પ્રકાશ સોલંકી, બોટાદ : બોટાદના જાળીયા ગામમાં ઉપસરપંચનો અકસ્માત કરીને રસ્તા પર 6 જણનાં ટોળાએ કારમાં આવીને માર માર્યો હતો. જે બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેસમાં મુખ્ય ત્રણ આરોપીઓ ભગીરથ જીલુભાઈ ખાચર, કિશોરભાઈ જીલુભાઈ ખાચર, હરદીપ ભરતભાઇ ખાચરની પહેલા અટકાયત કરીને હવે ધરપકડ કરવામાં આવી છે. પાળીયાદ સાયલા હાઇવે પરથી બે આરોપી ઝડપાયા છે જ્યારે એક આરોપી કોમ્બિગ દરમિયાન ઝડપાયો છે. આ ઝડપાયેલા આરોપીઓ પાસેથી અન્ય આરોપીની વિગત માટે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. હત્યામાં 9 લોકોની સામે ગુનો પણ નોંધાયો છે.
મૃત્યું પહેલા ઉપસરપંચે આપ્યું હતું નિવેદન
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે જનરલ સીટ પર ચૂંટાયેલા ઉપસરપંચ મનજીભાઇ જેઠાભાઇ સોલંકીની અકસ્માત કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. જે બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના સ્થળેથી મનજીભાઇનું બાઇક તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. બીજી બાજુ પોલીસે પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું કે સરપંચનું મૃત્યુ અકસ્માતને કારણે થયું હોવાની આશંકા છે. બીજી બાજુ મૃતક ઉપસરપંચના પત્ની ગામના સરપંચ છે, પરિવારજનોએ કેટલાક વીડિયો રજૂ કર્યા છે, જેમાં મૃતક મનજીભાઇ હોસ્પિટલ પહોંચતા પહેલા નિવેદન આપી રહ્યાં છે, આ નિવેદનમાં તેઓએ જણાવ્યું કે તેના પર ગામના જ શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. પહેલા તેઓએ કાર વડે તેના બાઇક સાથે અકસ્માત કર્યો અને ત્યારબાદ હુમલો કર્યો.
મહત્વનું છે કે સરપંચે રાજ્યના પોલીસ વડાને રૂબરુ રજૂઆત કરી પોલીસ રક્ષણ માગ્યું હતું પરંતુ પોલીસ રક્ષણ મળ્યું ન હતું. તો બીજી બાજુ પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા તથા ન્યાયની માગણી કરવામાં આવી હતી. સાથે જ મૃતક ઉપસરપંચના પરિવારજનોએ પોતાનો પક્ષ મુકતા કહ્યું હતું કે, જ્યાં તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તથા તેઓ મૃતદેહ લઇને વિધાનસભા જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર