Home /News /kutchh-saurastra /Hailstorm in Gujarat: બોટાદમાં મનાલી જેવી બરફવર્ષા? ગુજરાતમાં માર્ચ મહિનામાં બરફની ચાદરનો વીડિયો વાયરલ

Hailstorm in Gujarat: બોટાદમાં મનાલી જેવી બરફવર્ષા? ગુજરાતમાં માર્ચ મહિનામાં બરફની ચાદરનો વીડિયો વાયરલ

બોટાદમાં બરફનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Gujarat Weather update: ગુજરાતમાં મનાલી જેવો માહોલ છવાયો હોય તેમ લાગી રહ્યુ છે. બોટાદ જિલ્લામાં ગુરૂવારે ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

બોટાદ: રાજ્યભરમાં હાલ ગરમીને બદલે માવઠાનો કહેર વર્તી રહ્યો છે. ત્યારે બોટાદનો એક વીડિયો ઘણોજ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ થયેલા વીડિયોમાં જ્યાં દેખાઇ ત્યાં બરફની ચાદર છવાયેલી દેખાઇ રહી છે. આ વીડિયો ગઢડાના ઢસા રોડ પરનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. એક કાર ચાલકે આ વીડિયો બનાવ્યો છે. જેમાં ગુજરાતમાં મનાલી જેવો માહોલ છવાયો હોય તેમ લાગી રહ્યુ છે. બોટાદ જિલ્લામાં ગુરૂવારે ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. હાલ બોટાદના નામે વાયરલ થયેલા આ વીડિયોને લોકો ઘણો જ પસંદ કરી રહ્યા છે.

બરફની ચાદર છવાઇ


આપને જણાવીએ કે, ગુરૂવારે ગઢડા પંથકમાં સાંજના ચાર કલાક બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અહીં ભરઉનાળે ગાજવીજ અને પવન સાથે વરસાદ અને કરા વરસ્યા હતા. જેના કારણે મનાલી-કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો. ગઢડા અને આસપાસના વિસ્તારોમાં આશરે અડધો કલાક સુધી કરા પડ્યા હતા. જેના કારણે રસ્તા પર બરફની ચાદર છવાઇ ગઇ હતી. આ ઉપરાંત તાલુકાના ઢસા, સમઢિયાળા, ઉગામેડી પીપરડી, સીતાપર સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી છે. જગતના તાતને તૈયાર પાક કઇ રીતે બચાવવો તેની જ મુંઝવણ થઇ રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હજુ અઠવાડિયા સુધી આવું જ રહેશે!

બોટાદમાં પણ ધોધમાર વરસાદ


બોટાદના હવામાનની વાત કરીએ તો, ત્યાં પણ દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ છવાયું હતુ. સાંજે વીજળીના કડાકા-ભડાકા અને સૂસવાટાભેર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બોટાદ અને ગઢડા પંથકમાં ગુરૂવારે સાંજ બાદ વીજળી અને પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે સાંજે ચારથી છ કલાકની વચ્ચે બોટાદમાં 12 મિ.મી. અને ગઢડામાં 13 મિ.મી. વરસાદ નોંધાયો હતો.


આજે ક્યાં થશે માવઠું?


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજ્યના અમદાવાદ સહિત સાબરકાંઠા, અવલ્લી, આણંદ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, વલસાડ અને દમણમાં માવઠું વરસી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ કમોસમી વરસાદી ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.


તારીખ 18 અને 19ની હવામાનની આગાહી પર નજર કરીએ તો રાજ્યના અમદાવાદ સહિત આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, વલસાડ અને દમણમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે.
First published:

Tags: Botad News, Gujarat News, Gujarat Weather, Gujarat Weather Forecast

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો