ગીર સોમનાથ: મોતનો બ્રિજ, ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કારની આપી ચીમકી

 • Share this:
  ગીર સોમનાથના નાના સમઢીયાળા ગામને શહેર સાથે જોડતો બ્રીજ 4 વર્ષથી ધરાશાઇ થતા ચોમાસામાં અનેક ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસામાં ગામ લોકોને જીવના જોખમે માલણ નદી પસાર કરવી પડે છે. ત્યારે ચાર વર્ષ વીતવા છતાય આ બ્રિજની સ્થિતિ ઠેરની ઠેર છે. ગામલોકોએ વારંવાર સરકાર અને તંત્રને જાણ કરી છે પરંતુ તંત્ર તરફથી કોઇ કામગીરી ન થતા આ બ્રિજ બની ગયો છે મોતનો બ્રિજ. અત્યાર સુધી ત્રણ વખત આ બ્રિજ તૂટ્યો અને બન્યો, ત્યારે હવે માલણ નદી પસાર કરતા ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ બ્રિજનું કામ તત્કાલ કરવામાં નહી આવે તો તેઓ આગામી 15 જુલાઇએ યોજાનાર સરપંચની ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરશે.

  ગીર સોમનાથના છેવાડે આવેલા નાના સમઢીયાળા ગામ સહીત 8 ગામના લોકોને શહેર સાથે જોડતો બ્રીજ છેલ્લા 4 વર્ષથી આ સ્થિતિમાં છે માલણ નદીમાં ભારે પાણી આવતા બ્રિજ ધરાશાઈ થયો હતો, પરંતુ ચાર-ચાર વર્ષ વીતવા છતાંય આ બ્રિજ આ જ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે, ગામ લોકો વારંવાર સરકાર અને તંત્ર ને જાણ કરી રહયા છે કે હજારો લોકો અહીંથી પસાર થાય છે જેથી આ બ્રિજ બનાવી આપવામાં આવે કારણ કે ચોમાસામાં આ બ્રિજ બની જાય છે મોતનો બ્રિજ.

  નાના સમઢીયાળા ગામના લોકોના જણાવ્યા પ્રમાણે 8 ગામના લોકો આ બ્રિજનો સહારો લઈ ઉના અને ગીર ગઢડા શહેરમાં જાય છે, અન્ય રસ્તો પણ નથી, એક રસ્તો છે જે દૂર દૂર ગ્રામ્ય પંથકોમાં ફરવું પડે છે આશરે 15 કિમિ લંબાવું પડે તેમ છે, ચાર વર્ષ પહેલા બ્રિજ તૂટ્યો હતો તે સમયે મંત્રી જશા બારડ અને અન્ય ભાજપના નેતાઓએ આ બ્રિજની મુલાકાત લઈ બ્રિજ બનાવવાની ખાતરી આપી હતી, પરંતુ તે પછી ન તો જશાભાઇ આવ્યા કે નતો બ્રિજ બન્યો, ચોમાસામાં ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓને દવાખાને લઈ જવા માટે પણ કોઈ સુવિધા નથી, ના છૂટકે ગળા ડૂબી પાણીમાં પડી આ નદી પસાર કરવી પડે છે 2 હજારની સાલમાં પ્રથમ વખત અહીં બ્રિજ નિર્માણ પામ્યો અને અત્યાર સુધીમાં ત્રણ વખત બ્રિજ બન્યો અને તૂટ્યો. હલકી ગુણવતાનું કામ હોવાના કારણે આ બ્રિજ વારંવાર ધરાશાઈ થઇ રહ્યો છે.

  ક્યાં ક્યાં ગામો થાય છે પ્રભાવિત
  નાના સમઢીયાળા, લુવારી મૌલી, કાંકરી મોલી,નાળિયેરી મોલી,ચોરાળી મોલી, મોટી મોલી, છાણાં વાંકિયા

  બ્રિજ કેમ નથી બનાવાઈ રહ્યો તે જાણવા અમારી ટીમે સરકારી બાબુઓનો સંપર્ક કર્યો તો ગીર ગઢડા મામલતદાર અને ઉના ડેપ્યુટી કલેકટરે કેમેરા સામે બોલવા ઇન્કાર કર્યો અને કહ્યું આ કામ આરએમબી વિભાગનું છે, તો તે જ કહી શકે, અમે આરએમબી વિભાગનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે, આરએમબી વિભાગના અધિકારી ગેરહાજર છે અને રાજકોટ છે. આ તમામ સરકારી અધિકારીઓ કેમેરા સામે આવવા ઇન્કાર કરી એક બીજા પર ખો નાખી રહયા છે અને બીજી તરફ ચોમાસામાં અનેક ગામના લોકોની ખો નીકળી રહી છે.
  Published by:kiran mehta
  First published: