Home /News /kutchh-saurastra /ગુજરાત સરકારની આ યોજના અંતર્ગત સુરતના વડીલો સોમનાથના દર્શન કરી ધન્ય બન્યા
ગુજરાત સરકારની આ યોજના અંતર્ગત સુરતના વડીલો સોમનાથના દર્શન કરી ધન્ય બન્યા
ગુજરાત શ્રવણ તીર્થ યોજનાનો લાભ લેવા માગતા લાભાર્થીઓ ગુજરાત રાજ્યના વતની હોવા આવશ્યક છે.
નાગરિકો 30 લોકોનું ગ્રુપ બનાવીને ગુજરાતનાં તીર્થ સ્થાનોના દર્શને ખૂબ જ નજીવા ખર્ચે જઈ શકે છે. આજ રીતે સુરતથી 30 જેટલી બસોમાં સોમનાથ દર્શને કેટલાક વરિષ્ઠ નાગરિકો આ યોજના અંતર્ગત પધાર્યા હતા. તેઓ સુરતથી ચોટીલા, ગોંડલ, ખોડલધામ અને સોમનાથ પધાર્યા હતા.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા રાજ્યના વડીલો માટે એક સુંદર યોજના અમલમાં મૂકી છે. જેનો સારો એવો લાભ ગુજરાતના વરિષ્ઠ નાગરિકોને મળી રહ્યો છે. આજે આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાતના વડીલો સોમનાથ દાદાના દર્શને પધાર્યા હતા. વડીલો સોમનાથ (Somnath)ના દર્શન કરી ધન્ય બન્યા હતા. તો ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) ને આ યોજના અમલમાં લાવવા બદલ આશિષ સહ અભિનંદન પાઠવ્યા હતા.
"મોટે ભાગે સરકારી યોજનાઓ હથેળીમાં ચાંદ બતાવનારી અને દિવાસ્વપ્ન સમાન હોય છે." આવું વર્ષોથી દેશના નાગરિકો માનતા આવ્યા છે. અને પંદર વીસ વર્ષ પહેલા કેટલાક નાગરિકોને આવી અનુભૂતિ પણ થઈ હશે! પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે-જે યોજનાઓ બહાર પાડવામાં આવી તેનું પૂર્ણ અમલીકરણ પણ થઈ રહ્યું છે. આજે આપણે વાત કરવી છે ગુજરાત સરકારની 'શ્રવણ તીર્થ યોજાના' ની (Shravan Tirth Yojna).
શુ છે આ યોજના...?
શ્રવણ તીર્થ યોજના એ ગુજરાત સરકારની ખુબજ ઉમદા અને આગવી યોજના છે. યોજનાના નામ પરથી જ ઘણું બધું સમજી શકાય છે. જેમ શ્રવણે પોતાના માતા-પિતાને કાવડમાં બેસારી અનેક તીર્થયાત્રા કરાવી હતી તે મુજબ જ સરકારની આ યોજના છે. આ યોજના અંતર્ગત કોઈપણ વરિષ્ઠ નાગરિક 25 ટકા રકમ ભરીને ગુજરાતના કોઈપણ તીર્થ સ્થળે દર્શન હેતુ એસ.ટી.બસમાં મુસાફરી કરી શકે છે. વરિષ્ઠ નાગરિક એટલે 60 વર્ષ ઉપરની ઉંમરની કોઈપણ વ્યક્તિ. ગુજરાત સરકારની આ આખી યોજનાનું પુરૂ નામ છે. 'ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના-2022. આ યોજનાનો પાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન વડે નખાયો છે.
ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજનાની શુ છે જોગવાઈ તે ચકાસીએ તો આ યોજના ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં વરિષ્ઠ નાગરિકો કે જેઓની ઉમર 60 વર્ષ કરતા વધુ હોય તેઓને ગુજરાત રાજ્યના અલગ-અલગ પવિત્ર યાત્રાધામોમાં દર્શન કરવા જવા માટે પ્રવાસના લાગત ભાડા પર 75 ટકા રકમ સહાય રૂપે પરત આપવામાં આવે છે. આમ વરિષ્ઠ નાગરિકો સાવ નજીવા દરે ગુજરાત સ્થિત દેવ સ્થાનની યાત્રા કરી શકે છે. આ યોજનામાં લાભાર્થીએ 30 લોકોનું ગ્રુપ બનાવી બસ ભાડે કરીને યાત્રાધામોમાં જાય તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર બને છે. આ યોજના હેઠળ કુલ બે રાત્રિ અને 3 દિવસના પ્રવાસની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ વરિષ્ઠ નાગરિક પોતાના જીવનકાળ દરમ્યાન એકજ વાર લઈ શકે છે.
ગુજરાત શ્રવણ તીર્થ યોજનાનો લાભ લેવા માગતા લાભાર્થીઓ ગુજરાત રાજ્યના વતની હોવા આવશ્યક છે. સાથે વરિષ્ઠ નાગરિકો 30 લોકોનું ગ્રુપ બનાવીને ગુજરાતનાં તીર્થ સ્થાનોના દર્શને ખૂબ જ નજીવા ખર્ચે જઈ શકે છે. આજ રીતે સુરતથી 30 જેટલી બસોમાં સોમનાથ દર્શને કેટલાક વરિષ્ઠ નાગરિકો આ યોજના અંતર્ગત પધાર્યા હતા. તેઓ સુરતથી ચોટીલા, ગોંડલ, ખોડલધામ અને સોમનાથ પધાર્યા હતા. સોમનાથ દર્શન બાદ તેઓ દ્વારકા અને અન્ય તીર્થ સ્થાનો પર જશે. દરેક યાત્રિકો અતિ ઉત્સાહિત જણાયા હતા. તો સરકારને આ યોજના બદલ અભિનંદન પણ આપ્યા હતા. આર્થિક રીતે સદ્ધર ન હોય તેવા વરિષ્ઠ નાગરિકો પણ આ યોજના તળે ખુબજ નજીવા દરે તીર્થયાત્રા કરી શકે છે. તે આ યોજનાની મોટી ઉપલબ્ધી છે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર