Home /News /kutchh-saurastra /

Gujarat Election 2022: સોમનાથ બેઠક પર કોંગ્રેસ પકડ જાળવી શકશે? જાણો શું છે સ્થિતિ

Gujarat Election 2022: સોમનાથ બેઠક પર કોંગ્રેસ પકડ જાળવી શકશે? જાણો શું છે સ્થિતિ

  ગુજરાતમાં ભાજપ (BJP in Gujarat) દાસકાઓથી સત્તા ભોગવી રહ્યો છે. જયારે કોંગ્રેસ (Congress) 27 વર્ષથી સત્તાનો વનવાસમાં જોવા મળી છે. 2012ની ચૂંટણીની સરખામણીએ 2017ની વિધાનસભા ચૂંટણી (Vidhan Sabha Election)માં ભાજપની બેઠકો ઘટી હતી અને હવે 2022માં શું થઈ જાય તે નક્કી નથી. જોકે, ભાજપ છેલ્લી ચૂંટણીઓમાં મળેલા મતની ટકાવારીમાં વધારો થતા સંતુષ્ટ જોવા મળે છે. બીજી બાજુ કોંગ્રેસે ગત વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો, તેથી કોંગ્રેસ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. હવે ચાલુ વર્ષના અંત સુધીમાં યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે અને થોડા મહિનામાં જ તારીખો જાહેર થવાની છે.

  ચુંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચુકયું છે, ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ રાજકીય ગરમાવો આવી ગયો છે. સોમનાથ વિધાનસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર થવાનાં એંધાણ દેખાઈ રહ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટી પણ જોર લગાવશે એવું ફલિત થાય છે.

  અહીં ઉલ્લેખનીય છે કે, સોમનાથ વિધાનસભા મતવિસ્તારમાં સોમનાથ મંદિર પણ છે અને આ મંદિરે શીશ નમાવીને જ ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવાનો માર્ગ મોકળો થાય છે. આ મત વિસ્તારમાં સોમનાથ શહેર સાથે 56 ગામડા છે, ઉપરાંત વેરાવળ તાલુકાનો સમાવેશ પણ થાય છે.

  શું કહે છે જ્ઞાતિ જાતિના સમીકરણો?

  2013માં જૂનાગઢ જિલ્લાનું વિભાજન કરીને ગીર-સોમનાથ જિલ્લો બનાવવામાં આવ્યો હતો. આ જિલ્લામાં સોમનાથ, તલાલા, કોડિનારની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક અને ઉના બેઠકનો સમાવેશ થાય છે. ખાસ કરીને સોમનાથ વિધાનસભા બેઠક પર સૌની નજર હોય છે. સોમનાથ બેઠક પર 2.37 લાખથી વધુ મતદાતાઓ છે. અહીં કોળી, મુસ્લિમ, ખારવા, કારડીયા, આહીર સમાજના મતદાતાઓની સંખ્યા વધુ છે.

  તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીલક્ષી આહીર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. સાસણગીરના ફાર્મ હાઉસમાં યોજાયેલી બેઠકમાં સોમનાથ, તલાલા બેઠક પર ટિકિટની માંગ કરવામાં આવી છે. આહીર સમાજના આગેવાનોને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી.
  આ પણ વાંચો: Gujarat Assembly Elections 2022: જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ, જાણો રાજકીય ગણિત

  રાજકીય પક્ષોમાં પણ જ્ઞાતિ જાતિના સમીકરણો વિધાનસભા બેઠકની હાર જીત માટે મહત્વના પરિબળ સમાન સામે આવ્યા હતા. ગત વિધાનસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક આહીર સમાજની અવગણના થઇ હતી અને જેના ગંભીર પરિણામ સ્વરૂપ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાંથી સાત વિધાનસભા પર ભાજપનો કારમો પરાજય થયો હતો અને આ વાત ભારતીય જનતા પાર્ટીના મનોમંથનમાં પણ સામે આવી હતી. જુનાગઢ લોકસભાના વર્તમાન અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય સાંસદ રાજેશભાઇ ચુડાસમા એ ભાલકા તીર્થ ખાતેના વિશાળ સમારોહમાં જાહેર મંચ પરથી આહીર સમાજની અવગણના ભાજપને ભારે પડી હોવાનો ખુલ્લો સ્વીકાર પણ કર્યો હતો. બીજી તરફ અન્ય જ્ઞાતિના લોકો પણ પોતાના સમાજના આગેવાનને ટિકિટ માટે રજુઆત કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  સોમનાથ વિધાનસભા મતવિસ્તાર (સોમનાથ વિધાનસભા 90) ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે અને તે જૂનાગઢ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ કુલ 322492 વસ્તીમાંથી 42.39 ટકા ગ્રામીણ અને 57.61 ટકા શહેરી વસ્તી છે. અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 8.31 અને 1.8 છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 275 મતદાન મથકો છે.

  પંથકનું મોટું નામ છે જશાભાઈ બારડ

  સોમનાથ વિધાનસભા બેઠક હેઠળના મતવિસ્તારમાં જશાભાઈ બારડને મોટા આગેવાન ગણવામાં આવે છે. વર્ષ 1990માં જશાભાઈ જેડીમાંથી પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યાર બાદ તેઓ વર્ષ 1995માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. જશાભાઈ અનેક વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે અને સોમનાથના ધારાસભ્ય બન્યા છે.

  આ દરમિયાન 2012માં સોમનાથ બેઠક પર તેઓએ કોંગ્રેસ તરફથી ફરી ઉમેદવારી નોંધાવી હતી અને રાજશી જોટવાને હરાવ્યા હતા. જોકે એક વર્ષનાં ટુંકાગાળામાં મોદી લહેર સાથે તેઓએ કોંગ્રેસને બાયબાય કરી ભગવો ધારણ કરતા 2014માં સોમનાથ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી યોજાય હતી. જેમાં જશાભાઇ બારડે કોંગ્રેસના નીસાંત ચોટાયને 25 હજારથી વધારે મતોથી હરાવ્યા હતા. તેમણે 2014માં આનંદીબેન પટેલ કેબિનેટમાં કૃષિ, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જોકે, 2017ની ચૂંટણીમાં વિમલ ચુડાસમા સામે જસાભાઈ બારડનો પરાજય થયો હતો.
  આ પણ વાંચો: Gujarat Election: જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોણ મારશે બાજી, જાણો આ બેઠકનો રાજકીય ઈતિહાસ

  અહીં ઉલ્લેખનીય છે કે 2007 સુધી સોમનાથ વિધાનસભાની બેઠકનો એક ઈતિહાસ રહ્યો હતો. આ બેઠક પર 1975થી લઇ 2007 સુધીમાં એક ઉમેદવાર સિવાય અન્ય કોઇ ઉમેદવારને મતદારોએ બીજીવાર રીપીટ કર્યા નહોતા. અલબત્ત જ્યારે ઉમેદવારને રિપીટ કરાયા, ત્યારે જે તે ઉમેદવારના પક્ષ પણ અલગ- અલગ રહયા હતાં.

  પંથકમાં આમ આદમી પાર્ટીએ તાકાત વધારી

  ચૂંટણી નજીક આવતા આ પંથકમાં આમ આદમી પાર્ટીએ પણ તાકાત લગાવી છે. આમ આદમી પાર્ટીમાં સોમનાથના મોટા રાજકીય અને સામાજિક આગેવાન જોડાયા છે. ભાજપના પૂર્વ નેતા જગમલ વાળા વિધિવત રીતે આપમાં જોડાયા છે. જગમલ વાળાએ અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ અને સંસ્થાપક સદસ્ય કિશોરભાઈ દેસાઈએ ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું. જગમલ વાળા સોમનાથ વિધાનસભાની સીટની કમિટમેન્ટ સાથે જોડાયા હોવાનું જાણવા મળે છે. જગમલ વાળા વર્ષ 2012માં સોમનાથ બેઠક પર અપક્ષ લડ્યા હતા. વર્ષ 2017માં અપક્ષ ફોર્મ ભર્યું હતું અને બાદમાં કોંગ્રેસના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચ્યું હતું.

  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017વિમલ ચુડાસમાકોંગ્રેસ
  2012જસાભાઈ બારડકોંગ્રેસ
  2007જોટવા રાજસીભાઈભાજપ
  2002જસાભાઈ બારડકોંગ્રેસ
  1998ચુનીલાલ ગોહેલભાજપ
  1995જસાભાઈ બારડકોંગ્રેસ
  1990જસાભાઈ બારડજેડી
  1985એમ એફ બ્લોચકોંગ્રેસ
  1980રૂડાભાઈ વાઢેરજેએનપી
  1975અવશાવેગમસાહેબ શેખકોંગ્રેસ
  1972કેસર ડોડીયાકોંગ્રેસ
  1967કેસર ડોડીયાએસડબલ્યુએ
  1962રમણલાલ શાહકોંગ્રેસ

  અત્યાર સુધીના પરિણામ શું કહે છે?

  સોમનાથ વિધાનસભા બેઠક પર 2017ની ચૂંટણીમાં વિમલ ચુડાસમાએ ભાજપના જશાભાઈ બારડને પરાજય આપ્યો હતો. 2012માં જસાભાઈ બારડે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હતી અને રાજસી જોટવાને પરાજય આપ્યો હતો. જસાભાઈને 56701 અને રાજસી જોટવાને 54605 મત મળ્યા હતા. જ્યારે 2007માં રાજસી જોટવાએ જસાભાઈને હરાવ્યા હતા. આવી રીતે જસાભાઈ બારડ આ બેઠક પર ઘણી વખત જીત્યા છે, પરંતુ તેઓ મોટાભાગે અલગ અલગ પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા.
  આ પણ વાંચો: જાણો જૂનાગઢની માંગરોળ વિધાનસભા બેઠક પર પ્રજાના પ્રશ્નો અને સમજો અહીંની બેઠકનુ કેવું છે ગણિત

  First published:

  Tags: Gujarat Assembly Elections 2022

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन