Home /News /kutchh-saurastra /Flashback 2022: ગુજરાતની આ બે દર્દનાક દુર્ઘટનામાં લાશોના ઢગલાં થઈ ગયા'તા, ‘ઇતિહાસ’માં કાળા અક્ષરે લખાઈ!

Flashback 2022: ગુજરાતની આ બે દર્દનાક દુર્ઘટનામાં લાશોના ઢગલાં થઈ ગયા'તા, ‘ઇતિહાસ’માં કાળા અક્ષરે લખાઈ!

વર્ષ 2022ની ગુજરાતમાં બનેલી બે દર્દનાક દુર્ઘટના

Flashback 2022: ગુજરાતમાં વર્ષ 2022 દરમિયાન એવી બે દર્દનાક દુર્ઘટનાઓ બની કે તે ઇતિહાસમાં કાળા અક્ષરોથી લખાઈ ગઈ છે. બંને દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો આવો એક નજર કરીએ આ ઘટનાઓ પર...

  • News18 Gujarati
  • Last Updated :
  • Morvi (Morbi) | Botad
અમદાવાદઃ વર્ષ 2022 પૂરું થવાની તૈયારીમાં છે. ત્યારે આજે વાત કરવી છે એવી બે દુર્ઘટનાની જે આજીવન ગુજરાતવાસીઓ નહીં ભૂલી શકે. ઇતિહાસમાં આ બંને ઘટનાઓને કાળા અક્ષરે લખવામાં આવશે. મહત્ત્વનું છે કે, આ બંને ઘટનાની વિશ્વસ્તરે નોંધ લેવામાં આવી છે. આ બંને ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત નીપજ્યા હતા અને ભારે હંગામો થયો હતો. હું વાત કરું છું બોટાદ લઠ્ઠાકાંડની અને મોરબી ઝૂલતો પુલ તૂટવાની ઘટનાની. સૌથી પહેલા નજર કરીશું બોટાદ લઠ્ઠાકાંડ પર...

બોટાદનો લઠ્ઠાકાંડ


botad hooch tragedy
બોટાદનો લઠ્ઠાકાંડ


24મી જુલાઈના દિવસે બોટાદ જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં દેશી દારૂને નામે મિથેનોલયુક્ત ઝેરી દ્રવ્ય પીવાથી 44 જેટલાં લોકોના મોત નીપજ્યા હતા. તેમાં બોટાદ જિલ્લાના 33 લોકો અને ધંધુકા તાલુકાના 11 લોકો સામેલ હતા. આ મામલે પોલીસે 34 જેટલા લોકો સામે ગુનો નોંધ્યો હતો અને 21 આરોપીની ધરપકડ કરી હતી.

બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગૃહ વિભાગની કાર્યવાહી


બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે આઠ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે છ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર સિંહ યાદવ અને બોટાદ એસપી કરણરાજ વાઘેલાની બદલી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે. આજે આ મામલે તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે.

લઠ્ઠામાં 98 ટકા કરતાં વધુ મિથાઇલનું મિશ્રણ હોવાનું તારણ


એફએસએલની તપાસમાં જણાયું હતું કે, અમુક સેમ્પલમાં 98.71 ટકા તથા 98.99 ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. સારવાર હેઠળ દર્દીઓની ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંર્દભે એફએસએલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.

હવે વાત કરીશું મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટવાની ઘટના વિશે...

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો


Morbi Bridge Collapsed
મોરબીનો ઝૂલતો પુલ દુર્ઘટના


30મી ઓક્ટોબરે સમી સાંજે સાડા છ વાગ્યાની આસપાસ મોરબીનો ઐતિહાસિક 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં સત્તાવાર જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 134 લોકોના મોત નીપજ્યા હતા. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 9 કામદારોની ધરપકડ કરવામાં આવી છે. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હજુ પણ ફરાર છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી નવા વર્ષના થોડાં દિવસ પહેલાં જ ઓરેવા કંપનીના માલિક અને પરિવારજનોએ મોરબીના ઝૂલતા પુલનું ઉદ્ઘાટન કર્યુ હતુ.

કાર્યવાહી ક્યાં સુધી પહોંચી?


આ મામલે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી અને સુનાવણી હાથ ધરી હતી. તેમાં સરકારને આકરા પ્રશ્નો કર્યા હતા. તેટલું જ નહીં, સરકારને વધુ વળતર આપવા માટે પણ જણાવ્યું હતું. ત્યારબાદ સરકારે 10 લાખ રૂપિયા વળતર આપવા માટે જાહેરાત કરી હતી.

FSL રિપોર્ટ શું આવ્યો હતો?


આ બાબતે મોરબીના સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું હતું કે, આરોપીઓના જામીન અરજીની સુનાવણી દરમિયાન એફએસએલનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ઓરેવા ગ્રુપે જેને મેન્ટેનન્સ અને સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેને તારીખ 30 ઓક્ટોબરે દુર્ઘટનાના દિવસે 3165 ટિકિટ ઇસ્યૂ કરવામાં આવી હતી. આટલા બધા લોકો પુલ પર જશે તો શું થશે, તેનો વિચાર ટિકિટ આપનારે કર્યો નહોતો. પુલ પર ટિકિટ માટે બે કાઉન્ટર કાર્યરત હતા અને બંને લોકોએ એકબીજા કાઉન્ટર પરથી કેટલી ટિકિટ આપવામાં આવી તે અંગે અજાણ હતા.

મેનેજરે નિયમો પાળ્યા નહોતા


રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, ઝૂલતા પુલના મહત્વના ભાગ પર કાટ લાગેલો હતો અને બોલ્ટ ઢીલા થઇ ગયા હતા. મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ પી.સી.જોષી સામે પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. આરોપીઓ પૈકી ત્રણ સિક્યોરીટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણને કોઈ ટ્રેનિંગ આપવામાં આવી ન હતી અને તેઓ લેબર કોન્ટ્રાક્ટર હતા. તેમજ મેનેજરે તેના સ્ટાફને સમજાવવાનું હતું કે, બ્રિજ પર 100 લોકો જ જઈ શકે, પરંતુ મેનેજરે આવું કર્યું નહોતું.

તો આ હતી એવી બે દુર્ઘટનાઓ જે ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે. આ ઘટનાઓ દરવર્ષે લોકોને યાદ આવશે જ. ખાસ કરીને, જેમના પરિવારજનો આ દુર્ઘટનાનો ભોગ બન્યાં છે તેવા લોકોના માનસપટલ પરથી આ દુર્ઘટનાઓના દર્દનાક ચિત્ર આજીવન નહીં ખસે!
First published:

Tags: Flashback

विज्ञापन