પ્રકાશ સોલંકી, બોટાદ : ગઢડાનું ગોપીનાથજી (Gadhda Gopinathji Temple) મંદિર હવે સેવાભાવ ભક્તિભાવ સાથે સાથે સત્તાની સાઠમારી માટે પણ જાણીતું થઈ ગયું છે. અહીંયા દર બે મહિને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ઝઘડાઓ થયા કરે છે. સંસાર છોડીને પ્રભુ શરણમાં આવેલા સંતો વચ્ચે સત્તા માટે રાજકીય પક્ષો જેવી સાઠમારી ચાલી રહી છે ત્યારે ગત રવિવારથી ફરી ગઢડા મંદિરમાં ચેરમેનની ખુરશી માટે (Gadhda Temple Chiarman Controversy) નાટકીય રીતે સત્તાની ખેંચાખેંચી થઈ છે. હકિકતમાં રવિવારે આચાર્ય પક્ષે રવિવારે મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીના સ્થાને રમેશ ભગતની ચેરમેન તરીકે નિમણૂક કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે, દેવ પક્ષે આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી કારણ કે મંદિરની ચૂંટણીમાં તેમનો વિજય થયો છે. દરમિયાન આ અંગે થયેલી હુસાતુસીમાં પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી કરી રહ્યા છે. તેમણે આચાર્ય પક્ષના એસપી સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે.
હરિજીવનદાસ સ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 'રવિવારે નાટકીય રીતે મંદિરની સત્તા હસ્તગત કરી લીધી હોવાની આચાર્ય પક્ષની જાહેરાત બાદ સાંજે જ્યારે હું ચેરમેનની ઓફિસમાં ગયો ત્યારે પાર્ષદ રમેશ ભગત મારી ખુરશી પર બેઠા હતા અને પોલીસ પણ ત્યારે અમારી સામે હાજર હતી ત્યારે એસપી સ્વામીએ મને ગાળ આપી અને લાફો મારી લીધો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ આ પોલીસ ફરિયાદના કારણે ફરી મંદિરનું રાજકારણ ગરમાવ્યું છે.
અગાઉ ગઢડા મંદિરના જાણીતા સ્વામી અને પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ એક વીડિયો જાહેર કરી અને આક્ષેપ કર્યો હતો કે રવિવારે રાત્રે 8 કલાકે દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને ડીવાયએસપી નકુમ ઓફિસમાં આવી ચુટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન કરી બહાર કાઢ્યા હતા. તેમણે આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓને ઓફિસમાં મનફાવે તેવી ગાળો આપી ધાર્મિક સંસ્થામાં ન શોભે તેવું વર્તન કર્યું છે. ડીવાયએસપીની આ વરવી ભૂમિકાને લઈને આઈજી, રાજયના મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને તાત્કાલીક તપાસ કરવાની માંગ છે.
એસપી સ્વામીના આક્ષેપને હરિજીવનદાસ સ્વામીએ ફગાવ્યો હતો
એસપી સ્વામીના આ વાયરલ વીડિયો અંગે મંદિરના ચેરમેન હરજીવન સ્વામીએ જણાવ્યું હતું કે 'ગઈકાલની બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા કોઈ ગાળાગાળી કરવામાં આવી નથી માક્ષ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને બેઠક યોજવામાં આવી હતી. બંને પક્ષો દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હોવાથી આ બેઠક બોલાવવામાં આવી હતી. સમગ્ર કેમ્પસમાં સીસીટીવી છે જેને જોવા હોય તે જોઈ શકે છે.