મુંબઇમાં ક્લાસ વનની નોકરી છોડી ગીરમાં RFO બનનાર ડો.રાજન જાદવ કોણ છે?

ડો. રાજન જાદવે કહ્યું કે, "હું પ્રકૃતિ પાસેથી શીખ્યો છે કે, બધુય પ્રકૃતિ કરે છે. કુદરત ડાયનામિક છે. હું જેટલો પ્રકૃતિની નજીક રહીશ તેટલું વધારે શીખીશ."

News18 Gujarati
Updated: September 14, 2018, 4:22 PM IST
મુંબઇમાં ક્લાસ વનની નોકરી છોડી ગીરમાં RFO બનનાર ડો.રાજન જાદવ કોણ છે?
ડો. રાજન જાદવ હાલ ગીર જંગલમાં બાબરિયા રેન્જમાં RFO છે.
News18 Gujarati
Updated: September 14, 2018, 4:22 PM IST
વિજયસિંહ પરમાર

નોકરશાહીમાં દરેક વ્યક્તિની મહેચ્છા જે સ્થાન પર છે તેનાથી ઉચ્ચ હોદ્દા પર જવાની હોય છે અને એ હોદ્દો અને સ્ટેટસ પ્રાપ્ત કરવા માટે એ તમામ પ્રયાસો કરે છે. આ એક માનવ સહજ સ્વભાવ છે. પણ તમે ક્યારેય એવુ સાંભળ્યું છે, કે કોઇ વ્યક્તિએ ક્લાસ વન અધિકારીની નોકરી છોડી, એ હોદ્દાથી નીચે ગણાતી ક્લાસ ટૂ (વર્ગ 2)ની નોકરી સ્વીકારી હોય ? જો કોઇ આવુ કરે, તો લોકો તેને કદાચ અવ્યવહારુ અને પાગલ જ કહે. પણ ગીર જંગલમાં બાબરિયા રેન્જમાં પ્રોબેશનરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. રાજન જાદવની કહાની કંઇક આવી જ છે.

થોડા મહિનાઓ પહેલા, ગીર જંગલમાં સિંહોને મુરઘીઓ બતાવી ગેરકાયદે લાયન શો કરનારા લોકોને પકડનાર અને ગીરનાં ઇતિહાસમાં કદાચ પહેલીવાર સિંહદર્શન જેવા કિસ્સામાં આરોપીને હાઇકોર્ટ સુંધી જામીન ન મળ્યા તે માટે મહત્વની ભૂમિકા ભજવનાર ડો. રાજન જાદવનાં જીવનની વાત રસપ્રદ અને પ્રેરક છે. રાજન જાદવ હાલ શું કામ કરે છે તેની સાથે સાથે તેઓ શું ત્યજીને આવ્યા છે એ પણ અત્યંત મહત્વનું છે.

સમગ્ર દક્ષિણ એશિયાનાં દેશોમાં સૌથી મોંઘા ગણાતા ફોર્ટ મુંબઇ વિસ્તારમાં આલિશાન સરકારી ઓફિસ ધરાવનાર રાજન જાદવે ક્લાસ વન ઓફિસર (વર્ગ 1)ની નોકરી છોડીને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ક્લાસ ટુ (વર્ગ 2)ની નોકરી સ્વીકારી છે. રાજન જાદવ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં ડાયરેક્ટર (તાલીમ) તરીકે મુંબઇમાં ફરજ બજાવતા હતા. સમગ્ર દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને મજબૂત કરવી અને એ માટે નીતિ ઘડવામાં ભૂમિકા અદા કરવાની જવાબદારી ડાયરેક્ટર (તાલીમ)ની હોય છે. હોદ્દાની રૂએ રાજન જાદવને એક આઇ.એ.એસ (ઇન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ) ઓફિસર જેવી જ સવલતો મળે. નોકરશાહીમાં હોદ્દા અને સ્ટેટ્સનું બહુ જ મહત્વ હોય. પણ આ હોદ્દા અને સ્ટેટસને બાજુ પર મૂકી, અંતરના અવાજને સાંભળી રાજન જાદવે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નોકરી સ્વીકારી.

ડો. રાજન જાદવે ક્લાસ વન અધિકારીની નોકરી છોડી આર.એફ.ઓની નોકરી પસંદ કરી


હાલ, રાજન જાદવ ગીર પશ્ચિમ વિભાગ હેઠળ આવતી બાબરિયા ફોરેસ્ટ રેન્જમાં આર.એફ.ઓ તરીકે ફરજ બજાવે છે. મહત્વની વાત એ છે કે, એક તરફ મુંબઇના અત્યંત પોશ ગણાતા ફોર્ટ મુંબઇ વિસ્તારની જીવનશૈલીને બાજુ પર મૂકી, હાલ તેઓ એવી જગ્યાએ ગીર જંગલમાં નોકરી કરે છે કે, જ્યાં મોબાઇલનું કવરેજ પણ આવતું નથી.
આમ કરવા પાછળનું કોઇ કારણ ?

રાજન જાદવે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, “ઓલ ઇન્ડિયા ઇન્સ્ટટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ (AIILSG)માં મારી જવાબદારી નીતિ ઘડવાની હતી. જ્યારે હાલમાં આર.એફ.ઓ તરીકે મારે સરકાર દ્વારા ઘડાયેલી નીતિનો અમલ કરવાનો છે. દરેક ક્ષેત્રમાં જે લોકો ફિલ્ડ ઉપર નોકરી કરે છે તેમની ભૂમિકા મહત્વની અને એક રીતે ચેલેન્જ વાળી હોય છે. વળી, મેં નાનપણથી જ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીર જંગલમાં ખુબ રખડપટ્ટી કરી છે એટલે આર.એફ.ઓની નોકરી મળશે તો મને જંગલમાં રહેવા મળશે એવી કોઇ ઘેલછાથી પ્રેરાઇને મેં આ નોકરી સ્વીકારી નથી. મારા પી.એચ.ડીનો થિસીસ “ઇકોલોજિકલ સ્ટેટ્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રાસલેન્ડ વિડી ઇન કન્ઝર્વેશન ઓફ એવીફોના ઓફ સૌરાષ્ટ્ર રિજીયન” પર કર્યો છે. મેં જોયુ છે કે, ફોરેસ્ટ વિભાગમાં બહારથી રહીને કહેવું અને અંદર રહીને કરવુ એ બંને વચ્ચે તફાવત હોય છે. સિસ્ટમમાં રહીને કંઇક કરી શકાય એ ઉદ્દેશ્યથી મેં આર.એફ.ઓફ તરીકેની નોકરી સ્વીકારી છે અને મને અનો આનંદ છે.”

ડો. રાજન જાદવે બાયોટેકનોલોજી અને ઝૂઓલોજી એમ ડબલ ગ્રેજ્યુએશન કર્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં બાયો-સાયન્સ વિભાગમાંથી એનીમલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. 2007નાં વર્ષમાં ડો. રાજન જાદવે ઇકોલોજિકલ સોસાયટી ઓફ અમેરિકાનાં આમતંત્રથી કેલિફોર્નિયામાં યોજાયેલી એક કોન્ફરન્સમાં વાઇલ્ડ લાઇફ હેબિટેટ પર પેપર રજૂ કર્યુ હતુ.

તાજેતરમાં ગીર જંગલમાં મુરઘીઓ બતાવી ગેરકાયદે સિંહ દર્શન કરનારાનો રાજન જાદવે પર્દાફાશ કર્યો હતો


જીવનના શરૂઆતના તબક્કા વિશે વાત કરતા રાજન જાદવ કહે છે: “નાનપણથી લઇને છેક કોલેજનાં અભ્યાસ સુંધી નિરુદ્દેશે જંગલની રખડપટ્ટી જ કરી છે. કોઇ ધ્યેય નહોતું. પણ પોસ્ટ ગ્રેજ્યુએશનનાં અભ્યાસ દરમિયાન ડો. વી.સી સોની સાથેના સંપર્ક પછી અને તેમના માર્ગદર્શન થકી જંગલની રખડપટ્ટીને એક નવી દિશા અને ધ્યેય મળ્યાં. ડો. વી.સી.સોની સાહેબે સમજાવ્યુ કે, ગામમાં ઢોર ચરાવતો એક વ્યક્તિ પક્ષી જુએ અને તમે પણ એક પક્ષી જુઓ એ બંનેમાં ફર્ક હોવો જોઇએ. તમે પક્ષી નિરીક્ષણ કરી વૈજ્ઞાનિક અભિગમથી એ પક્ષીની પ્રજાતિના સરંક્ષણમાં યોગદાન આપી શકો છે. આ મહત્વનો દ્રષ્ટિકોણ મળ્યો. તેમણે શીખવ્યુ કે, વાઇલ્ડલાઇફ એક દરિયો છે. તેનું તળિયું ન હોય. જેટલા ઉંડા ઉતરશો એટલા ઉંડા ઉતરી શકો.”.

“હું આજે જે કાંઇ પણ કરુ છું તેમાં મારા પિતાનું મોટુ યોગદાન છે. કેમ કે, તેમણે મને ક્યારેય કશુ કરતા રોક્યો નહીં. ક્યારેય ભણતરનો ભણતરનો ભાર મારા પર મૂક્યો નહી. મારી અલગારી તેમને આભારી છે. કમનસીબે, જે દિવસે હું આર.એફ.ઓ તરીકે નોકરી પર હાજર થયો તે જ દિવસે (12 એપ્રિલ) તેમનું હિમાયલમાં ટ્રેકીંગ દરમિયાન દેહાવસાન થયું.’’ ડો રાજન જાદવે તેમના પિતાજી વિશે વાત કરતા કહ્યું.

“પ્રકૃતિમાંથી હું એટલુ શીખ્યો છે કે, બધુય પ્રકૃતિ કરે છે અને એ ડાયનામિક છે. હું જેટલો પ્રકૃતિની નજીક રહીશ તેટલું વધારે શીખીશ. આ દેશમાં મેં એટલુ જોય છે કે, લોકો હજુય વન્યપ્રાણીઓ પ્રત્યે સહિષ્ણુ છે. વન્યપ્રાણી સરંક્ષણ માટે આ એક મોટી વાત છે.” ડો. રાજન જાદવે અંતમાં જણાવ્યું.

ડો. રાજન જાદવ જેવા અભ્યાસુ અને સમર્પિત અધિકારી જ્યાં સુંધી ગુજરાત વન વિભાગ પાસે છે ત્યા સુંધી વન્યપ્રાણી સરંક્ષણ કે પ્રકૃતિ સરંક્ષણ માટે એક આશા કાયમ બંધાયેલી રહેશે.

આ પણ વાંચો:

મુરઘી આપી સિંહની પજવણીને સેશન્સ કોર્ટે ગંભીર ગણી: બીજી વખત આરોપીના જામીન ફગાવ્યા

શિંગોડા ડેમ મામલે સરકારે વેર વાળ્યું: DCF નાલાની ગાંધીનગર બદલી
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...