પ્રકાશ સોલંકી, બોટાદ: બોટાદ જિલ્લા (Botad district)માં ખૂબ જ દુઃખદ બના બન્યો છે. અહીં એક અકસ્માતમાં પિતા અને પુત્રનાં મોત (Botad accident) થયા છે. જેમાં પુત્રની ઉંમર ફક્ત બે વર્ષની છે. પુત્રનો જન્મ દિવસ (Birthday) હોવાથી પિતા તેને લઈને સાળંગપુર (Salangpur Hanuman temple) ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખત બાઈકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે બોટાદ શહેરમાં તુરખા રોડ ઉપર રહેતા મહેન્દ્રભાઈ (Mahendrabhai Khandala) તેમના બે વર્ષના પુત્રનો જન્મ દિવસ હોવાથી સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે (Temple) દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે તેમનું બાઈક વીજપોલ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે વીજપોલ પણ તૂટી ગયો હતો.
આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાળંગપુર બોટાદ રોડ ઉપર વૃંદાવન હોટલ પાસે રહેતા મૂળ અમદાવાદ જિલ્લાના વાસણા ગામના વતની અને હાલ રણછોડનગર તુરખા રોડ, બોટાદ ખાતે રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ અરજણભાઈ ખાંદળા- દલવાડી (ઉંમર વર્ષ. 35) શુક્રવારે તેમના પુત્ર વેદાંત (ઉં.વ. 2)નો જન્મદિવસ હોવાથી પોતાનું બાઇક GJ-04 AB 9591 લઈને સાળંગપુર દર્શન કરવા ગયા હતા.
પિતા-પુત્ર બાઇક લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્મત નડ્યો હતો. સાંજના સમયે બાઈક ઉપરથી કાબૂ ગુમાવતા મોટરસાઇકલ સિમેન્ટના થાંભલા સાથે અથડાયું હતું. ટક્કરથી પિતા-પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે બરવાળા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસબંનેની લાશને પી.એમ અર્થે સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ અકસ્માતના પગલે તેમના પરિવારજનો ઉપર જાણે આભ તૂટી પડી ગયું હોઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
મળતી માહિતી પ્રમાણે મહેન્દ્રભાઈ તેમના પુત્રનો જન્મ દિવસ હોવાથી તેને લઈને સાળંગપુર દર્શન કરવા ગયા હતા. સાળંગપુરથી પરત આવ્યા બાદ રાત્રે ઘરે પુત્રનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું હતું. જોકે, અકસ્માતમાં બંનેએ જીવ ગુમાવતા પરિવારજનોને મોટો આધાત લાગ્યો હતો. જન્મ દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી હતી ત્યારે જ મોતના સમાચાર આવતા પરિવારના સભ્યો ચૌધાર આંસુએ રડી પડ્યાં હતાં.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર