ઉના તાલુકાના નાથળ અને સોનારી ગામ ખાતે ગ્રામજનોની વચ્ચે છોકરીને ભગાડી જવાના મુદ્દે મંગળવારે મારામારી થઈ હતી. આ મારામારી વખતે મોબાઇલ ફોનથી ઉતારવામાં આવેલી વીડિયો ક્લિપિંગ સામે આવતા લોકોમાં અચરજની સાથે સાથે ભયની લાગણી ફેલાઈ છે.
30થી વધારે લોકોને નાની મોટી ઈજા
ઉના તાલુકાના નાથળ અને સોનારી ગામના લોકો વચ્ચે મંગળવારે છોકરીને ભગાડી જવાના મામલે મારામારી થઈ હતી. આ ઘટનામાં બંને ગામના 30 કરતા વધુ લોકોને ઈજા પહોંચી હતી. હવે આ સમગ્ર મામલાની વીડિયો વાયરલ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને ગામની મહિલાઓ અને પુરુષો તેમજ યુવતીઓ હાથમાં લાકડાના ધોકા અને લોખંડના પાઇપ સાથે એકબીજા પર રીતસરના તૂટી પડ્યા હતા.
મારામારી એટલી હદે હિંસક હતી કે મહિલા કે પુરુષો એકમેકને મારવા માટે ઝનૂન પૂર્વક પ્રહારો કરી રહ્યા હતા. સમગ્ર મારામારીમાં ઘાયલ થયેલા લોકોમાંથી 11 જેટલા મહિલા અને પુરુષોને ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે આ કેસમાં કલમ 307 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છોકરીને ભગાડી જવાને મુદ્દે જૂથ અથડામણ થી હતી
પોલીસનું શું કહેવું છે?
પોલીસમાંથી મળતી માહિતી મુજબ સોનારી ગામે રહેતા કાનાભાઈ ચારણીયાની પુત્રીને નાથળ ગામના ભીમાભાઈનો દીકરો ભાવેશ ભગાડી ગયો હતો. યુવતીના પરિવારજનો છેલ્લા ત્રણ દિવસથી તેની શોધખોળ કરતા હતા. સોનારી ગામનો પરિવાર મંગળવારે દીકરીની શોધ કરી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં નાથળ રોડ પર 10 થી વધુ શખ્સો કુહાડી, છરી, લોખંડની પાઈપો અને લાકડાના ધોકા જેવા હથિયારો લઈને વાનીતાબેનના પરિવાર પર હુમલો કર્યો હતો. બંને પક્ષે સામસામે 15થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, જેની વધુ તાપસ પોલીસ કરી રહી છે.

મહિલાઓ અને યુવતીઓ પણ હાથમાં ધોકા અને પાઇપ સાથે જોવા મળી હતી
સ્ટોરીઃ દિનેશ સોલંકી, ગીર સોમનાથ