બોટાદ: ગઢડાના ગોપીનાથજી મંદિર (Gadhada Gopinathji Temple)નો વિવાદ પૂરો થવાનું નામ નથી લેતો. થોડા દિવસ પહેલા એસ.પી. સ્વામી (S.P. Swami) તરફથી ડીવાયએસપી રાજદીપ નકુમે (DySP Rajdeep Nakum) ટ્રસ્ટીઓની ઓફિસમાં નવા ચૂંટાયેલા ચેરમેન રમેશ ભગત (Ramesh Bhagat) સાથે ગેરવર્તણૂંક કરી હોવાનો વીડિયો મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. આ વીડિયોમાં ડીવાયએસપીએ ચેરમેન રમેશ ભગતને કોલર પકડીને બહાર કાઢ્યા હતા, તેમજ ટ્રસ્ટીઓ અને તેમને ગંદી ગાળો આપી હોવાનું જોવા મળી રહ્યું છે. હવે આ કેસમાં નવો એક વીડિયો (Viral video) સામે આવ્યો છે. જેમાં ડીવાયએસપીએ ઓફિસમાં કરેલી દાદાગીરી દરમિયાન થયેલો વાર્તાલાપ સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં એવું પણ જોઈ શકાય છે કે ઓફિસમાં અમુક સંતો ડીવાયએસપી નકુમને ફૂલોનો હાર પહેરાવીને તેમનો આભાર પણ માની રહ્યા છે.
એસ.પી.ની સૂચનાથી કાર્યવાહી કરી હોવાનો ઉલ્લેખ
જે વીડિયો સામે આવ્યો છે તેમાં ડીવાયએસપી રાજદીપ નકુમે કરેલી કાર્યવાહી બાદ ઓફિસમાં મળેલી બેઠકનો વાર્તાલાપ સામેલ છે. વીડિયોમાં ડીવાયએસપી અને સંતો જે ચર્ચા કરી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે રમેશ ભગત સામે જે કાર્યવાહી કરવામાં આવી હતી તે બોટાદ એસ.પી. હર્ષદ મહેતાની સૂચનાથી કરવામાં આવી હતી. વીડિયોમાં ડીવાયએસપી મોબાઈલમાં વાતચીત કરતા એસ.પી.ની સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવી રહ્યા છે.
સ્વામી ડીવાયએસપીને ભેટી પડે છે.
દાવો કરવામાં આવ્યો છે કે ડીવાયએસપી મોબાઇલ પર એસ.પી. હર્ષદ મહેતા સાથે કથિત વાતચીત કરી રહ્યા છે. જેમાં તેઓ તમામને કાઢી મૂક્યા છે તેવું જણાવી રહ્યા છે. આ દરમિયાન ચેરમેન હરિજીવન સ્વામીના ગુરુ ભાનુ સ્વામી ભાવુક થઈને ડીવાયએસપીને ભેટી પડ્યા હતા. આ દરમિયાન ડીવાયએસપી ભાનુ સ્વામીને પણ ફોન આપે છે. ફોનમાં ભાનુ સ્વામી સામેની વ્યક્તિનો આભાર માની રહ્યા છે તેમજ તેઓ પોલીસના આજીવન ઋણી રહેશે તેવું કહી રહ્યા છે. વીડિયો પરથી લાગી રહ્યું છે કે આચાર્ય પક્ષના ચેરમેન પદના દાવેદાર રમેશ ભગત તેમજ સંતોને સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને એસ.પી. હર્ષદ મહેતાના કહેવાથી મંદિરમાં દૂર કરવામાં આવ્યા હતા.
આ મામલે રમેશ ભગતે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સંતોની ભલામણથી જ પોલીસ મંદિરમાં આવી હતી. કારણ કે અમને બહાર કાઢનારા અને ગાળો આપનાર ડીવાયએસપી સાથે ટ્રસ્ટીઓ અને સંતો બેઠા હતા. જો દેવ પક્ષ બંધારણ પ્રમાણે ચાલશે તો આ વિવાદ શાંત થશે. રમેશ ભગતના કહેવા પ્રમાણે બીજો જે વીડિયો વાયરલ થયો છે તે પણ છઠ્ઠી ડિસેમ્બરના રોજનો છે. અમને સાંજે આઠ વાગ્યે ઓફિસ બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદમાં તે લોકોએ રાત્રે 12 વાગ્યા સુધી ઓફિસમાં જ બેઠા હતા.
સ્વામી પણ ફોન પર વાત કરે છે.
હાઇકોર્ટે ડીવાયએસપી નકુમને ફટકારી નોટિસ
ગઢડા સ્વામિનારાયણ મંદિર મામલે હાઇકોર્ટમાં દાખલ થયેલી અરજીમાં ગુજરાત હાઇકોર્ટે બોટાદ ડીવાયએસપી રાજદીપ નકુમને નોટિસ ફટકારી છે. આ મામલે અરજદાર તરફથી રજુઆત કરવામાં આવી હતી કે ચૂંટાયેલા ટ્ર્સ્ટીઓને કામગીરીમાં ડીવાયએસપીએ અવરોધ ઊભો કર્યો હતો. આ ઉપરાંત ટ્રસ્ટની ઓફિસમાં ડીવાયએસપીએ ગેરવર્તણૂંક કરી હતી. આ કેસમાં રાજ્ય સરકારે પોતાનો જવાબ રજૂ કરવા માટે જવાબ માંગ્યો છે. કોર્ટે વધુ સુનાવણી 22મી તારીખ પર મુલતવી રાખી છે.
ડીવાયએસપીને ફૂલનો હાર પહેરાવાયો.
વાયરલ વીડિયો-1: રમેશ ભગતને કોલર પકડીને બહાર કાઢ્યા
ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીએ ચેરમેનના વિવાદને લઈને વીડિયો વાયરલ કર્યો હતો. ગઢડા મંદિરના ટ્રસ્ટી બોર્ડની મળેલી બેઠકમાં દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને હોદ્દા પરથી દૂર કરાયા હતા અને તેમના સ્થાને રમેશ ભગતની નિમણૂક કરવામાં આવી છે. વીડિયો વાયરલ કરતા એસ.પી. સ્વામીએ આક્ષેપ મૂક્યો છે કે, રાત્રે આઠ વાગ્યે દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને ડીવાયએસપી નકુમ ઓફિસમાં ધસી આવ્યા હતા અને ચૂંટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન કરીને તેમને બહાર કાઢી મૂક્યા હતા. ડીવાયએસપી નકુમે આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓને ઓફિસમાં મનફાવે તેવી ગાળો ભાંડી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તપાસનો આદેશ
ગઢડા સ્વામિનારાયણ મંદિર (Gadhada Swaminarayan Temple) ખાતે ગુંડાગીરીનો વીડિયો વાયરલ થયા બાદ ડીવાયએસપી નકુમ (DySP Nakum) સામે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. આ મામલે ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ બાદ ડીજીપી (DGP)એ તપાસનો આદેશ કર્યો હતો. આ મામલે ભાવનગર રેન્જ આઈજી (Bhavnagar Rang IG) તપાસ કરી રહ્યા છે. જોકે, મળતી માહિતી પ્રમાણે હજુ આ મામલે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર