પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સવારથી જ ધમાકેદાર બેટિંગ, વેરાવળમાં 5 ઇંચ ખાબક્યો

પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સવારથી જ ધમાકેદાર બેટિંગ, વેરાવળમાં 5 ઇંચ ખાબક્યો
ગાગડીયા ધોધ - વેરાવળ

વેરાવળમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક ગામ બેટમાં ફેરવાયા, સવની ગામ ખાતે આવેલો ગાગડીયા ધોધ પણ વરસાદને પગલે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં લૉ પ્રૅશર સક્રિય થતાં તે ધીમે ધીમે મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. આ કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહી વચ્ચે જ મંગળવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે બપોરે બે વાગ્યા સુધી ગીર-સોમનાથ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. જિલ્લાના વેરાવળમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક ગામ બેટમાં ફેરવાયા છે. વેરાવળના સવની ગામ ખાતે આવેલો ગાગડીયા ધોધ પણ વરસાદને પગલે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

  ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ થયા છે. મંગળવારે સવારથી જ ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌથી વધારે પાંચ ઇંચ વરસાદ વેરાવળમાં નોંધાયો છે. જૂનાગઢના માંગરોળમાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. મંગળવારે સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા નીચે પ્રમાણે છે.  દામોદર કુંડ- જૂનાગઢ


  મંગળવારે ક્યાં કેટલો વરસાદ (સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધી)

  વેરાવળ (ગીર-સોમનાથ)------127 મી.મી.
  માંગરોળ (જૂનાગઢ) ----------106 મી.મી.
  સુત્રાપાડા (ગીર-સોમનાથ) ---10 1મી.મી.
  ખાંભા (અમરેલી)--------------90 મી.મી.
  સાવરકુંડલા (અમરેલી) --------76 મી.મી.
  જાફરાબાદ (અમરેલી)-------- 76 મી.મી.
  રાજુલા (અમરેલી)------------ 73 મી.મી.
  બગસરા (અમરેલી) ----------40 મી.મી.
  તળાજા (ભાવનગર)--------- 37 મી.મી.
  જામકંડોરણા (રાજકોટ)----- 36 મી.મી.
  અમરેલી--------------------- 35 મી.મી.
  મહુવા (ભાવનગર)-------- 33 મી.મી.
  કોડિનાર (ગીર-સોમનાથ)--31 મી.મી.
  માળિયા (જૂનાગઢ) --------29 મી.મી.
  તાલાલા (ગીર-સોમનાથ) ---29 મી.મી.

  (આ પણ વાંચો :  રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણી લો ક્યાં ક્યાં સાંબેલાધાર પડશે)

  ગીર-સોમનાથમાં વરસાદ

  મંગળવારે ગીર-સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. બપોરના બે વાગ્યા સુધી જિલ્લાના વેરાવળ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે નદીઓમાં ધોડાપૂર આવ્યા હતા. વેરાવળના માથાસુળિયાથી પસાર થતી કપિલા અને ડાભોર ગામથી પસાર થતી દેવિકા નદીમાં વરસાદથી પૂર આવ્યા હતા. વરસાદને પગલે તાલુકાના અનેક ગામ બેટમાં ફેરવાયા છે. ઈણાજ, ઉંબા, દેદા, આબલયાળા સહિતના ગામો બેટમાં ફેરવાયા છે. ઈણાજ અને ઉંબા ગામમાં નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  ગાગડીયા ધોધનો અદભૂત નજારો : વેરાવળમાં ભારે વરસાદને પગલે સવની ગામ ખાતે આવેલા ગાગડીયા ખોડિયાર માતાના મંદિરના ધોધનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. મેઘમહેર વચ્ચે ગાગડીયા ખોડીયારનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો.  ગીરનાર પર્વતમાળામાં ધોધમાર વરસાદ : જૂનાગઢમાં ગીરનાર પર્વતમાળામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાને કારણે સોનરખ નદીમાં પાણીની આવક થઈ છે. સોનરખ નદી પર આવેલ દામોદર કુંડમાં પૂર જેવા દ્વશ્યો જોવા મળ્યા છે. ઉપરવાસથી ડુંગરોમાંથી આવતાં વરસાદી પાણીને લઈને દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ધસમસતો આવતો જોઈ શકાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:August 04, 2020, 15:10 pm

  ટૉપ ન્યૂઝ