Gir-Somnath News: ગીર-સોમનાથ જિલ્લાના એક ગામમાં છાકટા બનેલા કેટલાક નબીરાઓએ હાથમાં દારૂ અને બિયરની બોટલો લઈને જાણે કે દારૂનો વરસાદ કર્યો હતો. નબીરા ધમાચકડી મચાવતા હોય તેવા વીડિયો સામે આવતા ખળભળાટ.
અમદાવાદ: ગુજરાતના ગીર-સોમનાથ (Gir-Somnath) જિલ્લાના ઉના ખાતે યોજાયેલા એક લગ્નના અમુક વીડિયો (Viral video) હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમે ફિલ્મો કે પછી કોઈ વીડિયોમાં પાર્ટીઓમાં દારૂનો છોળો ઊડતી હોવાના દ્રશ્યો જોયા હશે. ગુજરાતમાં દારૂબંધી (Gujarat dry state) હોવાથી અહીં આવા દ્રશ્યો જોવા મળે તે અપેક્ષિત નથી. મળતી માહિતી પ્રમાણે ઉના તાલુકાના કાલાપણ ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં દારૂની છોલો ઉડી હતી. અહીં છાકટા બનેલા કેટલાક નબીરાઓએ હાથમાં દારૂ અને બિયરની બોટલો લઈને જાણે કે દારૂનો વરસાદ કર્યો હતો. છાકટા બનેલા નબીરા ધમાચકડી મચાવતા હોય તેવા વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ દ્રશ્યો જોઈને તમારા દિમાગમાં ચોક્કસ એવો સવાલ થશે કે શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે?
દારૂબંધીના ધજાગરા
મળતી માહિતી પ્રમાણે વાયરલ થયેલો વીડિયો ઉના તાલુકાના કાલાપણ ગામનો છે. આ વીડિયો વાયરલ થયા બાદ જાણે કે ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. બીજી તરફ વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ પણ પોતાની આબરૂ સાચવવા માટે દોડતી થઈ છે. આ મામલે બે શકમંદની અટકાયત કરવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થઈ છે. બીજી તરફ વીડિયો વાયરલ થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં ફક્ત કાગળ પર જ દારૂબંધી હોવાની ચર્ચા જાગી છે. આમ તો ગુજરાતમાં દરરોજ કોઈને કોઈ સ્થળેથી દેશી અને વિદેશી દારૂ ઝડપાતો રહે છે તે અલગ વાત છે.
દારૂનો વરસાદ!
ઉના તાલુકાના એક ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેના જોતા એવું જ લાગે કે જાણી દારૂનો વરસાદ થઈ રહ્યો છે! નબીરાઓ પોતાની પાસે રહેલી બોટલોમાંથી દારૂ અને બીયરના ફૂવારા ઉડાડી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે યુવાનો એક ગીત પર નાચી રહ્યા છે. આ દરમિયાન તેઓ એકબીજા પર દારૂ ઉડાડી રહ્યા છે. અમુક યુવાનો જાહેરમાં દારૂના ઘૂંટ મારતા પણ નજરે પડે છે. વીડિયો જોતા એવું લાગે કે આ તમામને કાયદાનો કોઈ ડર જ નથી.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ વીડિયો મામલે બે લોકોની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે, પોલીસ આ કેસમાં બે લોકો જ નહીં પરંતુ વીડિયોમાં હાથમાં દારૂની બોટલ સાથે છાકટા બનેલા તમામની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દાખલો બેસાડે તે જરૂરી છે.
માતા-પિતાની જવાબદારી!
આ વીડિયો મામલે સમાજના આગેવાનોનું કહેવું છે કે પોલીસ પહેલા વીડિયોમાં દારૂની છોળો ઉડાવી રહેલા યુવાનોના માતાપિતાની એવી જવાબદારી છે કે તેમના સંતાનોને સમજાવે અને સારા સંસ્કાર આપે. પોલીસ આ કેસમાં તપાસ કરશે તે પહેલા છાકટા બન્યા હતા તે યુવાનોના માતાપિતાની ફરજ છે કે તેમના સંતાનોને પતન તરફ જતા રસ્તેથી પાછા વાળે. આ કેસમાં પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે પછી કાર્યવાહી કર્યાંનું નાટક કરે છે એ તો સમય જ બતાવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર