Home /News /kutchh-saurastra /દ્વારકામાં અતિ આધુનિક દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળાનો રાજ્યપાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શુભારંભ
દ્વારકામાં અતિ આધુનિક દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળાનો રાજ્યપાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શુભારંભ
અતિ આધુનિક દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ
Devbhumi Dwarka: દ્વારકાની પાવન ભૂમિમાં ભથાણ ચોક વિસ્તારમાં બીમાર, અકસ્માતગ્રસ્ત ગૌ વંશની સેવાર્થે શ્રીદ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનો મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ‘ગાયને વધુ ઉપયોગી અને મૂલ્યવાન બનાવવા તેની નસલ સુધારણા માટે પ્રયોગો અને પ્રયત્નો કરવા પડશે.
મુકુંદ મોકરીયા, દેવભૂમિ દ્વારકા: દ્વારકાની પાવન ભૂમિમાં ભથાણ ચોક વિસ્તારમાં બીમાર, અકસ્માતગ્રસ્ત ગૌ વંશની સેવાર્થે શ્રીદ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનો મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ‘ગાયને વધુ ઉપયોગી અને મૂલ્યવાન બનાવવા તેની નસલ સુધારણા માટે પ્રયોગો અને પ્રયત્નો કરવા પડશે. વાછરડાને બદલે વાછરડી જન્મે એ માટે સેક્સ સૉર્ટેડ સીમેન ટેકનોલોજી અપનાવવી પડશે અને દેશી ગાય અનિવાર્ય હોવાથી વધુને વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી પડશે. દ્વારકામાં અતિ આધુનિક શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળાનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દાનવીરો અને ગૌ સેવકોને આ ઉમદા સેવા કાર્ય માટે અભિનંદન આપ્યા હતા.’
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું વર્ચ્યુઅલી સંબોધન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં કહ્યું હતું કે, ગુજરાત ધર્માત્મા અને ભલા લોકોની ભૂમિ છે, એટલે અહીં ઠેર ઠેર ગૌશાળા અને પાંજરાપોળ છે, જ્યાં ગૌસેવકો-યુવાનો પોતાના વડીલોની, મા-બાપની સેવા કરતા હોય એવા ભાવથી પશુઓની સેવા કરે છે. ગાયોની સારવાર માટે હાઇડ્રોલિક લિફ્ટિંગ સાધનો, એમ્બ્યુલન્સ અને એરકન્ડિશન્ડ શેડની સુવિધા ધરાવતી અતિ આધુનિક દ્વારકાધીશ ગૌ હોસ્પિટલની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, ‘અંગ ભંગ થયેલી, વૃદ્ધ અને અશક્ત ગાયોને ગૌશાળા-પાંજરાપોળમાં રાખીએ સાથોસાથ ગાયો વિશેષ લાભકારી બને એ માટે તેની નસલ સુધારવા પ્રયત્નો પણ કરીએ. જેમ મા-બાપને પણ કમાઉ દીકરો વધારે ગમે તેમ ગાય પણ વધારે દૂધ આપતી થશે તો તેનું મૂલ્ય ચોક્કસ વધશે.’
ઉલ્લેખનીય છે કે, દરેક પાંજરાપોળમાં એક શાખા એવી હોય જ્યાં ગાયની બ્રીડ સુધારવા પ્રયત્નો અને પ્રયોગો થતા હોય. આજકાલ ખેતી ટ્રેક્ટર આધારિત થઈ ગઈ છે, બળદોનો ઉપયોગ રહ્યો નથી એટલે તે બિનવારસી ફરે છે. પાંજરાપોળ-ગૌશાળામાં પણ બળદોની સંખ્યા વધુ હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા પશુપાલકોએ એમ્બ્રિયો કલ્ચર અને સેક્સ સૉર્ટેડ સીમેન ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ ટેકનોલોજીના ઉપયોગથી વાછરડીનો જન્મદર વધશે. વાછરડીયો વધુ જન્મશે, એટલું જ નહીં એની નસલ પણ વધુ ઉન્નત થશે.
આ તકે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, ‘ભગવાન દ્વારકાધીશની પવિત્ર ભૂમિ પર આજે ગૌ-ધન માટે દ્વારકાધીશ ગૌ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવેલ છે. દ્વારકાની પાવન ભૂમિ પર દરેક કાર્ય ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી થાય છે ત્યારે ગાય માતાતો શ્રીકૃષ્ણને પણ બહુ પ્રિય છે. જિલ્લા કલેકટરશ્રી એમ. એ.પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘આપણે ભૂતકાળમાં જોઈએ તો જેમની પાસે ગૌધન વધુ હતું તે વ્યક્તિની ગણના ધનિક વ્યક્તિમાં થતી હતી. ટેકનોલોજીના યુગમાં ગૌધન વિસરાતું ગયું હતું. પરંતુ આજની યુવા પેઢી ગૌધનનાં રક્ષણ માટે તત્પર છે. સ્વાસ્થ્ય, શુદ્ધતા અને સાત્વિકતા માટે ગૌધન ઘણું જ ઉપયોગી છે. આજે આપણે સૌ સંકલ્પ લઈએ કે, ગૌમાતાના ઉછેરમાં યોગદાન આપીશું.’
અશ્વિન ગુરુજીએ જણાવ્યું હતું કે, ‘ભારતીય સંસ્કૃતિમાં ગાય માતાનું અનેરું સ્થાન છે. ભારતીય સંસ્કૃતિ એ ગૌ-ગંગા પર આધારિત સંસ્કૃતિ છે. ગાય માતા પોતે ઘાસ ખાઈને દૂધ રૂપી અમૃત આપણે સૌને પ્રદાન કરે છે. તો આપણું પણ પરમ કર્તવ્ય છે કે, આપણે સૌએ ગાય માતાનું રક્ષણ તથા સંવર્ધન કરવું જોઈએ અને યથાયોગ્ય સેવા કરવી જોઈએ.’
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર