Home /News /kutchh-saurastra /ગુજરાત પેટા-ચૂંટણી: કાઠિયાવાડી બાપાનો રોષ 'અમે સારો જાણીને મોઇકલો તો, ક્યાં વીયો ગયો ખબર નથી'

ગુજરાત પેટા-ચૂંટણી: કાઠિયાવાડી બાપાનો રોષ 'અમે સારો જાણીને મોઇકલો તો, ક્યાં વીયો ગયો ખબર નથી'

"ધારાસભ્યને ચૂંટીને મોકલ્યો પછી અહીં પબ્લિકની સામે જ નથી આવ્યો. અમે એને ભાળ્યો જ નથી. ક્યાં જીતીને બખોલમાં ગરી ગયો છે કે જૂનાગઢની ગૂફામાં વયો ગયો છે, ક્યાંક બાવો થઈ ગયો, ખબર જ નથી."

"ધારાસભ્યને ચૂંટીને મોકલ્યો પછી અહીં પબ્લિકની સામે જ નથી આવ્યો. અમે એને ભાળ્યો જ નથી. ક્યાં જીતીને બખોલમાં ગરી ગયો છે કે જૂનાગઢની ગૂફામાં વયો ગયો છે, ક્યાંક બાવો થઈ ગયો, ખબર જ નથી."

  Gujarat Bypoll: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણી માટે સવારથી મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ન્યૂઝ18 ગુજરાતીએ મતદાન કરી રહેલા મતદારોના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કર્યો હતો. અલગ અલગ બેઠક પર મતદારોએ અલગ અલગ પ્રતિભાવ આપ્યા હતા. આ તમામ બેઠકો કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી પડી હતી. જે બાદમાં અધવચ્ચે જ અહીં ચૂંટણી કરવી પડી છે. મતદાન દરમિયાન મતદાતાઓએ ક્યાંક પોતે જેમને મત આપ્યો હતો તે ઉમેદવારો રાજીનામું ધરી દેતા નારાજગી વ્યક્ત કરી હતી તો અમુક જગ્યાએ મતદાતાઓએ કહ્યું હતું કે અમારા ધારાસભ્ય જે તે પક્ષમાં હતા ત્યારે કામ થતાં ન હતા હવે તેમના કામ થઈ રહ્યા છે. આ દરમિયાન ગઢડા બેઠક પર એક કાઠિયાવાડી બાપાએ પોતાના પૂર્વ ધારાસભ્ય સામે રોષ કાઢ્યો હતો.

  ગઢડા બેઠક પર ન્યૂઝ18 ગુજરાતી સંવાદદાતા ગીતા મહેતા સાથે વાતચીત કરતા એક મતદાતાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે લોકો મતદાન કરવા માટે બહાર નથી નીકળી રહ્યા. લોકોમાં ડરનો માહોલ છે. બીજા એક મતદાતાએ કહ્યું હતું કે, કોરોનાથી બહુ ડર લાગે છે, જો કોરોના થઈ જાય તો પરેશાન થઈ જવાય. આ સાથે આ યુવા મતદાતાએ એવું પણ જણાવ્યું હતું કે હું એકલો જ મતદાન કરવા માટે આવ્યો છે, કોરોનાને કારણે ઘરના વડીલોને બહાર કાઢ્યા નથી.

  કાઠિયાવાડી બાપાએ કહ્યું, 'ધારાસભ્યને સારો જાણીને મોકલ્યો, પછી દેખાયો જ નથી'

  ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા એક જાગૃત મતદાતા એવા વડીલે અસ્સલ કાઠિયાવાડી ભાષામાં પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, "ધારાસભ્યને ચૂંટીને મોકલ્યો પછી અહીં પબ્લિકની સામે જ નથી આવ્યો. અમે એને ભાળ્યો જ નથી. ક્યાં જીતીને બખોલમાં ગરી ગયો છે કે જૂનાગઢની ગૂફામાં વયો ગયો છે, ક્યાંક બાવો થઈ ગયો, ખબર જ નથી. આમા અમારે શું કરવું? તમે જ ક્યો! અહીં આવે તો અમારે અમારા ખરચે એનો જનમદિવસ ઉજવવો છે. જો આવે તો થાય ને. અમે સારો જાણીનો મોકલ્યો હતો, જાણે કે દીકરો ખોળે લીધો હોય. બીજાના દીકરાને ખોળે લઈએ એટલે લાલચ થાય કે કંઈક કામ કરશે આપણું. વડીલને કંઈક લાભ આપશે. સારો જાણીનો મોકલ્યો પરંતુ અઢી વર્ષમાં ક્યાં ખોવાય ગયો ખબર નથી."

  કોરોના સમયમાં મતદાન યોજાયું હોવા અંગે વડીલ મતદાતાએ જણાવ્યું હતું કે, "કોરોના હવે વીયો જાય તો સારું. અમે તો માનતા કરીએ છીએ. ખેતીમાં પણ કાંઈ નથી"

  પેટા ચૂંટણી મતદાન પર એક નજર

  રાજ્યની બે ST અને એક SCની બેઠક સહિત કુલ આઠ બેઠક પર મતદાન યોજાયું છે. સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલશે. આઠ બેઠકો પર કુલ 18,75,032 મતદારો મત આપશે, જેમાં 9,05,170 મહિલા અને 9,69,834 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. કુલ 3,024 મતદાન મથક પર મતદારો મતદાન કરશે. આ વખતે કોવિડની માર્ગદર્શિક મુજબ એક બૂથ પર 1,500ના બદલે 1,000 મતદારો જ મતદાન કરી શકશે. આ માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.

  મતદાન મથકોએ મતદારો માટે 3,400 થર્મલ ગન, 41 હજાર N-95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ ગ્લોઝ કર્મચારીઓ માટે વપરાશે. આ ઉપરાંત 21 લાખ પોલિથીન હેન્ડ ગ્લોઝ મતદારો માટે ફાળવવામાં આવ્યાં છે. માસ્ક વગર આવનાર મતદારોને બૂથ પર જ માસ્ક આપવામાં આવી રહ્યા છે. પોલિંગ પાર્ટી માટે આઠ હજાર પીપીઈ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે.

  કઈ બેઠક પર કોની કોની વચ્ચે ટક્કર?

  બેઠક----------ભાજપ-------------------કૉંગ્રેસ
  અબડાસા-----પ્રદ્યુમનસિંહ જાડેજા--------ડો.શાંતિલાલ સંઘાણી
  મોરબી--------બ્રિજેશ મેરજા------------જયંતીલાલ પટેલ
  ધારી----------જે.વી. કાકડિયા----------સુરેશ કોટડિયા
  કરજણ--------અક્ષય પટેલ-------------કિરીટસિંહ જાડેજા
  ગઢડા---------આત્મરામ પરમાર--------મોહનલાલ સોલંકી
  કપરાડા-------જિતુ ચૌધરી--------------બાબુભાઈ વરઠા
  ડાંગ-----------વિજય પટેલ-------------સૂર્યકાંત ગામીત
  લીંબડી--------કિરીટસિંહ રાણા---------ચેતન ખાચર
  First published: