સરકાર ખેડૂતો માટે કરોડોની યોજનાઓ અને લાભ આપવાનો દાવો કરી રહી છે. જેની બીજી તરફ ગામડાના ખેડૂતો પાક નિષ્ફળ જતાં આપઘાત જેટલું દર્દનાક પગલું ભરતા પણ ખચકાતા નથી. ગઇકાલે મોડી રાતે ગઢડાના ગુદાળા ગામે ખેડૂતે પાક નિષ્ફળ જતા આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ગઢડાના ગુદાળા ગામના એક ખેડૂતે ગઇકાલે મોડી રાતે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. આ આપઘાત પાછળના કારણમાં ઓછા વરસાદને કારણે પાંચ વિઘાનો પાક નિષ્ફળ જતા અંતિમ પગલું લીધાનું સામે આવી રહ્યું છે. આ મામલે ગઢડા પોલીસે ગુનો નોંધીને ફરિયાદ હાથ ધરી છે.
હાલ પોલીસ તેમના પરિવાર અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.
તાજેતરમાં સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે દુષ્કાળ, પાક નિષ્ફળ જવાથી કે દેવામાં ડૂબી જવા સહિતના કારણોને લીધે ખેડૂતોનાં મોત અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો 2014થી 2017 દરમિયાન 132 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. 2014થી 2016 દરમિયાન 1177 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2015ના વર્ષ કરતા વર્ષ 2016માં 35.5 ટકાનો વધારો થયો હતો. આ આંકડા એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર