Home /News /kutchh-saurastra /

ગુજરાતમાં દરિયાઈ માર્ગે દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, બોટમાંથી ઝડપાઈ 10597 દારૂની બોટલ

ગુજરાતમાં દરિયાઈ માર્ગે દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, બોટમાંથી ઝડપાઈ 10597 દારૂની બોટલ

બોટમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો

બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે જાત-ભાતના કિમીયા અજમાવતા હોય છે. આજે પણ આવી ત્રણ ઘટના સામે આવી છે

    કહેવાય છે કે ગુજરાતમાં દારુબંધી છે, જે માત્ર સરકારી કાગળો પર જ હોવાનું કહેવામાં આવે છે. તમને પણ ખબર જ હશે રાજ્યમાં કેટલી દારૂની રેલમછેલ છે. રોજબરોજ દારૂ ઝડપાવવાની ઘટના સામે આવતી હોય છે. બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે જાત-ભાતના કિમીયા અજમાવતા હોય છે. આજે પણ આવી ત્રણ ઘટના સામે આવી છે, જેમાં પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ વખતે કોઈ વાહન કે વસ્તુમાં નહી પરંતુ દરિયા માર્ગે ફિશીંગ બોટમાં દારૂ ઘુસાડવાનો પર્દાફાશ પણ થયો છે.

    સૌપ્રથમ ફીશિંગ બોટમાં દારૂની ખેપનો મામલો જોઈએ. તો ગીર સોમનાથના વેરાવળ બંદરના નલિયા ગોદી વિસ્તારમાં ફિશીંગ બોટમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે. ફિશિંગ બોટમાંથી 10597 બોટલ વિદેશી દારૂ અને 2764 નંગ બીયરના ટીન ઝડપી પાડવામાં સફળતા મળી છે.



    LCB અને વેરાવળ પોલીસે બાતમીના આધારે ફિશીંગ બોટનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેને પગલે કુલ 19.34 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 1ની ધરપકડ કરી છે, જ્યારે 6 લોકો ભાગવામાં સફળ થઈ ગયા હતા.

    પોલીસના જણાવ્યા અનુસાર, ફિશિંગ બોટમાંથી વિદેશી દારૂની બોટલ તથા 2764 નંગ બિયર અને બોટ સાથે મળી કુલ 39.34 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે કે, દમણથી દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો. આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેની વધુ પુછપરછ હાથ ધરી તપાસ કરવામાં આવશે.

    આ સાથે અમદાવાદમાં દારૂ ઝડપાવવાની બે ઘટના સામે આવી છે, તેમાં પહેલી ઘટનાની વાત કરીએ તો ઓલા કેબમાં દારૂનો જથ્થો મુકીને એક વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. કેબવાળાએ પોલીસને માહિતી આપી કે, એક પેસેન્જર મારી કેબમાં જ દારૂનો જથ્થો મુકી ફરાર થઈ ગયો છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    તો બીજી બાજુ અમદાવાદમાં એક ટ્રાવેલ્સ બસની ડેકીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. પાર્શ્વનાથ ટ્રાવેલ્સની બસમાંથી 137 વિદેશી દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી છે. નરોડા પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

    અમદાવાદ ટ્રાવેલ્સ બસમાંથી ઝડપાયેલો દારૂનો જથ્થો


    નરોડા પોલીસના જણાવ્યા અનુસાર, પાર્શ્વનાથ ટ્રાવેલ્સનું ચેકિંગ હાથ ધરતા બસની ડેકીમાંથી 1.12 લાખની મત્તાનો દારૂનો જથ્થો મળી આવ્યો છે. હાલમાં મુખ્ય આરોપી કમલેશ ઉર્ફે કૃણાલ સિંધીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની પ્રાથમિક પુછતાછમાં સામે આવ્યું છે કે, આરોપી ચોકલેટના પાર્સલના બહાને ટ્રેવેલ્સમાં દારૂનો જથ્થો મંગાવતો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Fishing boat, Foreign liquor bottles, Liquor caught, VERAVAL, દારૂ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन