ખેડૂતોના આંદોલનની આગ ગુજરાત પહોંચી, શાકભાજી અને દૂધ રસ્તા પર ઢોળી વિરોધ

ગીર-સોમનાથમાં ખેડૂતોનો વિરોધ

 • Share this:
  સ્વામીનાથન કમિશનની ભલામણો લાગૂ કરવાની માંગ સાથે દેશભરના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રથમ જૂનથી શરૂ થયેલું ખેડૂતોનું વિરોધ પ્રદર્શન 10મી જૂન સુધી ચાલશે. આ દરમિયાન ખેડૂતો અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. ગુજરાતમાં પણ હવે ખેડૂતોના આંદોલનની અસર જોવા મળી રહી છે. રવિવારે અમરેલીમાં થયેલા દેખાવો બાદ આજે ભાવનગર, ગીર-સોમનાથ સહિત જગ્યાએ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોના આંદોલનને પગલે સરકાર હરકતમાં આવી છે, તેમજ આઈબીને ખેડૂતોના આંદોલન પર ચાંપતી નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.

  પડવા જમીન સંપાદન મામલે ખેડૂતોનો વિરોધ

  ભાવનગરના પડવા ખાતે જમીન સંપાદન મામલે ચાલી રહેલી લડતમાં આજે બાડી ગામ ખાતે ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો. આ પહેલા પણ ખેડૂતો અનેક વખત વિરોધ નોંધાવી ચુક્યા છે, પરંતુ આ વખતે ખેડૂતોએ અલગ જ રીતે જમીન સંપાદનનો વિરોધ નોંધાવ્યો છે.

  ગીર-સોમનાથમાં ખેડૂતોએ દૂધ રસ્તા પર ઢોળી દીધું

  ગીર સોમનાથમાં ખેડૂતોએ પોષણક્ષમ ભાવ નહીં મળતા હવે અન્ય રાજ્યમાં ચાલી રહેલા પ્રદર્શનનું હથિયાર ઉગામવાનું નક્કી કર્યું છે. આજે કોડીનાર સુગર ફેક્ટરી રોડ પર ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. ખેડૂતોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. એટલું જ નહીં અહીંના ખેડૂતોએ દૂધ અને શાકભાજી નહીં વેચવાનું નક્કી કર્યું છે. બીજી તરફ ટેમ્પોના માલિકો પણ દૂધ ભરવાનું ટાળી રહ્યા છે.  સરકારે આઈબીને કામ લગાડી

  રાજ્યમાં ધીમે ધીમે વકરી રહેલા ખેડૂતોના વિરોધના પગલે રૂપાણી સરકાર ચિંતામાં મૂકાઈ છે. આ માટે જ ખેડૂતોના આંદલનની માહિતી એકઠી કરવા માટે આઈબીને સૂચના આપી દેવામાં આવી છે. નાના કે મોટા તમામ ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતા આંદોલનની રજે રજની માહિતી એકઠી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આઈબીની સાથે સાથે ભાજપનું સંગઠન પણ કામે લાગ્યું છે. સરકારે આંદોલન પાછળ કોઈ રાજકીય પક્ષની ભૂમિકા છે કે નહીં તેની તપાસના પણ આદેશ કર્યા છે.

  શું છે સ્વામીનાથન કમિશનની ભલામણ?

  પ્રોફેસર એમ એસ સ્વામીનાથન ભારતીય ગ્રીન ક્રાંતિના જનક છે. તેમના વડપણ હેઠળ નવેમ્બર 2004ના રોજ ફાર્મર કમિશન બનાવવામાં આવ્યું હતું. કમિશન ઓક્ટોબર 2006માં પોતાનો રિપોર્ટ આપી દીધો હતો. પરંતુ અત્યાર સુધી તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો નથી.

  કમિશનની ભલામણોઃ

  - પાકની ઉત્પાદન કિંમતથી 50 ટકા વધારે કિંમત ખેડૂતોને આપવામાં આવે.
  - ખેડૂતોના સારી ગુણવત્તાનું બિયારણ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે.
  - ગામડાઓમાં ખેડૂતોની મદદ માટે ગ્રામ્ય માહિતી કેન્દ્ર (વિલેજ નોલેજ સેન્ટર) બનાવવામાં આવે.
  - મહિલા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ બહાર પાડવામાં આવે.
  - ખેડૂતો માટે કૃષિ જોખમ ફંડ ઉભું કરવામાં આવે, જેના કારણે કુદરતી આફતના સમયે ખેડૂતોની મદદ કરી શકાય.
  - સરપ્લસ તેમજ પડતર જમીનના ટુકડાઓનું વિતરણ કરવામાં આવે.
  - ખેતીલાયક જમીન તેમજ જંગલની જમિનને બિન-ખેતીના ઉદેશ્ય માટે કોર્પોરેટ્સને સોંપવામાં ન આવે.
  - પાક વીમાની સુવિધા આખા દેશમાં દરેક પાક માટે આપવામાં આવે.
  - દરેક ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂત માટે ખેતી કરજની વ્યવસ્થા કરવામાં આવે.
  - સરકારની મદદથી ખેડૂતોને આપવામાં આવતા કરજ પર વ્યાજદર ઘટાડીને ચાર ટકા કરવામાં આવે.
  - કુદરતી આફતના સમયમાં પરિસ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી કરજ વસુલાત અને વ્યાજ વસુલાતમાં રાહત ચાલુ રહે.
  - સતત કુદરતી આફતના સમયમાં ખેડૂતોની મદદ માટે એક અગ્રિકલ્ચર રિસ્ક ફંડ ઉભું કરવામાં આવે.
  Published by:Vinod Zankhaliya
  First published: