Bhavesh Vala, Gir Somnath: ગીરસોમનાથ જિલ્લાના તાલાળા નજીક રમળેચી ગામ આવેલું છે. અહીંની પ્રાથમિક શાળામાં કુલ સંખ્યાના 50 ટકાથી વધુ બાળકો શહેરી વિસ્તારમાંથી અભ્યાસ અર્થે પહોંચી રહ્યા છે. રમળેચી પ્રાથમિક શાળાના આચાર્ય સામતભાઈ જાખોત્રાએ News18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે શાળામાં 704 જેટલા વિદ્યાર્થીઓ છે. જેમાંથી રમળેચી ગામના 340 બાળકો અને 360 જેટલા બાળકો તાલાલા શહેરમાંથી અભ્યાસ માટે આવી રહ્યા છે. ખાનગી શાળા છોડી વાલીઓ સરકારી શાળામાં પ્રવેશ લેવડાવે છે. દર વર્ષે 100 જેટલા બાળકો ખાનગી શાળા છોડી રમળેચી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે છે.
શાળાના બિલ્ડીંગમાં દરેક વર્ગખંડમાં સીસીટીવી કેમેરા છે. તેમજ દરેક વર્ગખંડની અંદર સ્પીકર રાખવામાં આવ્યા છે. શાળા ઈન્ટરનેટ કનેક્શનથી જોડાયેલ છે. રમળેચી પ્રાથમિક શાળાની અંદર બે વર્ગ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ઈ-લર્નિંગ ક્લાસીસ પણ છે. શાળામાં જે સુવિધા ઉભી કરવામાં આવી છે. જેની અંદર ગામનો મોટો સહકાર છે. લોકભાગીદારીથી અત્યાર સુધીમાં 6 લાખથી વધુના કામો કરવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે વાત કરવામાં આવે તો દર મહિને શિક્ષકોને પોતાની કરેલી પ્રવૃત્તિ માટે બિરદાવવામાં આવે છે.
પ્રાર્થના સભામાં પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાય છે. ઉપરાંત બાળકોને હાજરી બાબતે અને સારી પ્રવૃત્તિ અંગે પણ બિરદાવવામાં આવે છે. શાળામાં છાત્રના જન્મદિવસ નિમિત્તે કાર્ડ અને ગીફ્ટ અર્પણ કરાય છે. છેલ્લા એક વર્ષમાં શાળાને જન્મદિવસ નિમિત્તે વાલી તરફથી 35 હજારથી વધુ ભંડોળ મળ્યું છે. જે શાળામાં લાઇબ્રેરી માટે વાપરવામાં આવે છે. ઉપરાંત શાળામાં રામ હાર્ટ નામની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. જેમાં બંદર ભેગું થાય તે શાળાની વિજ્ઞાન લેબ ઊભી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં રમળેચી પ્રાથમિક શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે અહી વાલીઓનો એડમિશન લેવા માટે ઘસારો જોવા મળે છે.
અત્યારે પણ 200 જેટલા બાળકો એડમિશન લેવા માટે હરોળમાં છે. આ ઉપરાંત શાળાને 2016માં રાજ્ય સરકાર તરફથી સ્વચ્છ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમજ પ્રાથમિક શાળાને 6 વર્ષથી વધુ સમયગાળામાં શ્રેષ્ઠ આચાર્ય, શ્રેષ્ઠ શિક્ષક મળી જુદા જુદા 14 જેટલા એવોર્ડ પ્રાપ્ત થયા છે. 2014 માં શાળાની સંખ્યા 131 હતી. જે અત્યારે 704 પર પહોંચી ગઇ છે. રમળેચી પ્રાથમિક શાળાના છાત્રો રાજયકક્ષા એક વખત અને જિલ્લા કક્ષાએ બે વખત વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.
અત્યારે અહીંની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં 87, ધોરણ 2માં 85, ધોરણ 3માં 85, ધોરણ 4માં 90, ધોરણ 5માં 89, ધોરણ 6માં 92, ધોરણ 7માં 89 અને ધોરણ 8માં 82 છાત્રો અભ્યાસ કરે છે. શાળાની કુલ સંખ્યા 704માંથી 360 છાત્રો શહેરમાંથી ગામડે અભ્યાસ અર્થે આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર