ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલાલા તાલુકાની એક યુવતી વડોદરામાં નોકરી કરતી હતી. જેને પ્રેમી સાથે મળીને પોતાનું અપહરણ કરીને પિતા પાસેથી અઢી કરોડ રૂપિયા પડાવ્યાંનું સામે આવ્યું છે. જોકે પિતાએ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે આખો ભેદ ખોલ્યો છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે તાલાલા તાલુકાના ઘુસીયા ગામના રાણાભાઇ નગાભાઇ બારડ નામના યુવાને સગી બહેન દિશા તથા તેના પ્રેમી અમરેલીમા ચિતલ રોડ પર શ્રીરંગ સોસાયટીમા બ્લોક નં-61માં રહેતા આકાશ મહેન્દ્રભાઇ આવટે સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે તેની 19 વર્ષની બહેન દિશા વડોદરાની એક કંપનીમાં નોકરી કરતી હતી. ગત 23મીએ રાત્રે તેણે પિતાને ફોન કર્યો હતો કે હું અમદાવાદથી ઘરે આવવા નીકળી હતી પરંતુ મારૂ અપહરણ થયું છે. અને તે લોકો કહે છે તારા પપ્પા અઢી કરોડ રૂપિયા મોકલાવે પછી જ જવા દઇશું. આટલુ કહી ફોન કાપી નાખ્યો હતો.
જે પછી પિતાને હિન્દીમાં બોલતા એક યુવાનનો પણ ફોન આવ્યો હતો. દીકરીનાં પણ પિતા પર અનેકવાર ફોન આવતા અને બંન્ને જણ અઢી કરોડની માંગણી કરતા હતા. અંતે તેમને અઢી કરોડ રૂપિયા લઇને અમરેલીમાં ધારી રોડ પર આવી જવા કહ્યું હતું. જેને કારણે રાણાભાઇ અને પિતા અમરેલી પોલીસ સ્ટેશને પહોંચીને તમામ માહિતી આપી હતી. પોલીસે જે બાદ મોબાઇલ નંબરનાં આધારે તપાસ કરતા દિશા અને આકાશ બંન્ને અમરેલીમાંથી ઝડપી પાડવામાં આવ્યાં હતાં.