મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકા: આપણે ત્યાં પોલીસ ટીમ (Police team) માટે એવું કહેવાય છે કે પોલીસ ધારે તો બધું થાય..અને આ વાતને દેવભૂમિ દ્વારકા એલસીબીએ સાચી કરી બતાવી અને આ સ્ટોરી વાંચી તમને પણ દ્વારકા એલસીબી ટીમ (Dwarka LCB team) પર ગર્વ થઇ જશે. ના કોઈ ફોટો, ના મોબાઈલ લોકેશન, અને એકમાત્ર શરીર પર મસાના નિશાન પરથી જે વ્યક્તિને તેના પરિવારે પણ મૃત જાહેર કરી મરણનો દાખલો મેળવી લીધો હતો તે વ્યક્તિને 8 માસની અથાગ જહેમત બાદ દેવભૂમિ દ્વારકા એલસીબી પરત લાવી છે. તમે જરા પણ આશ્ચર્ય ના પામતા રેકર્ડ પર જે મૃત વ્યક્તિ હતો તેને દ્વારકા એલસીબી ટીમ જીવીત 27 વર્ષે શોધી લાવી છે અને દ્વારકા પોલીસ વડાએ પણ એલસીબી પી.આઈ.સહિતની પીઠ થપથપાવી છે.
હવે સ્ટોરી શરુ થાય છે વાત એવી છે કે ભાણવડ પોલીસ મથકના વર્ષ 1985ના એક કેસમાં એડી. સેશન્સ કોર્ટ જામનગરએ પાકા કામના કેદી નં.-307 માલદેભાઇ જીવાભાઇ સગર રહે. પાછતર ગામ, તા.ભાણવડ, જિ. દેવભૂમિ દ્રારકાવાળાઓને તા.30/12/1986ના રોજ આજીવન કેદની સજા ફરમાવેલ. જેમાં પાકા કામના કેદીને જામનગર જીલ્લા જેલથી મધ્યસ્થ જેલ, સાબરમતી અમદાવાદ ખાતે મોકલી આપેલ. તે પછી તા.29/08/1994 થી ઓપન જેલ, અમરેલી ખાતે રાખેલ હતા. જ્યાં આ કેદીને તા.03/05/1994 થી ફર્લો રજા પર મુકત કરવામાં આવેલ અને ફર્લો રજા પરથી તા.18/5/1994 ના જેલ ખાતે પરત હાજર થવાનું હતુ. પરંતુ હાજર થયેલ ન હતા.
પાકા કામના કેદી નં.307 માલદેભાઇ જીવાભાઇ સગર ફર્લો રજા પરથી ફરાર થઇ ગયેલતેના સામે સને-2010ની સાલમાં નામદાર કોર્ટમાં સી.આર.પી.સી. કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ પણ મેળવેલ. આમ સંયુકત જામનગર જીલ્લા પોલીસ દ્રારા બાદ દેવભૂમિ દ્રારકા જીલ્લા પોલીસ દ્રારા છેલ્લા 27 વર્ષથી પકડી પાડવા અથાગ પ્રયત્નો કરેલા પરંતુ પાકા કામના કેદી મળી આવેલ ન હતા.
જે અનુસંધાને આ પાકા કામના કેદીને પકડવો તે એક પોલીસ માટે ચેલેન્જ થઇ ગયેલ અને 27 વર્ષનો સમયગાળો થયેલ હોવાથી તેનો ફોટો કે અન્ય ઓળખની માહિતી ન હોવાથી દેવભૂમિ દ્રારકા જીલ્લા પોલીસ વડા સુનીલ જોષી દ્રારા આવા કેદીઓને પકડી પાડવા તેના ઉપર એલ.સી.બી. ટીમોને હાર્ડવર્ક કરાવી તેના વીશે સંપુર્ણ માહિતી સબંધે કામગીરી કરાવેલ. જેથી એવી ચેલેન્જ જે કોઈ ના ઉપાડે તે એલ.સી.બી. દેવભૂમિ દ્રારકાના પોલીસ ઇન્સપેકટર જે.એમ.ચાવડા ઉપાડી લીધી હતી અને છેલ્લા આઠેક માસથી આ શખ્સની ભાળ મેળવવા કામે લાગેલા હતા અને ટીમ સાથે પોતે પણ કલાકો વર્કઆઉટ કરતા હતા.
27 વર્ષે પકડાયેલા આરોપીની તસવીર
આ શખ્સને લગત તમામ માહિતી એકઠી કરી પીએસઆઈ એસ.વી.ગળચરએ હયુમન શોર્સીસથી હકીકત મેળવેલ કે, હાલમાં સારંગપુર, અમરાવતી નદીના કાઠે, કણબી પટેલની વાડી તા. અંકલેશ્વર જિ. ભરૂચ ખાતે ખેતમજુરી કામ કરે છે. તેવી ચોકકસ હકીકત આધારે પોલીસની ટીમે ટીમ વર્ક થી ભરૂચ જીલ્લાના અંકલેશ્વર વીસ્તારમાં સારંગપુર, અમરાવતી નદીના કાઠેની વાડીઓમાં સતત બે દીવસ સુધી હોલ્ટ રહીને અમરાવતી નદીના કાંઠા વીસ્તારમાં પટેલની અનેક વાડીઓમાં તપાસ કરતા એક ઇસમ થોડી થોડી સૌરાષ્ટ્રની ભાષા બોલેલ તે અંદાજે તેની પુછતાછ કરી હતી.
જેલથી મેળવેલ રેકર્ડની શરીર પરના નિશાનો ચેક કરતા સમાન નીશાનોઓ મળી આવતા લાંબી પુછતાછ બાદ છેલ્લા 27 વર્ષથી ફર્લો રજા ફરારી પાકા કામના કેદી નં. 307 વાળા માલદેભાઇ ઉર્ફે ગોપાલદાદા ઉર્ફે માવજીભાઇ જીવાભાઇ કાનાભાઇ ગોરફાડ જાતે-સગર ઉવ આશરે 70 વર્ષ ધંધો ખેત મજુરીકામ રહે. હાલ સારંગપુર, અમરાવતી નદીના કાઠે, કરશનભાઇ ભીમજીભાઇ પાદરીયા કણબી પટેલની વાડી તા.અંકલેશ્વર જિ. ભરૂચ મૂળ પાછતર તા. ભાણવડ જિ. દેવભૂમિ દ્રારકાવાળા મળી આવેલ. તેને સારંગપુર, તા. અંકલેશ્વર ખાતેથી મળી આવ્યો હતો.
27 વર્ષે પકડાયેલા આરોપીની તસવીર
તેની પુછપરછ કરતા તેણે જણાવેલ કે,પાકા કામના કેદીની ફર્લો રજા પુરી થતા પરત જેલમાં જવાનું મન ન થતા ત્યાંથી નાશી જઇ પોરબંદરથી બસમાં રાજકોટ ત્યાંથી ટ્રેનમાં બેસી વડોદરા ગયા. વડોદરા રેલ્વે સ્ટેશન પર ત્રણ ચાર વર્ષ સુધી મજુરી કામ કરેલ. પછી ત્યાંથી ભરૂચ જીલ્લના હાશોટ શહેરમાં રામનગર વીસ્તારમાં રોકાયેલ અને કડીયાકામની મજુરીકામ કરતા હતા. આ દરમીયાન તેની સાથે મજુરી કામ કરતા સોમીબેન કોળી પટેલ સાથે સંપર્કમાં આવેલ. તેની સાથે રહેવા લાગેલા.
હાશોટમાં 10 વર્ષ સુધી રહેલ તે પછી સારંગપુર, અમરાવતી નદીના કાઠે કરશનભાઇ પટેલની વાડીમાં ખેતમજુરી કામ રાખી સોમીબેન સાથે આજદીન સુધી સીમ વીસ્તારમાં રહેલનું જણાવેલ. તેનું આજથી ચાર પાચ વર્ષ પહેલા એકસીડન્ટ થયેલ આ વખતે તેને હાસડીમાં અને ડાબા પડખામાં લાગેલ આ વખતે તેનો દીકરો હમીર અંકલેશ્વર આવેલ. અને પૈસા આપી ગયેલ હતો. ફરાર થયા બાદ તેનો બીજો દીકરા મનસુખનું અવસાન થયેલ ત્યારે પાછતર ગયેલ તે પછી બે વખત પાછતર ગામે ગયેલ હોવાનું જણાવેલ. ફરાર થયેલ દરમીયાન ગોપાલભાઇ અને માવજીભાઇ જીવણભાઇ સગર ના ખોટા નામ ધારણ કરેલ હતા. તેમ જણાવેલ.
આમ, છેલ્લા 27 વર્ષથી પોલીસ ની પકડથી દુર રહી પોલીસની સાથે સંતાકુકડી રમતા હોશીયાર કેદીને આખરે સારંગપુર, અમરાવતી નદીના કાઠે, કરશનભાઇ ભીમજીભાઇ પાદરીયા કણબી પટેલની વાડીથી પકડી પાડી અત્રે ખંભાળીયા લઇ આવી કોવીડ 19ની કાર્યવાહી કરાવી. પોલીસ પાર્ટી સાથે અમરેલી ઓપન જેલ ખાતે આગળની સજા ભોગવવા મોકલી આપેલ.
27 વર્ષે પકડાયેલા આરોપીની તસવીર
દીકરાએ કોર્ટમાંથી મૃત્યુનો દાખલો મેળવી જમીન વારસાઈ કરાવી લીધી હતી. ફરાર થઇ ચૂકેલ પાકા કામના કેદી નં.307 માલદેભાઇ જીવાભાઇ સગર રહે. પાછતર ગામ, તા.ભાણવડ વાળાની ઘરે તથા આ વીસ્તારમાં અવાર નવાર પેટ્રોલીંગ ફરી માહિતી એકઠી કરતા જાણવા મળેલ કે,પાકા કામના કેદીના દીકરા હમીરભાઇ માલદેભાઇ ગોરફાડ સગર રહે. પાછતર તા. ભાણવડએ નામદાર જયુ.ફ.ક.મેજિ.શ્રીની કોર્ટ ભાણવડમાં કાર્યવાહી કરી મરણનો દાખલો મેળવવા તજવીજ કરી તા.23/09/2017 ના ફરાર કેદીનો મરણનો દાખલો પણ કઢાવી તેની 17 વીઘા ખેતીની જમીનની તેની માતા લાડુબેન અને હમીરભાઇના નામે વારસાઇ મિલ્કત પણ કરાવી લીધેલ હતી.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર