Home /News /kutchh-saurastra /

ધારીઃ પાલતું કુતરાનો બદલો લેવા ઝેર ખવડાવી મજૂરે 3 દિપડા મારી નાંખ્યા ?

ધારીઃ પાલતું કુતરાનો બદલો લેવા ઝેર ખવડાવી મજૂરે 3 દિપડા મારી નાંખ્યા ?

ગીર જંગલ નજીક ધારી પાસે 1 ઓગષ્ટના રોજ ત્રણ દિપડાનાં મૃતદેહ મળી આવ્યા હતા.

ગીર જંગલ નજીક ધારી પાસે 1 ઓગષ્ટના રોજ ત્રણ દિપડાનાં મૃતદેહ મળી આવ્યા બાદ વન વિભાગે એક શખ્સની ધરપકડ કરી છે

    ગીર જંગલ નજીક ધારી પાસે 1 ઓગષ્ટના રોજ ત્રણ દિપડાનાં મૃતદેહ મળી આવ્યા હતા. આ ત્રણેય દિપડાના મોત કોઇ ઝેરી પદાર્થ ખાવાથી થયા હોવાની શંકાને આધારે વન વિભાગે તપાસ હાથ ધરી હતી. આ શંકા સાચી ઠરી અને ભાગીયુ રાખી ખેતી કરતા ખેત મજુર ભુપત માથાસુરિયા (51)ની વન વિભાગે ધરપકડ કરી હતી.

    નાયબ વન સંરક્ષક, ધારી, (ગીર પુર્વ) પી. પુરુષોથમાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, “આરોપી ભુપતે કબુલ્યુ કે, દિપડાએ તેના પાલતુ કુતરાનો શિકાર કર્યો હતો. આથી તેનો બદલો લેવા માટે તેણે મરેલા કુરતા પર ઝેરી પદાર્થ છાંટી આ કુતરાના મૃતદેહને ખુલ્લા વિસ્તારમાં રાખી દીધો હતો. આ ઝેરી પદાર્થ છાંટેલા કુતરાના મૃતદેહના ખાધા પછી ત્રણેય દિપડાઓના મોત નિપજ્યા હતા”

    વન અધિકારીના જણાવ્યા અનુસાર, આ ત્રણ દિપડાઓમાં એક માદા (6-7 વર્ષની ઉંમર) અને બે નર દિપડા (2-3 વર્ષની ઉંમર) હતા. આ ત્રણેય દિપડાના મૃતદેહો કુતરાના મૃતદેહની આસપાસના 60 ફૂટ વિસ્તારમાં પડેલા હતા. આ ત્રણેય દિપડાના મૃતદેહો ધારીથી આંબરડી જતી વખતે રસ્તામાં આવતા વોંકળાની નીચેથી મળી આવ્યા હતા.

    leopard die in Gir
    વન અધિકારીના જણાવ્યા અનુસાર, આ ત્રણ દિપડાઓમાં એક માદા (6-7 વર્ષની ઉંમર) અને બે નર દિપડા (2-3 વર્ષની ઉંમર) હતા


    “દિપડાઓના મૃતદેહો ઘટના સ્થળે જોતા જ શંકા ઉપજી હતી કે તેમના મૃત્યુ કોઇ ઝેરી પદાર્થ ખાવાથી થયા હોવા જોઇએ. એફએસએલ ટીમ અને ડોગ સ્કોડને પણ બોલાવી હતી. આ ડોગ એક વાડી તરફ જઇ અટકી જતો હતો. આ દરમિયાન અમને બાતમી પણ મળી કે ખેત મજુર ભુપતની ભૂમિકા આ કિસ્સામાં કોઇ શકે છે. અમે તેને પુછપરછ માટે બોલાવ્યો અને ઉલટ તપાસ કરતા અંતે તેણે આ ગૂનો કબુલ્યો અને કહ્યુ કે, તેની પાસે જર્મન શેફર્ડ પ્રજાતિનો કુતરો તેણે પાળ્યો હતો અને દિપડાએ તેનો શિકાર કરતા બદલો લેવા માટે મરેલા કુતરા પર ઝેરી પદાર્થ છાંટી દિપડા ખાય એ રીતે એ મૃતદેહને ખુલ્લામાં મૂકી દીધો હતો. આ પદાર્થ શું હતો તે જાણવા માટે તેના સેમ્પલ એફએસએલમાં મોકલ્યા છે. આરોપી હાલ જેલ હવાલે છે” રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સરસિયા રેન્જ, મનિષ ઓડેદરાએ ન્યૂઝ18 ગુજરાતીને વિગતો આપતા જણાવ્યું.

    દિપડા અને સિંહોના અકુદરતી મોત એ વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યો છે. 2016માં થયેલી દિપડાઓની વસ્તી ગણતરી મુજબ, ગુજરાત રાજ્યમાં કુલ 1395 દિપડાઓ નોંધાયા હતા. વન વિભાગ દ્વારા 2017ના વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાતમાં દિપડાઓ મૃત્યુ વિશેનું વિશ્લેષણ કરી એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અહેવાલ ગીર-સોમનાથ, તાપી અને ભાવનગર જિલ્લામાં અકુદરતી કારણોસર દિપડાઓના મૃત્યુના કિસ્સાઓ વધારે જોવા મળ્યો હતો.

    2016માં ગુજરાતમાં 50 દિપડાઓ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. 2017માં અકુદરતી કારણોસર દિપડાઓના મૃત્યુનો આંકડો વધીને 56 પર પંહોચ્યો હતો. 2017ના વર્ષમાં કુદરતી કારણોસર 85 દિપડાઓના મૃત્યુ પામ્યા હતા અને અકુદરતી કારણોસર 56 દિપડાઓ મૃત્યુ પામ્યા હતા.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Gir Forest, Revenge

    આગામી સમાચાર