આવે તે માટે અમારા કાર્યકરો મહેનત કરી રહ્યા છે. આ વખતે સફળતા મળશે તેવો વિશ્વાસ છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર