Home /News /kutchh-saurastra /ગીર-સોમનાથ: વેરાવળમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી
ગીર-સોમનાથ: વેરાવળમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી
સોમનાથ મંદિર.
Gir-Somnath district heavy rain: છેલ્લા ત્રણ દિવસના વરસાદી વાતાવરણ બાદ વેરાવળ-સોમનાથમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. પાંચ ઇંચ વરસાદથી વેરાવળ શહેર સહિત અનેક ગામો પાણી પાણી થયા.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: લાંબા સમયના વિરામ બાદ છેલ્લા ત્રણ દિવસથી ગીર-સોમનાથ જિલ્લા (Gir-Somnath district heavy rain)ના અલગ અલગ વિસ્તારમાં મેઘરાજા પોતાનો હેત વરસાવી રહ્યા છે. જોકે, સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક હેત વરસાવવો જોઈએ તેની જગ્યાએ દરરોજ અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા પોતાનો હેત વરસાવી રહ્યા છે. આજે 13મી જુલાઈના રોજ વહેલી સવારથી ગીર-સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ (Veraval)માં વરુણ દેવ મન મૂકીને વરસ્યા હતા. વેરાવળમાં સવારના 6થી 10 વાગ્યા સુધીમાં જે પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે મગફળીની ખેતીને જીવનદાન મળ્યું છે.
બીજી તરફ અચાનક ટૂંકા સમયમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન પર પણ વિષમ અસરો જોવા મળી છે. વેરાવળની મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. જેમાં સટ્ટાબજાર, સુભાષરોડ, તપેશ્વર રોડ, ગાંધી રોડ, સહીતના માર્ગો પર ગોઠણ ડૂબ પાણી ભરાયાં હતા. વેરાવળ નજીકનું ડારી ગામ જળ બંબાકાર બન્યું છે. ગામના માર્ગો પર જાણે ધસમસતી નદીનો પ્રવાહ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ચોમેર પાણી જ પાણી થતાં લોકોમાં અનેરી ખુશી છે. સાથે સોમનાથ મંદિર નજીક આવેલ સોમનાથ શોપિંગ સેન્ટરની દુકાનોમાં પણ પાણીમાં ઘૂસી ગયા છે. વેરાવળની હંગામી નદી, દેવકા નદીમાં પણ પૂર આવ્યું છે. જેને કારણે નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા છે. લાંબા સમયથી વરસાદની ખેડૂતો અને લોકો રાહ જોઇને બેઠા હતા તેવામાં ભારે માત્રામાં વરસાદ પડતાં લોકો અને ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છે.
પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું (Monsoon 2021) ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી (Gujarat Weather Update) મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ (Heavy rain forecast in Gujarat) પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક પંથકમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહીને પગલે NDRFની ટીમો વલસાડ પહોંચી છે. એનડીઆરએફની ટીમોએ અધિકારીઓ સાથે નીચાણવાળા વિસ્તારોની પણ મુલાકાત લીધી છે.
ઉત્તર ગુજરાતના પાટણ, અરવલ્લી મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. અરવલ્લી, અમદાવાદ નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, બોટાદ, કચ્છ અને ભાવનગર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી અંતર્ગત વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે.