Home /News /kutchh-saurastra /બોટાદ જિલ્લા પંચાયતના કોંગ્રેસના નેતા રૂ 80,000ની લાંચ લેતા ઝડપાયા

બોટાદ જિલ્લા પંચાયતના કોંગ્રેસના નેતા રૂ 80,000ની લાંચ લેતા ઝડપાયા

ઇશ્વર ભરાડીયા, ચીમન બાબુભાઇ ખંભાળિયા

બોટાદ જિલ્લા પંચાયતના  ચૂંટાયેલા પદાધિકારીને રૂ 80,000ની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીએ રંગે હાથ પકડી પાડ્યા હતા. બોટાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું સાશન છે.

માહિતીગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બોટાદ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ચીમન બાબુભાઇ ખંભાળિયા ઉર્ફે સી.બી અને કારોબારી સમિતિના સભ્ય ઇશ્વર ભરાડીયાએ ખેતીની જમીનને બિન ખેતી કરી આપવા માટે એડવોકેટ હરેશ ડોડિયા પાસે રૂ 80,000ની લાંચ માગી હતી.

હરેશ ડોડિયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, વલ્લભીપુર પાસે આવેલા કારિયા ગામના ઢાળ પાસે શૈક્ષણિક સંકુલ માટે 10,000 મીટર જમીન ખેતી માંથી બિનખેતી કરાવવા માટે મેં જિલ્લા પંચાયતની કારોબારીમાં અરજી કરી હતી. આ સંદર્ભે કોરાબારી સમિતિના ચેરમેન ચમન ખંભાળિયા અને સભ્ય ઇશ્વર ભરડિયાએ એક મીટર દીઠ આઠ રૂપિયા લેખે કૂલ 80,000 રૂપિયાની લાંચ માગી હતી. આ લાંચની માગણી પછી મેં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમા ફરિયાદ કરી હતી અને આજે ગુરુવારે જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં કારોબારી સમિતિના ચેરમેનની ઓફિસમાં લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. આ સમયે ચેરમેન ચમન ખંભાળિયા રૂ 80,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.”

હરેશ ડોડિયા ભાવનગરમાં રહે છે અને વલ્લભીપુર નજીક આવેલા કારિયા ગામના ઢાળ પાસે શૈક્ષણિક સંકુલ બનાવવા માગે છે. ભાવનગર સહિત ઘણા શહેરોમાં ચાલતી સીટી વિટકોસમાં ભાગીદાર પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લાંચીયા પદાધિકારીઓ કોંગ્રેસની ટિકીટ પર ચૂંટાયેલા છે. જો કે, આ બંને અગાઉ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા પણ પાટીદાર અનામત આંદોલન પછી કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસની ટિકીટ પરથી ચૂંટાઇ આવ્યા હતા.

જો કે, 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે બોટાદના ધારાસભ્ય પદના ઉમેદવાર સૌરભ પટેલના સમર્થનમાં ભાજપને ટેકો જાહેર કર્યો હતો. જો કે, કોંગ્રેસ આ બંને નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા નથી એટલે હાલ તો તેઓ કોંગ્રેસના જ છે. મહત્વની વાત એ છે કે, જ્યારે આ બને રાજકારણીઓ લાંચના છટકામાં પકડાઇ ગયા એટલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સોશિયલ મીડિયામાં મેસેજ વહેતા કર્યા કે, આ લોકો અમારા પક્ષ સાથે જોડાયેલા નથી.
First published:

Tags: Botad, Bribe, કોંગ્રેસ, ભ્રષ્ટાચાર